રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના CCDC (કેરિયર કાઉન્સિલ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટર)માં GPSC ક્લાસ 1, 2, 3; પોલીસ, બેંક, રેલવેની ભરતી સહિત અધ્યાપક બનવા માટેની GSET-NETના રૂ. 1,000ના રાહત દરે કોચિંગ ચલાવવામાં આવે છે. UPSC ભવનમાં 4 વર્ષમાં 600થી વધુ વિદ્યાર્થીએ IAS-IPSની તાલીમ લીઘી છે. આ સેન્ટરના 21 વિદ્યાર્થીએ પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી તો 3 વિદ્યાર્થીઓ ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યા છે. હાલમાં CCDCમાંથી તાલીમ લઈને 90 વિદ્યાર્થીઓ ગુજરાત-ભારત સરકારના અલગ-અલગ વિભાગોમાં સેવા આપી રહ્યા છે. CCDCમાં તાલીમ મેળવી 3500 યુવક-યુવતીએ સરકારી નોકરીનું સ્વપ્ન સાકાર કર્યુ છે. CCDCની યુ-ટ્યૂબ ચેનલ સાથે 18,000થી વધુ વિદ્યાર્થી જોડાયેલા છે. CCDCમાં વિવિધ કોમ્પિટિવ પરીક્ષાની તૈયારી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્ર ભવનના અધ્યક્ષ અને CCDCના સંયોજક ડૉ. નિકેશ શાહે જણાવ્યું હતું કે, CCDCની શરૂઆત વર્ષ 2006માં થઈ ત્યારે ડૉ. કનુભાઈ માવાણી કુલપતિ હતા. રોજગારી અને સરકારી નોકરી મળે તે માટે માર્ગદર્શન આપવાના હેતુથી સીસીડીસીની શરૂઆત કરવામાં આવી હતી. જીપીએસસીની ક્લાસ 1, 2 અને 3, પોલીસ ઇન્સ્પેક્ટર, PSI, ASI ઉપરાંત કેન્દ્ર સરકારની IBPS, SBI બેંક, રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ, સ્ટાફ સિલેક્શન સહિતની પરીક્ષાઓની તૈયારી વિદ્યાર્થીઓ CCDCમાં કરાવવામાં આવે છે. દર વર્ષે ઓફ્લાઇન એટલે કે, ક્લાસ રૂમ ટિચિંગ તેમજ ઓનલાઇન અભ્યાસનો 50,000 જેટલા વિદ્યાર્થીઓ CCDCનો લાભ લઇ રહ્યા છે. હું વર્ષ 2013થી કો-ઓર્ડિનેટર તરીકે જવાબદારી નિભાવી રહ્યો છું. 10 વર્ષમાં 5 લાખ વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટેનું માર્ગદર્શન આપવામાં આવી ચૂક્યું છે. CCDCની યુ-ટ્યૂબ ચેનલ સાથે 18,000 વિદ્યાર્થી જોડાયેલા
અહીં માત્ર સ્પર્ધાત્મક પરીક્ષાઓ જ નહીં, પરંતુ જે વિદ્યાર્થીઓ રાજકોટમાં રહેતા નથી અને દૂર રહે છે, પરંતુ તેઓને ઘરે બેઠા સ્પર્ધાત્મક પરીક્ષાઓનું સચોટ માર્ગદર્શન મેળવવું છે તો તેઓ માટે યુ-ટ્યૂબ ચેનલ શરૂ કરવામાં આવેલી છે. CCDCની યુ-ટ્યૂબ ચેનલમાં 18,000 વિદ્યાર્થીઓ જોડાયેલા છે. જેમાં અલગ-અલગ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગી બને તેવા 300 કલાકના વીડિયો અપલોડ કરવામાં આવેલા છે. વિદ્યાર્થીઓ પોતાનું ઘરે બેઠા બેઠા કોઈ પણ જાતના ચાર સુધીના યુ-ટ્યૂબ ચેનલ ઉપર સ્પર્ધાત્મક પરીક્ષાઓનું માર્ગદર્શન મેળવી શકે છે. 29 ભવનોના વિદ્યાર્થી માટે રેમેડિયલ કોચિંગ
આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આવેલા 29 ભવનોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે રેમેડિયલ કોચિંગ ચાલી રહ્યા છે. જેમાં વિદ્યાર્થીઓને અભ્યાસ સિવાયના વધારાના કલાકોમાં અધ્યાયપકોની ટીમ દ્વારા તાલીમ આપવામાં આવે છે. દરેક ભવનમાં 50 કલાકની તાલીમ રેમેડિયલ કોચિંગના માધ્યમથી આપવામાં આવી રહી છે. અત્યાર સુધીમાં 50,000 જેટલા વિદ્યાર્થીઓને આ પ્રકારની તાલીમ અપાઈ ચૂકી છે. 300થી વધુ વિદ્યાર્થી તાલીમ મેળવી અધ્યાપક બન્યા
