ગત મોડીરાત્રે શહેરના સુભાનપુરા વિસ્તારમાં આવેલા ડોમિનોઝ પિત્ઝા સામે પૂર ઝડપે આવતી કાર પલટી ખાઈ ગઇ હતી. ઘટનાને પગલે લોકોનું ટોળું એકત્રિત થઈ ગયું હતું અને કારમાં સવાર યુવાનો જોડે બોલાચાલી થઇ હતી. કારમાં સવાર યુવકો નશાની હાલતમાં હોવાની વાત સામે આવી છે. તો બીજી તરફ કારમાંથી દારૂની બે બોટલ પણ મળી આવી હતી. સમગ્ર ઘટના અંગે પોલીસ કંટ્રોલરૂમમાં જાણ કરવામાં આવતા પીસીઆર વાન આવી પહોંચી હતી. આ ઘટના સમયે કારમાં હાજર યુવકોને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. આ ઘટનામાં પોલીસે ચાર શખસ સામે ફરિયાદ નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, જો કાર પલટી ન હોત તો ચોક્કસ તથ્ય વાળી થાત! ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળે દોડી ગઈ
ગોરવા પોલીસ મથકમાં નોંધાયેલી ફરિયાદ મુજબ, ગતરાત્રે કંટ્રોલરૂમ તરફથી વર્ધિ મળી કે ડોમિનોઝ પિત્ઝાની સામે એક કાર પલટી ખાઇ ગઇ છે. તે બાદ નાઇટ રાઉન્ડમાં પેટ્રોલિંગમાં તૈનાત પોલીસ સ્થળ પર પહોંચી હતી. તે સમયે કાર પલટી ખાઇ ગઇ હતી અને કારમાં સવાર યુવકો અને કેટલાક લોકો વચ્ચે ખેંચા-ખેંચી થઇ રહી હતી. બાદમાં કારચાલક સહિતનાને પોલીસ છોડાવીને ગોરવા પોલીસ મથક લાવવામાં આવ્યા હતા. કારમાં સવાર યુવકોએ નશો કર્યાની કબૂલાત આપી
પોલીસ સ્ટેશનમાં તેઓનું નામ પૂછતા રાહુલ રાકેશભાઇ કુશ્વાહા (રહે. દર્શનમ, સમા-સાવલી રોડ, વડોદરા) અને રોહન રાકેશાઇ કુશ્વાહા હોવાનું જણાવ્યું હતું. તેણે તોતડાતી જીભે કહ્યું કે, તે પોતે આકાશ ઇશ્વરભાઈ વસાવા, ફાલ્ગુન સતિષભાઈ રાઠોડ અને રોહન ઇનઓર્બિટ મોલ પાસેથી નાસ્તો લઇને રેસકોર્ષ જવા માટે નીકળ્યા હતા. તેવામાં રસ્તામાં ગાડી રોકીને આકાશે ઇંગ્લીશ દારૂની બોટલ કાઢી હતી, જેમાંથી બેએ દારૂ પીધો હતો અને આકાશે પીધો ન હતો. કારમાં સવાર બે યુવક સ્થળેથી જતાં રહ્યાં
ત્યાર બાદ ફાલ્ગુન રાઠોડને રેસકોર્ષ છોડવા જતા કાર પૂર ઝડપો હંકારવામાં આવી હતી. જેમાં સ્ટીયરીંગ પરનો કાબુ ન રહેતા ગાડી ડિવાઇડર જોડે અથડાઈને બાદમાં ડિવાઈડર પર રહેલા ઝાડ સાથે ટકરાઈને કાર સામેના રસ્તા પર પહોંચી ગઈ હતી. જે બાદ રોહનને લોકો જોડે બોલાચાલી થઈ હતી અને તેને પકડી લીધો હતો. અન્ય બે મિત્રો ગભરાઇને જતા રહ્યા હતા. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધ્યો
આ સમગ્ર ઘટનમાં સ્થળ પરથી બંને યુવક ફૂલ નશાની હાલતમાં મળી આવ્યા હતા. તેમની પાસે દારૂ પીવા માટેની કોઇ મંજૂરી નહોતી. જેથી રાહુલ રાકેશભાઈ કુશ્વાહા (દર્શનમ વિલા, સમા-સાવલી રોડ, વડોદરા), રોહન રાહુલ રાકેશભાઈ કુશ્વાહા (દર્શનમ વિલા, સમા-સાવલી રોડ, વડોદરા), આકાશ ઇશ્વરભાઈ વસાવા અને ફાલ્ગુન સતિષભાઈ રાઠોડ સામે અલગ-અલગ ગુના નોંધવામાં આવ્યા છે. જે બાદ આરોપીઓ સામે વધુ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કાર પલટી ન હોત તો તથ્ય વાળી થાત!
મહત્વની બાબત છે કે, રાત્રિનો સમય હતો અને આ વિસ્તારમાં ભરપૂર ટ્રાફિક રહેતો હોય છે. ત્યારે આવી ઘટનાને લઇ ફરી એકવાર અમદાવાદના તથ્ય વાળી થતા રહી ગઈ છે, જેનું એકમાત્ર કારણ છે કે નબીરાઓએ નશાની હાલતમાં પૂરપાટે અને ગફલતભરી રીતે કારને હંકારી હતી. સદનસીબે કાર ડિવાઈડર સાથે ટકરાઈ અને પલટી ખાઈ ગઈ હતી, અન્યથા આ કારથી કેટલાય લોકોના જીવ લઈ શકત. ત્યારે ફરી એકવાર આવા નબીરાઓ સામે પોલીસ કડક કાર્યવાહી કરી તે ખૂબ જરૂરી છે.