ભારતમાં અત્યારસુધીમાં RTOમાં નોંધણી થયેલા નવા વાહનોની સંખ્યા 38,01,57,689 છે. જેમાં ગુજરાતમાં અત્યારસુધીમાં 2,52,90,527 નવા વાહનોનું રજિસ્ટ્રેશન થયેલું છે. છેલ્લા 5 વર્ષમાં સૌથી વધુ વાહનોની નોંધણી 2023માં થઈ છે. ગુજરાતમાં 2023માં સર્વાધિક 18,20,952 વાહનો નોંધાયેલા છે, જેમાં પણ ઇલેક્ટ્રીક વાહનો આ જ વર્ષે સૌથી વધુ 88,615 નોંધાયા છે. જ્યારે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં 44,993 વાહનોનું જ રજિસ્ટ્રેશન થયું છે. ટુ વ્હીલરમાં સબસિડી બંધ થતાં વાહનોની ખરીદીમાં 50% જેટલો ઘટાડો થયો છે. રાજ્યના વડોદરા, સુરત અને અમદાવાદમાં ઇલેક્ટ્રિક વાહનો ચાર્જ કરવા માટેના ચાર્જિંગ સ્ટેશન ઠેર-ઠેર બનાવવામાં આવી રહ્યા છે. સુરતમાં સૌથી વધુ 50 તો વડોદરામાં 15 ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. જ્યારે અમદાવાદમાં હાલ 12 જેટલા ચાર્જિંગ સ્ટેશન છે. જોકે અહીં નવા 27 ચાર્જિંગ સ્ટેશન નવા બનવાના છે. તો રાજકોટમાં ઇલેક્ટ્રિક વાહનો ધરાવતા લોકો માટે એક પણ ચાર્જિંગ સ્ટેશન નથી. અહીં મહત્વની વાત એ છે કે, રાજ્યમાં 3 મોટા શહેરોમાં ઇલેક્ટ્રિક વ્હીકલ માટેના ચાર્જિંગ સ્ટેશનો છે, તેમાં મોટાભાગના ધૂળ ખાય છે. તેની સામે ઇલેક્ટ્રીક વાહનોનું વેચાણ પણ દિન-પ્રતિદિન ઘટી રહ્યું છે. રાજકોટમાં ચાલુ વર્ષે 4,243 EV વાહનની નોંધણી
રાજકોટના ઇન્ચાર્જ RTO અધિકારી કેતન ખપેડે જણાવ્યું હતું કે, વર્ષ 2022માં રાજકોટ જિલ્લામાં આરટીઓ કચેરી ખાતે 90,000 જેટલા વાહનોની નોંધણી થઈ હતી. જેમાંથી 4,090 ઇલેક્ટ્રિક વાહનો હતા, બાકીના વાહનો પેટ્રોલ, ડીઝલ અને સીએનજીના હતા. વર્ષ 2023માં 1.10 લાખ વાહનોની નોંધણી થઈ હતી, જેમાંથી 7,623 ઇલેક્ટ્રિક વાહનો હતા. તો 1.2 લાખ વાહનો ડીઝલ, પેટ્રોલ અને CNGના હતા. જ્યારે 2024માં અત્યાર સુધીમાં 80,834 વાહનોની નોંધણી થઈ છે, જેમાંથી 4,243 ઇલેક્ટ્રિક વાહનો છે. માત્ર બે કારની ખરીદીમાં જ સરકારની સબસિડી
રાજકોટમાં હાલ અલગ-અલગ કંપનીઓનાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર અંદાજે રૂ. 1.31 લાખથી 2.20 લાખ સુધીના ઉપલબ્ધ છે. જોકે, તેમાં અગાઉ જે રૂ. 20,000 જેટલી સબસિડી મળતી તે બંધ થઈ ગઈ છે. જ્યારે કારમાં રૂ. 11.15 લાખની ટિયાગો અને રૂ. 14.50 લાખની લોંગ રેન્જ પંચ કારમાં રૂ. 1.50 લાખની સબસિડી સરકાર દ્વારા આપવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે. અમદાવાદમાં 12 જેટલા ચાર્જિગ સ્ટેશન કાર્યરત
