back to top
Homeગુજરાતદર ભાઈબીજે યોજાતી 761 વર્ષ જુની પરંપરા:ડીસાના મુડેઠા ગામે 200થી વધુ ઘોડાઓ...

દર ભાઈબીજે યોજાતી 761 વર્ષ જુની પરંપરા:ડીસાના મુડેઠા ગામે 200થી વધુ ઘોડાઓ વચ્ચે અશ્વદોડ યોજાઈ; ભાઈ-બહેનના પવિત્ર પ્રેમની યાદને ગ્રામજનોએ શૌર્યરૂપે રજૂ કરી

ભાઈ-બહેન વચ્ચેના પવિત્ર પ્રેમના પર્વ એવા ભાઈબીજના દિવસે બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકાના મુડેઠા ગામમાં લગભગ 761 વર્ષથી અશ્વદોડ યોજાય છે. ત્યારે આજે આ અશ્વદોડને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં લોકોની ભીડ ઊમટી હતી. આ પ્રસંગે દરબાર અને રાજપૂત સમાજના લોકો તેમની બહેન પ્રત્યેના પ્રેમને શૌર્યની ભાષામાં રજૂ કરે છે. ‘શું છે 761 વર્ષ જૂની અશ્વદોડનો ઈતિહાસ?’
ભારતમાં ક્ષત્રીય દરબાર સમાજના લોકોનો ઈતિહાસ ખૂબ જ ઊજળો જોવા મળે છે. પોતાની જીદ અને નીડરતા માટે જાણીતો દરબાર સમાજ આજે પણ પોતાની પરંપરાઓને જાળવી રાખવા માટે મશહૂર છે. વર્ષો અગાઉ રાજસ્થાનના ઝાલોરમાં વિરમસિંહ ચૌહાણ નામના રાજા થઇ ગયા. જે-તે સમયે મોગલોના આક્રમણથી રજવાડામાં ફૂટ પડવા લાગી હતી અને મોગલો તમામ રજવાડાં પર સામ્રાજ્ય જમાવવા માંડ્યા હતા. આ અરસામાં મોગલોએ જ્યારે ઝાલોરના રાજા વિરમસિંહ ચૌહાણ પર ચઢાઈ કરી ત્યારે શક્તિશાળી મોગલોથી તેમની પુત્રી ચોથબાને બચાવવા માટે વિરમસિંહે ચોથબાને નાથ બાબજી નામના એક સંતને સોંપી દીધી હતી. ‘રાઠોડ પરિવારના ભાઈઓએ ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું’
રાજાની આવી સૂચના બાદ મોગલોની નજરથી ચોથબાને બચાવી આ સંત નાથ બાબજી ચોરીછૂપીથી રવાના થઇ જઈ ડીસા તાલુકાના પેપળુ ગામે આવી પહોંચ્યાં હતાં. પેપળુ પહોંચ્યા બાદ ચોથબા ઉંમરલાયક થતાં તેમના લગ્ન પેપળુના રાજવી પરિવારના દેવીસિંહ વાઘેલા સાથે નક્કી કરવામાં આવ્યા હતા, પરંતુ રાજસ્થાનથી લાવેલા ચોથબાને કોઈ ભાઈ ન હોવાથી રાજપૂત કુળની દીકરીનું કન્યાદાન રાજપૂત ભાઈઓ દ્વારા જ કરવામાં આવે એવી માન્યતાને લઇ પેપળુ ગામની નજીકમાં જ આવેલા મુડેઠા ગામના રાઠોડ પરિવારના ભાઈઓ આગળ આવ્યા હતા અને ચોથબાના ભાઈ બનીને કન્યાદાન કર્યું હતું. ‘મોગલોના આતંકથી બચવા બખ્તર ધારણ કરતા’
ચોથબાને ધર્મની સાક્ષીએ બહેન માની તેમના લગ્ન કરાવ્યા બાદ મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ દર વર્ષે બેસતા વર્ષના દિવસે ચોથબા માટે મુડેઠાથી ચૂંદડી લઇ પેપળુ જતા અને ત્યાં રાત રોકાઈ ભાઈબીજના દિવસે પરત ફરતા હતા. એ સમયે મોગલોના આતંકથી બચવા માટે મુડેઠાના રાઠોડ પરિવારના ભાઈઓ બખ્તર ધારણ કરીને જતા હતા. જે બખ્તર આજે પણ હયાત છે. આ પરંપરાને રાઠોડ ભાઈઓએ 761 વર્ષથી જાળવી રાખી છે. ‘761 વર્ષ જૂની પરંપરામાં 200થી વધુ અશ્વો ભાગ લે છે’