આ ઉપરાંત અધ્યાપક બનવા માટે રાજ્ય કક્ષાની GSET (ગુજરાત સ્ટેટ એલિજિબિલિટી ટેસ્ટ) અને રાષ્ટ્રીય કક્ષાની NET (નેશનલ એલિજિબિલિટી ટેસ્ટ) લેવામાં આવે છે, તેની તાલીમ પણ આપવામાં આવે છે. જેમાં પેપર 1 એટલે કે, જનરલ પેપરની તાલીમ અહીં આપવામાં આવી રહી છે. જે વર્ષમાં 4 વખત આપવામાં આવી રહી છે. જ્યારે પેપર 2ની તાલીમ જે તે ભવનમાં અધ્યાપકો દ્વારા આપવામાં આવે છે. જેમાં અત્યાર સુધીમાં 300થી વધુ વિદ્યાર્થીઓ અહીં તાલીમ મેળવ્યા બાદ અધ્યાપક બન્યા છે. જેમાં 20થી વધુ વિદ્યાર્થીઓ અહીં તાલીમ વર્ગોમાં માર્ગદર્શન મેળવ્યા બાદ ક્લાસ 1 અને 2માં ફરજ બજાવી રહ્યા છે. છેલ્લા 5 વર્ષમાં 3500 જેટલા વિદ્યાર્થીઓએ સફળતા મેળવેલી છે. વિદ્યાર્થીઓને કેમ્પસ ઇન્ટરવ્યૂની પણ મળે છે ખાસ તાલીમ
આ સાથે જ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ભવનોમાં કેમ્પસ ઇન્ટરવ્યૂ જ્યારે થાય ત્યારે ઇન્ટરવ્યૂમાં પ્રેઝન્ટેશન કઈ રીતે આપવું તેના માટે 11 પ્રકારની સોફ્ટ સ્કીલ અંગે તાલીમ આપવામાં આવે છે. જેમ કે, કોમ્યુનિકેશન સ્કીલ, પર્સનાલિટી ડેવલોપમેન્ટ, ઘણા બધા વિદ્યાર્થીઓને CV, રિઝયુમ, બાયોડેટા વચ્ચે શું ફેર છે. ઉપરાંત બોડી લેવલ લેંગ્વેજ ઉપરાંત ડ્રેસિંગ સ્કિલ અંગે માહિતી આપવામાં આવે છે. CCDCની આ સેવાને બિરદાવીને રાજ્ય સરકાર દ્વારા રૂ. 7.50 કરોડની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી અને તેમાંથી CCDC સેન્ટરની સામે જ UPSC ભવન છેલ્લા ચાર વર્ષથી કાર્યરત છે. જેમાં વિદ્યાર્થીઓને આઈએએસ અને આઇપીએસ બનવા માટેની સઘન તાલીમ આપવામાં આવે છે. વિદ્યાર્થીને રૂ. 8,100ની ડિપોઝિટ પરત કરાઈ છે
SU JIO (જૈન યુથ ઓર્ગેનાઈઝેશન) UPSC ભવનની શરૂઆત વર્ષ 2019થી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં અંદાજે કુલ 600 કરતા વધારે વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવી આ ભવનમાં દિલ્હીથી એક્સપર્ટ ટીચર્સ દ્વારા UPSCના અભ્યાસક્રમ અનુસાર તમામ વિષયોનું જ્ઞાન વિદ્યાર્થીઓને પૂરું પાડવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 21 વિદ્યાર્થીએ UPSCની પ્રિલિમ્સ પરીક્ષા પાસ કરી મેઇન્સ પરીક્ષા આપી છે. જેમાંથી 3 વિદ્યાર્થીઓએ મેઇન્સ પાસ કરી ઇન્ટરવ્યૂ સુધી પહોંચેલ છે. જે આ ભવનની સૌથી મોટી ઉપલબ્ધિ છે. તથા અંદાજે 90 કરતા વધારે વિદ્યાર્થીઓ ગુજરાત અને ભારત સરકાર અંતર્ગત વિવિધ જગ્યાઓ પર પોતાની સેવા આપી રહ્યા છે. જેમાં ડૉ. મેહુલ રૂપાણી કો-ઓર્ડિનેટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. અહીં વિદ્યાર્થી દીઠ રૂ. 8,100 ડિપોઝિટ લેવામાં આવે છે, પરંતુ વિદ્યાર્થી જ્યારે તાલીમ પૂર્ણ કરે ત્યારે તે રકમ તેને પરત મળી જાય છે. અહીં 2 વર્ષની તાલીમ વિદ્યાર્થીઓને આપવામાં આવે છે. દરરોજ 4થી 5 કલાકનુ ક્લાસરૂમ ટિચિંગ હોય છેઃ ફેનીલ
જ્યારે વિદ્યાર્થી ફેનીલ વાઘેલાએ જણાવ્યું હતું કે, છેલ્લા દોઢ વર્ષથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા SU JIO યુ.પી.એસ.સી. સેન્ટરમાં તાલીમ મેળવી રહ્યો છું. અહીં યુપીએસસીમાં અમને સ્પેશિયલ ક્લાસ કરાવવામાં આવે છે અને મેન્ટરશીપ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત લાઇબ્રેરીની સુવિધાની સાથે પ્રિલિમ્સ અને મેન્સની પરીક્ષા માટે ટેસ્ટ સિરીઝનો લાભ મળે છે. દરરોજ ચારથી પાંચ કલાકનુ ક્લાસરૂમ ટિચિંગ હોય છે, બાદમાં સેલ્ફી સ્ટડી માટે સમય આપવામાં આવે છે. દિલ્હીથી આવતા ફેકલ્ટી દ્વારા યોગ્ય માર્ગદર્શન આપવામાં આવે છે. જેમાં ભૂગોળ, અર્થશાસ્ત્ર, પોલિટી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, સાંપ્રત પ્રવાહો સહિતના વિષયો ઉપર તાલીમ આપવામાં આવે છે. રાજકોટ એ સૌરાષ્ટ્રનું હબ ગણવામાં આવે છે અને અહીં જ જો UPSC માટેની સારી તાલીમ મળતી હોય તો દિલ્હી જવાની જરૂર રહેતી નથી. મે B.Sc. માઇક્રો બાયોલોજી અને એમએલટીનો અભ્યાસ કરેલો છે અને મારું યુપીએસસી ક્રેક કરવાનું સ્વપ્ન છે. પ્રવેશ માટે બે તબક્કામાં લેવાઈ છે પરીક્ષા
SU JIO UPSC ભવનમાં પ્રવેશ મેળવવા માટે ગ્રેજ્યુએશન અથવા ગ્રેજ્યુએશનના છેલ્લાં વર્ષમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ પ્રવેશ પરીક્ષા આપી શકે છે. જેમાં 200 માર્કસની એક લેખિત પરિક્ષા આપવાની રહે છે, જેમાં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું ઇન્ટરવ્યૂ રાખવામાં આવે છે. આ બન્ને પરીક્ષાના આધાર પર એક મેરીટ લીસ્ટ બને છે, જેના આધારે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવે છે. પ્રવેશ મળ્યા પછી એક પણ રૂપિયાના ચાર્જ વગર એટલે કે, સંપૂર્ણ નિઃશુલ્ક રૂપે તેઓને 2 વર્ષ માટે એડમિશન મળે છે. જેમાં તેઓને UPSCનું પ્રિલિમ્સ, મેઇન્સ, અને ઇન્ટરવ્યૂ આ ત્રણેવ પડાવની સાથે તૈયારી કરાવવામાં આવે છે. દિલ્હી તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીને અપાઈ છે શિક્ષણ
વિદ્યાર્થીઓને 2 વર્ષ માટે પ્રવેશ મળવાથી તેઓને 1 વર્ષ માટે લેક્ચર ભરવા જરૂરી છે. આ સાથે તેઓને સવારે 8થી રાત્રે 11 વાગ્યા સુધી લાયબ્રેરી સુવિધા પણ આપવામાં આવે છે. આ ઉપરાંત વિકલી ટેસ્ટ, મંથલી ટેસ્ટ, મેઇન્સ ટેસ્ટ, આન્સર વ્રાઈટિંગ તથા ખાસ પ્રિલિમ્સ બૂસ્ટર ટેસ્ટ સિરીઝ દ્વારા વિદ્યાર્થીઓને UPSCની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવે છે. દિલ્હીના એવા તજજ્ઞો કે જેઓ UPSC પરીક્ષાનાં 2- 4 ઇન્ટરવ્યૂ આપેલ હોય તથા ઓછામાં ઓછું 6-7 વર્ષ કરતા વધારે ટિચિંગનો અનુભવ હોય તેવા અનુભવી તજજ્ઞો દ્વારા વિદ્યાર્થીઓને જે તે વિષયમાં પારંગત બનાવવામાં આવે છે. વિષય પ્રમાણે અલગ-અળગ શિક્ષકો
અહીંની ફેકલ્ટીની જો વાત કરવામાં આવે તો ફેકલ્ટી ઓફ બિઝનેસ મેનેજમેન્ટના અમિત જૈન, ઇતિહાસમાં આશય પુરાંદરે, અર્થશાસ્ત્રમાં પી. કે. મિશ્રા, ઇન્ડિયન પોલિટી એન્ડ ગવર્નન્સ નિશાંત શ્રીવાસ્તવ, એથીક્સ એન્ડ ઇન્ટીગ્રિટીમાં નિરજ, CSATમાં ગૌરવ નાગર, ભૂગોળમાં સસેન્દ્ર તિવારી, IR એન્ડ ગવર્નન્સ એન્ડ ઇન્ટર્નલ સિક્યુરિટી, પર્યાવરણમાં પ્રશાંત તથા સાયન્સ એન્ડ ટેકનોલોજીમાં ભારતી તાલીમ આપી રહ્યા છે.