ફરી એક વખત સ્વચ્છતા સર્વેક્ષણમાં પ્રથમ ક્રમ મેળવવા માટે સુરત મહાનગરપાલિકા કોઈ કસર રાખવા માંગતી નથી. લોકોને સ્વચ્છતા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે, તો બીજી તરફ શહેરના દરેક ખૂણા પર સીસીટીવી કેમેરાથી લાઈવ મોનિટરિંગ કરવામાં આવે છે. સુરતમાં જાહેર રસ્તા પર થૂકનાર અને ગંદકી કરનાર લોકો ઉપર બાજ નજર રાખવામાં આવી રહી છે. આ માટે સુરત મહાનગરપાલિકા 4,500 સીસીટીવી કેમરાથી લાઈવ સ્ટ્રીમિંગ કરે છે. સ્વચ્છતા સર્વેક્ષણમાં અડચણરૂપ આવા લોકોને ઈ-ચલણ પણ મોકલવામાં આવે છે. પાલિકા દ્વારા સ્વચ્છતા સર્વેક્ષણમાં નાની-નાની બાબતોનું ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. 245 લોકોને જાહેરમાં થૂકવા બદલ દંડ
સુરત મહાનગરપાલિકા શહેરના તમામ ન્યુસેન્સ પોઇન્ટ પર ત્રીજી આંખથી નજર રાખી રહી છે અને 4500 કેમરાથી વોચ રાખી 5 મહિનામાં 245 લોકોને જાહેરમાં થુકવા બદલ ઈ-ચલણ પણ ફટકારવામાં આવ્યા છે. જેમાંથી 67 લોકોએ ઈ-ચલણ ભરી દીધા છે. જો આવનાર દિવસોમાં અન્ય લોકો ઈ-ચલણ નહીં ભરે તો તેમને 100ની જગ્યાએ 250 રૂપિયા ચૂકવવા પડશે. જાહેરમાં થૂકનાર લોકો કરોડો રૂપિયાના ખર્ચે કરવામાં આવેલ શહેરના બ્યુટીફિકેશન પર લાલ પિચકારી મારી ગંદગી ફેલાવે છે. જેના કારણે આવા લોકો પર એક્શન લેવા માટે સુરત મહાનગરપાલિકા ઇમરજ્સી રિસ્પોન્સ સેન્ટરની મદદથી લઈ રહી છે. CCTV કેમેરાની મદદથી સતત નજર
સુરત ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતે રાઉન્ડ ધી ક્લોક શહેરમાં જાહેર સ્થળો પર થૂકનાર લોકો સામે સીસીટીવી કેમેરાની મદદથી નજર રાખવામાં આવી રહી છે. કરોડો રૂપિયાના ખર્ચે સુરત મહાનગરપાલિકા શહેરના અનેક સ્થળો પર બ્યુટિફિકેશન કરી તેને સ્વચ્છ અને સુંદર બનાવવા માટે પ્રયત્નશીલ છે. ત્યારે આવા સ્થળો અનેક લોકો થૂંકીને લાલ પિચકારી મારી તેને ગંદો કરે છે. એટલું જ નહીં જાહેર સ્થળો પર પણ આવી જ રીતે થૂકીને ગંધ ફેલાવે આવે છે. સુરત શહેરનો સ્વચ્છતા સર્વેક્ષણમાં ફરી એકવાર પ્રથમ ક્રમ આવે આ માટે સુરત મહાનગરપાલિકાએ કમર કસી લીધી છે. 4500 સીસીટીવી કેમેરાથી નજર
આ સમગ્ર મામલે સુરત મ્યુનિસિપલ કમિશનરની શાલિની અગ્રવાલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વચ્છ ભારત અભિયાન હેઠળ સુરત શહેરને સ્વચ્છ બનાવવા માટે અમે અગ્રેસર છીએ. ખાસ કરીને સુરત શહેરના અનેક સ્થળો પર પાન-માવા ખાઈને થૂકનાર લોકો સામે એક્શન લેવામાં આવે તે માટે 4500 સીસીટીવી કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. આવા લોકોને આરટીઓના માધ્યમથી ઈ-ચલણ મોકલી દંડ ફટકાર્યા છે. ‘60થી વધુ ટીમ અલગ-અલગ વોર્ડમાં વોચ રાખી રહી છે’
તેઓએ વધુમાં જણાવ્યું કે, આ સમગ્ર કાર્યવાહી અમે ઇમર્જન્સી રિસ્પોન્સ સેન્ટર ખાતેથી કરી રહ્યા છે. જ્યાં 60થી વધુ ટીમ તેનાત છે અને આ ટીમ અલગ-અલગ વોર્ડમાં વોચ રાખે છે. ખાસ કરીને શહેરના અલગ-અલગ વિસ્તાર કે જ્યાં બ્યુટિફિકેશન કરવામાં આવ્યા છે, ત્યાં પાન-મસાલા ખાઈને થૂકનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. અમે લોકોને અપીલ કરીએ છીએ કે, સુરતને સ્વચ્છ રાખે અને ખાસ કરીને સ્વચ્છતા સર્વેક્ષણમાં ફીડબેક આપે આ માટે પણ અમે સક્રિય છીએ.