ઈરાનમાં મહિલાઓના કપડા પહેરવા બાબતે કડક નિયમો છે. અહીં હિજાબ ન પહેરવા પર આકરી સજા છે. આવા કટ્ટર રૂઢિચુસ્ત દેશનો એક ચોંકાવનારો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે. આમાં એક યુવતી પોતાના કપડા ઉતારીને માત્ર અન્ડરવેરમાં જ જાહેરમાં ફરતી દેખાય છે. મહિલાઓ લાંબા સમયથી હિજાબનો વિરોધ કરી રહી છે ઈરાનમાં મહિલાઓ લાંબા સમયથી હિજાબનો વિરોધ કરી રહી છે. હાલમાં જ એક યુવતીએ પોતાનો વિરોધ કરતા રસ્તા વચ્ચે પોતાના કપડા ઉતારી દીધા હતા. ઓનલાઈન વીડિયો અને મીડિયા રિપોર્ટ્સ અનુસાર, દેશના કડક ઈસ્લામિક ડ્રેસ કોડના વિરોધમાં શનિવારે ઈરાની યુનિવર્સિટીમાં એક યુવતીએ પોતાના કપડાં કાઢી નાંખ્યા હતા. યુનિવર્સિટીએ કહ્યું- મહિલા ગંભીર માનસિક દબાણમાં હતી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા એક વીડિયોમાં ઈસ્લામિક આઝાદ યુનિવર્સિટીની એક બ્રાન્ચના સુરક્ષાકર્મીઓ એક અજાણી યુવતીની અટકાયત કરતા દેખાય છે. યુનિવર્સિટીના પ્રવક્તા અમીર મહજોબે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું હતું કે, ‘ જાણવા મળ્યું કે યુવતી ગંભીર માનસિક દબાણથી પીડાતી હતી અને મનોવિકૃતિથી પણ પીડાતી હતી.’ વિરોધમાં કપડાં ઉતાર્યા જો કે, કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે દાવો કર્યો છે કે મહિલાએ પોતાનો વિરોધ નોંધાવવા માટે જાણી જોઈને તેના કપડા કાઢી નાખ્યા હતા. એક્સ પરના એક યુઝરે વીડિયોની સાથે લખ્યું, ‘મોટાભાગની મહિલાઓ માટે જાહેરમાં કપડા ઉતારી દેવા એ સૌથી ખરાબ બાબત છે. ફરજિયાત હિજાબ પર અધિકારીઓના મૂર્ખતાપુર્ણ આગ્રહની આ પ્રતિક્રિયા છે. મહિલા વિશે કોઈ માહિતી મળી નથી. ઈરાની અખબાર હમશહરીએ તેની વેબસાઈટ પર લખ્યું, ‘એક જાણકાર સુત્રએ જણાવ્યું કે આ કૃત્ય માટે જવાબદાર મહિલાને ગંભીર માનસિક સમસ્યાઓ છે અને તપાસ બાદ તેને કદાચ માનસિક હોસ્પિટલમાં ટ્રાન્સફર કરવામાં આવશે.’ 2022માં પ્રદર્શન શરૂ થયા હતા ઈરાનમાં હિજાબનો ત્યાગ કરીને અધિકારીઓને પડકાર ફેંકતી મહિલાઓની સંખ્યા વધી રહી છે. સપ્ટેમ્બર 2022 માં હિજાબના નિયમોનું કથિત ઉલ્લંઘન કરવા બદલ નૈતિકતા પોલીસની કસ્ટડીમાં ઈરાની કુર્દિશ મહિલાના મૃત્યુ પછી રાષ્ટ્રવ્યાપી વિરોધને વેગ મળ્યો હતો. ઈરાની શાસન અને સુરક્ષા દળોએ બળવાને હિંસક રીતે કચડવાનો પ્રયાસ કર્યો, પરિણામે ઘણા લોકોના મોત થયા હતા.