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા PPP ધોરણે ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન બનાવવામાં આવ્યા છે. શહેરના પૂર્વ અને પશ્ચિમ એમ બંને વિસ્તારમાં કુલ 12 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન હાલ કાર્યરત છે. મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પીપીપી ધોરણે વધુ 27 જેટલા નવા ઇલેક્ટ્રીક ચાર્જિંગ સ્ટેશન બનાવવા અંગેની દરખાસ્ત મંજૂર કરી દેવામાં આવી છે. આમ કુલ અત્યારે 39 જેટલા ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશન થશે. 12 જેટલા ઇલેક્ટ્રિક વ્હીકલ ચાર્જિંગ સ્ટેશન પર લોકો ચાર્જિંગ કરવા માટે આવે છે. ખાસ કરીને સિંધુભવન રોડ અને પ્રહલાદનગર મલ્ટી લેવલ પાર્કિંગ પાસે બનાવેલા ચાર્જિંગ સ્ટેશન પર રોજનાં ઓછામાં ઓછાં પાંચથી સાત જેટલા વાહનો ચાર્જિંગ માટે આવે છે. નવા ચાર્જિગ સ્ટેશન પર 6 મહિના ફ્રી ચાર્જિંગ
ચાર મહિના પહેલા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના 27 જેટલા સ્થળો ઉપર ઇલેક્ટ્રિક ચાર્જિંગ સ્ટેશનને પીપીપી ધોરણે આપવા માટે જાહેરાત બહાર પાડવામાં આવી હતી. જેમાં અલગ-અલગ કંપનીઓએ ભાવ ભર્યા હતા અને મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે રેવન્યુ શેરિંગ કરી ચાર્જિંગ સ્ટેશન બનાવશે. મોટાભાગના ચાર્જિંગ સ્ટેશન બ્રિજની નીચેના ભાગે બનાવવામાં આવનાર છે. ઇલેક્ટ્રિક વ્હીકલ દિન-પ્રતિદિન વધી રહ્યા છે. જોકે, ચાર્જિંગ કરાવવા માટે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવેલા ચાર્જિંગ સ્ટેશન પર ઓછા લોકો જતા હોય છે. જોકે, નવા બનનારા 27 જેટલા ચાર્જિંગ સ્ટેશન પર પ્રથમ 6 મહિના માટે ફ્રી ચાર્જિંગ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાનું સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણીએ જાહેરાત કરી છે. સુરતના 50 ચાર્જિગ સ્ટેશન ધૂળ ખાતી હાલતમાં
સુરતમાં સૌથી વધુ EV વાહનોને પ્રોત્સાહન મળે તેના માટે પ્રયાસ કરવામાં આવ્યા છે. સુરત શહેરની અંદર કુલ 50 જેટલા EV વાહનોને ચાર્જ કરવા માટેના સ્ટેશન બનાવવામાં આવ્યા છે. ફોર વ્હીલ માટે શહેરના અલગ-અલગ ઝોનની અંદર વ્યવસ્થા કરવામાં આવી છે. સેન્ટ્રલ ઝોનમાં 6, ઇસ્ટ ઝોન Aમાં 4, ઝોન બીમાં 5, નોર્થ ઝોનમાં 6, સાઉથ વેસ્ટ ઝોનમાં 13, સાઉથ ઇસ્ટ ઝોનમાં 3, સાઉથ ઝોનમાં ચાર અને ઇસ્ટ ઝોનમાં નવ મળીને કુલ 50 જેટલા ચાર્જિંગ સ્ટેશન તૈયાર કરવામાં આવ્યા છે. પરંતુ તમામ ચાર્જિંગ સ્ટેશનનો ધૂળ ખાતા જોવા મળી રહ્યા છે. ચાર્જિગ સ્ટેશન પર વાહનોની આવક નહિવત
કરોડો રૂપિયાનો ખર્ચ ચાર્જિંગ સ્ટેશન બનાવવા માટે થયો હતો, પરંતુ મોટાભાગના ચાર્જિંગ સ્ટેશન ખાલી જોવા મળી રહ્યા છે. પહેલા શરૂઆતના તબક્કામાં જે પ્રકારે EV વ્હીકલની ખરીદી કરવામાં આવતી હતી, ખાસ કરીને ફોર વ્હીલની. પરંતુ અત્યારે તેની ખરીદી પણ ઓછી થઈ ગઈ છે, જેને પરિણામે યુવિટેશન ઉપર જસ્ટ ચાર્જિંગ કરવા માટે ગાડીઓ હોવી જોઈએ તે દેખાતી નથી. એટલું જ નહીં, પરંતુ તેના મેન્ટેનન્સ માટે પણ સતત ખર્ચો કરવામાં આવી રહ્યો છે. 1 લાખ ટુ વ્હીલરના વેચાણ બાદ સબસિડી બંધ થઈ