પોતાની પરંપરા સાચવવા માટે મશહૂર રાઠોડ પરિવારના સભ્યો આજે પણ મુડેઠા ગામેથી બેસતા વર્ષના દિવસે ચૂંદડી લઇ ચોથબાને ઓઢાડવા જાય છે. ભાઈબીજના દિવસે પરત મુડેઠા આવીને ઉત્સાહમાં પટ્ટા ખેલીને હુડીલા ગાય છે અને અશ્વદોડનું આયોજન કરે છે. લગભગ 200થી વધુ અશ્વો આ અશ્વદોડમાં ભાગ લે છે. મુડેઠા ગામમાં છેલ્લાં 761 વર્ષથી યોજાતી આ અશ્વદોડમાં પાણીદાર અશ્વોની રફતારને નિહાળવા માટે દૂર દૂરથી હજારોની સંખ્યામાં જનમેદની ઊમટી પડે છે. ‘અહીં પોલીસ-બંદોબસ્તની જરૂર પડતી નથી’
રફતાર અને શૌર્યતાના આ સમન્વયને નિહાળવા માટે મોટી સંખ્યામાં લોકો ઊમટી પડતા હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવી ખૂબ જ અઘરી બની જતી હોય છે, પરંતુ આ અશ્વદોડની ખાસિયત એ છે કે આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોવા છતાં અહીં કોઈપણ જાતના પોલીસ-બંદોબસ્તની જરૂર પડતી નથી. મુડેઠા ગામના રાઠોડ પરિવારના ઘરો જ આ આખા પ્રસંગની સુરક્ષાની જવાબદારી પોતાના માથે લઇ લે છે. એટલું જ નહિ, પરંતુ 750 વર્ષના ઇતિહાસમાં આજ સુધી અહીં આટલી મોટી સંખ્યામાં જનમેદની ઊમટી પડતી હોવા છતાં કોઈ દિવસ અપ્રિય ઘટના બની નથી. ‘આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ’
સદીયોથી ચાલી આવતી આ પરંપરાને નિભાવનારા અને નિહાળનારા બદલાતા ગયા, પરંતુ આ પરંપરા આજે પણ બરકરાર છે. કેટલીય પેઢીઓથી ચાલી આવતી આ પરંપરામાં રાઠોડ કુળના લોકો તલવારબાજી કરી પટ્ટા રમતા હોય છે. જેમ જેમ સમય બદલાય છે તેમ તેમ દરેક વસ્તુ બદલાતી જાય છે, પરંતુ મુડેઠા ગામના દરબાર પરિવારો માટે તો આજેય સમય 761 વર્ષ અગાઉ જ થંભી ગયો હોય તેમ આવનારી પેઢીઓ પણ આ પરંપરાને જાળવી રાખવા માટે એટલી જ તત્પર જણાઈ રહી છે. આજના યુવા વર્ગમાં પણ આ પરંપરા સાચવી રાખવાનો ઉત્સાહ એટલો જ જોવા મળી રહ્યો છે જે અગાઉની પેઢીઓમાં જોવા મળતો હતો. ‘દર વર્ષે અલગ અલગ કુળના રાઠોડ પરિવારો ચૂંદડી આપવા જાય છે’
દર વર્ષે દિવસે યોજાતી આ અશ્વદોડનો ઈતિહાસ 761 વર્ષ જૂનો છે અને દર વર્ષે ભાઈબીજના દિવસે બહેનને પાડોશના ગામ પેપળુ ચૂંદડી આપવા માટે રાઠોડ પરિવારના જે સભ્યો જાય છે. તે અલગ અલગ કુળના હોય છે, જેમાં ખેતાણી,ભાલાણી, રાજાણી અને દૂધાણી કુળના રાઠોડો જતા હોય છે. દર વર્ષે અલગ અલગ કુળના રાઠોડ પરિવારો બખ્તર ધારણ કરીને પેપળુ મુકામે ચૂંદડી આપવા જાય છે. હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે એ 761 વર્ષ જૂનું ડીસા તાલુકાના મુડેઠા ગામમાં દર વર્ષે ભાઈબીજના દિવસે યોજાતી અશ્વદોડને નિહાળવા માટે માત્ર આસપાસના ગામના લોકો જ નહિ, પરંતુ અમદાવાદ સહિત રાજસ્થાન સુધીના લોકો પણ મુડેઠા ગામે ઊમટી પડે છે અને નાનકડા મુડેઠા ગામમાં માનવ કીડિયારું ઊભરાયું હોય એવો માહોલ જોવા મળે છે. મુડેઠા ગામના લોકોનું કહેવું છે કે હાલ રાઠોડ પરિવારના સભ્યો જે બખ્તર ધારણ કરે છે એ બખ્તર પણ 761 વર્ષ જૂનું છે અને આજે પણ રાઠોડ કુળમાં આ બખ્તર ધારણ કરનારને ખૂબ જ માનથી નવાજવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments