1 નવેમ્બરે રિલીઝ થયેલી ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’માં જોવા મળેલો રાજપાલ યાદવ વિવાદોમાં ઘેરાયેલો જોવા મળે છે. હાલમાં જ રાજપાલ યાદવનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટર એક પત્રકાર સાથે લડતો જોવા મળી રહ્યો છે. 2 નવેમ્બરના રોજ રાજપાલ યાદવ ઉત્તર પ્રદેશના લખીમપુર ખેરી જિલ્લાના પલિયા શહેરમાં પહોંચ્યો હતો. આ દરમિયાન એક પત્રકારે તેને કેટલાક સાથીઓની હાજરીમાં કેટલાક પ્રશ્નો પૂછ્યા હતા. વીડિયોની શરૂઆતથી જ તે ખરાબ મૂડમાં હોય તેવું લાગી રહ્યું હતું. જ્યારે પત્રકારે તેને પૂછ્યું કે તેની આગામી ફિલ્મો કઈ છે અને કઈ ફિલ્મો આવી ચૂકી છે. તો તેણે જવાબ આપ્યો, દર દોઢ મહિને એક ફિલ્મ જોવા મળશે. આગળ પત્રકારે તેમને પૂછ્યું, તાજેતરમાં જ દિવાળી પહેલા તમારું એક નિવેદન બહાર આવ્યું છે. પત્રકાર પોતાનો પ્રશ્ન પૂરો કરે તે પહેલા જ રાજપાલ ગુસ્સામાં આવી ગયો અને તેનો કેમેરો છીનવી લીધો. જોકે તેની પ્રતિક્રિયા કેમેરામાં કેદ થઈ ગઈ હતી. રાજપાલ યાદવનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે, જેના પર લોકો આકરી ટીકા કરી રહ્યા છે. પ્રશ્ન પર રાજપાલ યાદવ કેમ ગુસ્સે થયો?
દિવાળી પહેલા રાજપાલ યાદવે સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા ફેન્સને ફટાકડા ન ફોડવાની અપીલ કરી હતી, કારણ કે તેનાથી પ્રાણીઓને નુકસાન થાય છે અને વાયુ પ્રદૂષણ થાય છે. આના એક દિવસ પછી જ રાજપાલ યાદવે તેનો ચિકન બિરયાની ખાતો વીડિયો શેર કર્યો હતો, જેમાં તે નોન વેજને પ્રમોટ કરતો જોવા મળ્યો હતો. રાજપાલ યાદવને જોઈને લોકો ગુસ્સે થઈ ગયા હતા. જો કે, વિવાદ વધતો જોઈને રાજપાલ યાદવે એક વીડિયો જાહેર કર્યો અને ફેન્સની માફી માંગી. વીડિયો સાથે લખ્યું કે, હું દિલથી માફી માંગુ છું. મારો હેતુ દિવાળીની ખુશીમાં ઘટાડો કરવાનો નહોતો. દિવાળી આપણા માટે ખુશીઓ અને રોશનીનો તહેવાર છે અને તેને દરેક માટે સુંદર બનાવવો એ આપણો વાસ્તવિક તહેવાર છે. આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને પ્રેમ. ચાલો સાથે મળીને આ દિવાળીને ખાસ બનાવીએ. આ દિવસોમાં રાજપાલ યાદવની ફિલ્મ ‘ભુલ ભુલૈયા 3’ રિલીઝ થઈ છે. ફિલ્મમાં કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી લીડ રોલમાં છે. આ સિવાય તે ટૂંક સમયમાં ‘બેબી જોન’ અને ‘વનવાસ’ જેવી ફિલ્મોમાં જોવા મળશે.