સમગ્ર રાજ્યમાં EV વાહનનું ચલણ ખૂબ જ જોવા મળી રહ્યું છે. ત્યારે ગત વર્ષે સરકાર દ્વારા તમામ ઇવી વાહનો પર સબસિડી આપવામાં આવતી હતી, પરંતુ છેલ્લા એક વર્ષ દરમિયાન ઈવી વાહનો જેમાં ખાસ કરીને ટુ વ્હીલરમાં એક લાખ જેટલા વાહનો વેચાયા બાદ સબસિડી બંધ થતા વાહનના વેચાણમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો છે. ત્યારે ઠેર-ઠેર વડોદરા મહાનગરપાલિકાએ પીપીપી ધોરણે ચાર્જિંગ સ્ટેશનો ઊભા કર્યા છે, પરંતુ માંડ-માંડ ક્યાંક કોઈ રાહદારી ત્યાં ચાર્જિંગ કરી રહ્યું છે. વડોદરામાં 15થી વધુ જગ્યાએ ચાર્જિંગ સ્ટેશન
મહત્વની બાબત છે કે, જ્યારે ઇવી વાહનોનું ચલણ વધુ હતું, ત્યારે ચાર્જિંગ સ્ટેશનો નહોતા. હાલમાં ઠેર-ઠેર ચાર્જિંગ સ્ટેશન છે, છતાં પણ ઇવી વાહનોના વેચાણમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. હાલમાં વડોદરા મહાનગરપાલિકા દ્વારા 15થી વધૂ જગ્યાએ પીપીપી ધોરણે ચાર્જિંગ સ્ટેશન ઉભા કરવામાં આવે છે. સબસિડી બંધ થતાં વાહનોનું વેચાણ 50 ટકા ઘટ્યું
વર્ષ 2023માં 1 જાન્યુઆરીથી 25 સપ્ટેમ્બર સુધીમાં ઇવી ટુ વ્હીલરનું વેચાણની વાત કરવામાં આવે તો 4,885 ટુ-વ્હીલર વેચાયા હતા. જ્યારે ફોર વ્હીલર 312 અને થ્રી વ્હીલર 78 જેટલા વાહનો વેચાયા હતા. જ્યારે વર્ષ 2024ની વાત કરવામાં આવે તો 1 જાન્યુઆરીથી 25 સપ્ટેમ્બર સુધીમા ઇવી ટુ-વ્હીલરો 3,460નું રજિસ્ટ્રેશન થયું છે, જ્યારે ફોર વ્હીલરમાં 307 અને થ્રી વ્હીલર રિક્ષામાં 157 ઈવીનું રજિસ્ટ્રેશન થયું છે. એટલે કહી શકાય કે, સરકાર દ્વારા સબસિડી આપવામાં આવતી હતી, ત્યાં સુધી ટુ વ્હીલર ઇવી વાહનોનું વેચાણ વધુ થતું હતું, પરંતુ જ્યારથી સબસિડી બંધ થઈ છે ત્યારથી ખૂબ જ ઓછા પ્રમાણમાં ઇવી વેચાઈ રહ્યા છે. બીજી તરફ જ્યારે વધુ વાહનો વેચાતા હતા, ત્યારે ચાર્જિંગ સ્ટેશન નહોતા અને હાલમાં વડોદરા શહેરમાં ઠેર-ઠેર પાલિકાના સહયોગથી ચાર્જિંગ સ્ટેશન ઊભા કરવામાં આવ્યા છે. ત્યારે હાલમાં ખૂબ જ નહિવત પ્રમાણમાં ચાર્જિંગ લોકો કરી રહ્યા છે. 5 વર્ષ દરમિયાન થયેલા EV વાહનોની ખરીદી
રાજ્યમાં ઇલેક્ટ્રિક વાહનોના રજિસ્ટ્રેશનના છેલ્લા 5 વર્ષનાં આંકડા ઉપર નજર કરીએ તો 2020માં નવા ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી માંડ 1,123 ની હતી. જ્યારે 2021માં ઇલેક્ટ્રિક વાહનોની ખરીદી વધીને 9,763 થઈ ગઈ. 2022માં 68,993; 2023માં 88,615 અને 2024માં 16 ઓકટોબર સુધીમાં 44,993 નવા ઇલેક્ટ્રિક વાહનોનુ રજિસ્ટ્રેશન થયેલુ છે.