ગુજરાતી હિન્દુ કેલેન્ડર અનુસાર નવા વર્ષે એટલે કે કારક મહિનાની શરૂઆતથી ઠંડીની શરૂ થાય છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા પણ અગાઉ નવેમ્બર માસથી ઠંડીની શરૂઆત થશે તેવી માહિતી પ્રસારિત કરવામાં આવી હતી. જેને પગલે છેલ્લા બે દિવસથી ગુજરાત રાજ્યના મોટાભાગના જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન સામાન્યથી નજીક પહોંચ્યું છે. તથા છેલ્લા કેટલાક દિવસોની સરખામણીએ દિવસ અને દિવસે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. અમદાવાદ સહિતના જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન ઘટતા શિયાળાની શરૂઆત થઈ હોય તેવો અનુભવ શહેરીજનોને થઈ રહ્યો છે. આ સાથે જ મહત્તમ તાપમાનમાં પણ એકથી બે ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો નોંધાયો છે. પાંચ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા
ગુજરાતના વિવિધ ભાગોમાં ધીમે ધીમે નવેમ્બર માસની શરૂઆત થતા જ લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી નોંધપાત્ર ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. હજુ પણ આગામી પાંચ દિવસમાં ગુજરાતમાં લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાની શક્યતાઓ છે. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં વહેલી સવારથી જ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. કારણ કે લઘુત્તમ તાપમાનમાં ઘટાડો થવાથી ભેજનું પ્રમાણ યથાવત રહેતા અને ઠંડકમાં ભેજ પણ ઠંડો થવાથી ધુમસ ભર્યું વાતાવરણ સર્જાયું હતું. એક તરફ તાજેતરમાં જ દિવાળીના તહેવારને કારણે રાજ્યભરના પ્રદૂષણમાં પણ વધારો થયો છે, ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવાથી પ્રદૂષણના પાર્ટીકલ્સ જમીનની સ્તરતી નજીક રહેવાથી લોકોને શ્વાસ લેવામાં પણ તકલીફ પડી શકે છે. ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું
અમદાવાદ શહેરની વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાક દરમિયાન સામાન્ય કરતાં બે ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન વધુ રહીને 36.9 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે લઘુત્તમ તાપમાન પણ સામાન્ય કરતાં ત્રણ ડિગ્રી સેલ્સિયસ વધુ રહીને 22 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું. જોકે, છેલ્લા ચાર દિવસમાં લઘુત્તમ તાપમાનમાં સતત એકથી દોઢ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થઈ રહ્યો છે. જેને કારણે ધીમે ધીમે વાતાવરણમાં ઠંડકનો અનુભવ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં 18.6 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાન સાથે ગાંધીનગર રાજ્યનું સૌથી ઠંડું શહેર રહ્યું હતું. આજે પણ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી તથા લઘુત્તમ તાપમાન 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે.