દેશભરમાં હાલ દિવાળીનાં તહેવારોની ઉજવણી કરાઈ રહી છે. જે અંતર્ગત રાજકોટમાં પણ લોકો દિવાળીનાં તહેવારો માણી રહ્યા છે. જોકે, તહેવારો પૂર્ણ થયા બાદ એટલે કે લગભગ લાભ પાંચમ પછી મનપા દ્વારા ધાર્મિક અને અન્ય ગેરકાયદે બાંધકામો પર બુલડોઝર ફેરવાશે. આ કામગીરી દરમિયાન વધુ ભીડ એકત્ર થતી હોય તેવા વિસ્તારોને પ્રાધાન્ય આપવામાં આવશે. મનપા કમિશનરે છેલ્લા બે વર્ષમાં ટીપી બ્રાન્ચ દ્વારા ઇશ્યુ થયેલી નોટિસો અંગે વિગતો મંગાવી છે ત્યારે મનપા દ્વારા અપાયેલી આ નોટિસોને ધ્યાનમાં ન લેનારાની મિલકતો પર બુલડોઝર ફરે એવી પૂરતી સંભાવના છે. મ્યુ. કમિશનરે ગેરકાયદેસર બાંધકામોની યાદી તૈયાર કરવાનો આદેશ આપ્યો
રાજકોટના કાલાવડ રોડ ઉપર ટીઆરપી ગેમઝોનમાં સર્જાયેલા અગ્નિકાંડમાં બાળકો સહિત 27 નાગરિકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ દુર્ઘટનામાં ક્યાંકને ક્યાંક ગેરકાયદેસર ખાંધકામ કારણભૂત નિકળ્યું હતું. ત્યારે શહેરમાં ગેરકાયદે બાંધકામોને કારણે કોઈ દુર્ઘટના ન બને તે માટે શહેરમાં અગાઉ જે ગેરકાયદે બાંધકામોને 260-1 અને 260-2 મુજબની નોટિસ આપવામાં આવી હોય પણ આજ સુધી આગળ કાર્યવાહી ન થઈ હોય એવા બાંધકામો હટાવવા મહાનગરપાલિકાએ તૈયારી શરૂ કરી છે. શહેરના ત્રણેય ઝોનમાં આ પ્રકારના બાંધકામોની યાદી તૈયાર કરવાનો આદેશ મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈ દ્વારા આપવામાં આવ્યો છે. દિવાળી બાદ ઝુંબેશનાં રૂપમાં કાર્યવાહી કરવામાં આવશે
મ્યુ. કમિશનર દેવાંગ દેસાઈનાં જણાવ્યા મુજબ મનપા દ્વારા ગેરકાયદે બાંધકામો દૂર કરવા ઝુંબેશ શરૂ કરવામાં આવનાર છે. જેમાં રાજકોટની મધ્યમાંથી પસાર થતી આજી નદી તથા તેના વોટર-વે (વોકળા) ઉપર કરવામાં આવેલા ગેરકાયદેસર બાંધકામોને અગાઉ નોટિસો આપી દેવામાં આવી હતી. જેના અનુસંધાને લોકો દ્વારા અમને રજૂઆતો મળી હતી. જેને ધ્યાનમાં લઈને શક્ય જણાય એવા તમામ લોકોને મકાનો ફાળવી દેવામાં આવ્યા હતા ત્યારે હવે આવા અનઅધિકૃત બાંધકામો દૂર કરવા માટે દિવાળી બાદ ઝુંબેશનાં રૂપમાં કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ નોટિસો આપવામાં આવી હતી
આજી નદી આસપાસ તેમજ શહેરમાં અન્ય સ્થળોએ ધાર્મિક દબાણો પણ સામે આવ્યા હતા. જેને અગાઉ નોટિસો આપવામાં આવી હતી. જોકે, ધાર્મિક દબાણો હાલ કેટલા છે? તેનો અલગથી સર્વે કરવામાં આવ્યો નથી પરંતુ, અદાલતનાં હુકમ મુજબ આવા દબાણો પણ દૂર કરવામાં આવનાર છે. આ માટે અગાઉ આ બાંધકામોને પ્રથમ નોટિસ અને તાજેતરમાં બીજી નોટિસ પણ અપાઈ ચૂકી છે ત્યારે દિવાળી બાદ આવા દબાણોને હટાવવા માટેની કાર્યવાહી પણ કરવામાં આવનાર છે. નિયમ વિરુદ્ધનું બાંધકામ હશે તો તોડી પડાશે
વધુમાં તેમણે જણાવ્યું કે, એવા બાંધકામો કે જ્યાં વધુ ભીડ એકત્રિત થતી હોય તેવા ગેરકાયદે બાંધકામોનું ઝડપથી ડિમોલિશન કરવાની સૂચના આપવામાં આવી છે તેમજ નોટિસનો જવાબ આવી ગયેલ હોય તેવા બાંધકામોની પુનઃચકાસણીનો આદેશ કરાયો છે. શહેરમાં ઉભા થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે ટીપી વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરાઈ રહી છે. જેમાં હાલ ચાલી રહેલા તમામ ગેરકાયદેસર બાંધકામોને પ્રથમ 260(1)ની નોટીસ આપવામાં આવી છે તેમજ આ નોટિસની બજવણી બાદ સંતોષજનક જવાબ રજૂ થયો ન હોય અને નિયમ વિરુદ્ધનું બાંધકામ હોય એવા ગેરકાયદે બાંધકામોને 260(2)ની નોટીસ આપવાની કામગીરી હાલ ચાલી રહી છે. વધુ ભીડ એકત્ર થતી હોય ત્યા પહેલા કાર્યવાહી થશે
છેલ્લા બે વર્ષ દરમિયાન 260(2)ની નોટીસ અપાઈ ગઈ હોય અને આ બાંધકામ વિરૂદ્ધ કોઈ જાતની કાર્યવાહી કરવામાં ન આવી હોય તેવા ગેરકાયદેસર બાંધકામોનું લિસ્ટ તૈયાર કરવા માટે ઝોનવાઈઝ સૂચના આપવામાં આવી છે. જેમાં મોલ તેમજ કોમર્શિયલ બિલ્ડીંગો કે જ્યાં વધુ માત્રામાં ઓફિસો તેમજ દુકાનો હોય તેમજ વધુ લોકો એકઠા થતાં હોય એવા ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ પ્રથમ કાર્યવાહી કરવામાં આવશે. તેવી જ રીતે ધાર્મિક બાંધકામોને પણ નોટિસ અપાઈ છે. અને આવા બાંધકામો પણ નામદાર કોર્ટનાં આદેશ મુજબ દૂર કરવા કાર્યવાહી કરવામાં આવશે. ફરી વખત સ્થળ તપાસ કરી ઝડપથી કાર્યવાહી કરવાની સૂચના
ઉલ્લેખનીય છે કે, રહેણાંકના બાંધકામોમાં પણ વધારાનું બાંધકામ થયું હોય, ઈમ્પેક્ટ ફીના કાયદામાં ન આવતા હોય તે પ્રકારના બાંધકામો દૂર કરવા માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે. ત્રણેય ઝોનમાં અધિકારીઓને તેમના ઝોનમાં આવતા ગેરકાયદેસર બાંધકામોનું લિસ્ટ તૈયાર કરવાની સૂચના તેમજ અગાઉ 260(1)ની નોટીસ અથવા 260(2)ની નોટિસ અપાઈ હોય તે બાંધકામોની ફરી વખત સ્થળ તપાસ કરી તેનું અલગથી લીસ્ટ તૈયાર કર્યા બાદ ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તેવી સૂચના આપવામાં આવી છે.