ગૌતમ ગંભીરને ભારતીય ટીમના કોચ બન્યાને લગભગ ત્રણ મહિના થઈ ગયા છે. તેને ખૂબ જ ધામધૂમથી ભારતીય ટીમનો કોચ બનાવ્યો હતો. પરંતુ હજુ સુધી ભારતીય ટીમની ઈચ્છા મુજબ પરિણામ આવ્યું નથી. પહેલા ટીમ શ્રીલંકાની સામે વન-ડે સિરીઝમાં હારી ગઈ હતી. અને હવે ન્યૂઝીલેન્ડ સામેની ટેસ્ટ સિરીઝમાં વ્હાઇટવોશ થયો છે. BCCIએ ટીમ સિલેક્શનના મામલે ગૌતમ ગંભીરને ઘણી સ્વતંત્રતા આપી હતી. ઓસ્ટ્રેલિયા પ્રવાસ માટે પસંદગી સમિતિની બેઠકમાં પણ તેનો સમાવેશ કર્યો હતો. પરંતુ ન્યૂઝીલેન્ડ વિરૂદ્ધ ટીમ ઈન્ડિયાના ખરાબ પ્રદર્શન બાદ વસ્તુઓ તેમના પક્ષમાં જતી દેખાઈ રહી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન જો ટીમના પ્રદર્શનમાં કોઈ મોટો સુધારો નહીં થાય તો ભવિષ્યમાં ટીમ સિલેક્શન સંબંધિત મુદ્દાઓ પર તેની ભૂમિકા ઓછી થઈ શકે છે. ગૌતમ ગંભીરે કમાન સંભાળ્યા બાદ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે ગઈ હતી. જ્યાં ટીમ શ્રીલંકા સામે 27 વર્ષમાં પ્રથમ વખત વન-ડે શ્રેણીમાં હારી ગઈ હતી. અને આ પછી 3 નવેમ્બરે ન્યૂઝીલેન્ડે ટીમ ઈન્ડિયાને ઘરની ધરતી પર 3-0થી હરાવ્યું. ભારતીય ટીમને તેના હોમ ગ્રાઉન્ડ પર ત્રણ કે તેથી વધુ મેચની શ્રેણીમાં આટલા ખરાબ ભાગ્યનો સામનો કરવો પડ્યો ન હતો. મેચ દરમિયાન અમુક વ્યૂહાત્મક પગલાંના કારણે સવાલો ઊભા થયા
ટીમ સાથે કોચની ભૂમિકા રણનીતિ બનાવવાની હોય છે. સ્પિન બોલિંગ સામે ભારતીય બેટર્સની નબળાઈ જાણવા છતાં મુંબઈમાં ટર્નિંગ પિચની પસંદગી પર સવાલો ઉઠી રહ્યા છે. ગંભીર દરેક પરિસ્થિતિમાં ખેલાડીઓ પાસેથી એવું જ વલણ ઈચ્છે છે, જે ભારતીય ક્રિકેટ સાથે નજીકથી જોડાયેલા લોકો માટે પણ સમજવું મુશ્કેલ છે. મુંબઈમાં ન્યૂઝીલેન્ડ સામેની ત્રીજી ટેસ્ટના બીજા દિવસે સાંજે સિરાજને નાઈટ વોચ મેન તરીકે મોકલ્યો હતો. અને સરફરાઝને પ્રથમ ઇનિંગમાં આઠમા નંબરે ઉતાર્યો હતો. આ કેટલાક વ્યૂહાત્મક પગલાં છે જેના પર પ્રશ્નો ઉભા થવાના છે. ગંભીર માટે તમામ નિયમો બાજુ રાખીને સત્તા આપી
BCCI સાથે જોડાયેલા એક સૂત્રએ જણાવ્યું કે ગૌતમ ગંભીરને તમામ સત્તા આપી છે. તેના ભૂતપૂર્વ કોચ રાહુલ દ્રવિડ અને રવિ શાસ્ત્રી પાસે એટલું નહોતું. BCCIની રૂલ બુક અનુસાર હેડ કોચ પસંદગી સમિતિની બેઠકનો ભાગ નથી હોતા. પરંતુ ઓસ્ટ્રેલિયા પ્રવાસના મહત્વને ધ્યાનમાં રાખીને ગંભીરને નિયમોને બાજુ પર રાખીને તેમાં ભાગ લેવાની મંજૂરી આપી હતી. ટીમમાં બે એવા ખેલાડીઓ છે જેમને ગંભીરના કહેવા પર બોર્ડર-ગાવસ્કર ટ્રોફી ટીમમાં સામેલ કર્યા છે. ઝડપી બોલર હર્ષિત રાણા અને ઓલરાઉન્ડર નીતિશ કુમાર રેડ્ડી. જોકે, હર્ષિતને શ્રીલંકા કે બાંગ્લાદેશ સામેની હોમ સિરીઝ દરમિયાન ડેબ્યૂ કરવાની તક મળી ન હતી. એવા અહેવાલો હતા કે છેલ્લી મેચ પહેલા તેને રિલીઝ કર્યો હતો. કારણ કે તેની તબિયત ખરાબ હતી. પરંતુ એક અઠવાડિયામાં જ તેણે બેંગલુરુમાં નેટ્સમાં બોલિંગ શરૂ કરી દીધી. અને પછી આસામ સામેની રણજી ટ્રોફી મેચમાં શાનદાર પ્રદર્શન કર્યું. નીતિશ બાઉન્સર નથી રમી શક્યો, હર્ષિતને નેટ બોલર તરીકે સિલેક્ટ કર્યો
કેટલાક નિષ્ણાતોનું માનવું હતું કે હર્ષિતને રણજી ટ્રોફીમાં રમવાને બદલે તેને ઈન્ડિયા-A ટીમ સાથે ઓસ્ટ્રેલિયા મોકલવો જોઈતો હતો. જેથી સિરીઝની શરૂઆત પહેલા તેમને ત્યાંની ઉછાળવાળી પિચ પર પ્રેક્ટિસ કરવાની તક મળે. પરંતુ તાજેતરમાં સમાપ્ત થયેલ ટેસ્ટ સિરીઝમાં તેને નેટ બોલર તરીકે સામેલ કર્યો હતો. જેમાં ત્રણમાંથી બે પિચ રેન્ક ટર્નર હતી. નીતિશ રેડ્ડીની વાત કરીએ તો ઓસ્ટ્રેલિયા-A સામેની મેચમાં તેને શોર્ટ બોલ રમવામાં સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો અને તેની બોલિંગ પણ અસરકારક રહી ન હતી. T20 મેચમાં રેડ્ડીના પ્રદર્શન પછી, ગંભીરને વિશ્વાસ હતો કે તે ઝડપી બોલિંગ ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યાનો આદર્શ રિપ્લેસમેન્ટ બની શકે છે. બોર્ડની ચાંપતી નજર રહેશે
ઓસ્ટ્રેલિયા સિરીઝ ગંભીર માટે લિટમસ ટેસ્ટથી ઓછી નહીં હોય. આ સિરીઝ દરમિયાન તેને ઘણા સિનિયર ખેલાડીઓને અરીસો બતાવવો પડી શકે છે. કારણ કે બોર્ડ તેમના પર ચાંપતી નજર રાખશે.