કહેવાય છે કે કલાકાર પોતાની કલાથી લાખો લોકોને આનંદ કરાવતો હોય છે. ભારતીય સંસ્કૃતિમાં કલાકારોને આગવું મહત્વ આપવામાં આવ્યું છે. આમ તો કહેવાયું છે કે સંગીત એ લોકોને દરેક પીડામાંથી રાહત આપી શકે છે. પરંતુ ઘણા કલાકારોને વૃદ્ધાવયે ઘણી તકલીફો વેઠવી પડતી હોય છે. આવા જ એક બેન્જો વાદક જેમનું ભૂતકાળમાં નામ ગુંજતુ હતું, લેવા માટે ઘરે ગાડીઓ આવતી હતી પણ હાલ જિંદગીના અંતિમ દિવસો એ માત્ર એક ઓરડીમાં તેમની પત્ની સાથે વિતાવી રહ્યા છે. મહિનામાં માત્ર બે ત્રણ પ્રોગામ કરીને જીવન ગુજારો કરે છે, ક્યારેક તો આ દંપતીને પાડોશીઓ ખાવાનું આપે ત્યારે પેટ ભરે છે. જીવનના અંતિમ પડાવમાં આવી કઠિન જિંદગી જીવતા આ બેન્જો વાદક બીજા કોઇ નહીં પણ જૂનાગઢના મુનીર ખાન પઠાણ છે. જેમનું ભૂતકાળમાં નામ ગુંજતું હતું. જે નિરંજન પડ્યા અને હેમંત ચૌહાણ જેવા કલાકારોના પ્રોગામમાં બેન્જો વગાડતા હતા અને ઘર સુધી લેવા ગાડીઓ આવતી હતી. હાલ તોઓને બે ટંક ખાવાના પણ ફાંફા પડી રહ્યા છે. ત્યારે દિવ્ય ભાસ્કર ડિજિટલના રિપોર્ટર વનરાજ ચૌહાણે મુનીર ખાન પઠાણના ઘરની મુલાકાત લઇને એમની સાથે વાતચીત કરીને એમની વ્યથા જાણી હતી. 20 વર્ષની ઉંમરે બેન્જો વગાડતા શીખ્યા
70 વર્ષ પહેલાં રાજસ્થાનમાં પોતાના પિતાના નિધન બાદ મુનીર ખાન પઠાણનો પરિવાર જૂનાગઢ આવ્યો હતો. મુનીર ખાન પઠાણ 20 વર્ષની ઉંમરે બેન્જો વગાડતા શીખ્યા હતા અને ત્યારથી જ તેમને પોતાની બેન્જો વગાડવાની કલાના કામણ કચ્છ, કાઠીયાવાડ, હાલાર અને રૂખો-બરડો પંથકમાં પાથરવાના શરૂ કર્યા હતા. તે સમયે મુનીર ખાનને ભજન અને કવ્વાલીના પ્રોગ્રામ માટે ગાડીઓ ઘરે લેવા માટે આવતી હતી. મોટા ગજાના કલાકારોના પ્રોગ્રામમાં બેન્જો વગાડતા
મુનીર ખાન પઠાણે સંતવાણીના દિગ્ગજ કલાકારો જેમાં નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, કરસન સાગઠીયા, નિરંજન પંડ્યા, પ્રાણલાલ વ્યાસ, હેમંત ચૌહાણ, ભીખુદાન ગઢવી, પ્રફુલ દવે અને જાની બાબુ કવાલ જેવા મોટા ગજાના કલાકાકો સાથે અનેક કાર્યક્રમો કર્યા હતા. મુનીર ખાન પઠાણે તેમની સંગીતની કળાના કામણ એવા તે પાથર્યા હતા કે ભજન અને કવ્વાલીની દુનિયામાં ગુંજતું નામ કર્યું. માત્ર ગુજરાત જ નહીં પરંતુ અન્ય રાજ્યોમાં પણ કલાકારો સાથે મુનીરખાન પઠાણ બેન્જો વગાડવા જતા હતા. મુનીર ખાન પઠાણને એ સમયે બેન્જો વગાડવાના 50 થી 60 રૂપિયા મળતા હતા. એક સમયે મોરારી બાપુ મુનીર ખાન પઠાણના સન્માન માટે તેમના ઘરે મળવા આવ્યા હતા અને તલગાજરડા ખાતે મુનીર ખાન પઠાણનું રોકડ પુરસ્કાર અને સાલ ઓઢાડી સન્માન કર્યું હતું. ‘પ્રોગ્રામ ઉપરાંત ફિલ્મોમાં પણ બેન્જો વગાડ્યો’
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં મુનીર ખાન પઠાણે જણાવ્યું હતું કે, હું છેલ્લા 50 વર્ષથી બેન્જો વગાડું છું. નામી-અનામી કલાકારો 50 વર્ષથી ગુજરાત તેમજ અન્ય રાજ્યોમાં અલગ અલગ ભજન-સંતવાણી અને કવાલીના પ્રોગ્રામમાં હું બેંજો વગાડતો આવ્યો છું. તે સમયે એક પ્રોગ્રામના 50 રુપિયા મળતા હતા. તે સમયે હું મારા પરિવારનું ગુજરાન સુખ શાંતિથી ચલાવી શકતો હતો. હાલ જ્યારે પૈસાનો જમાનો આવ્યો છે ત્યારે મારો વારો નથી આવતો. મેં નારાયણ સ્વામી, કાનદાસ બાપુ, પ્રાણલાલ વ્યાસ, નિરંજન પંડ્યા, ભીખુદાન ગઢવી અને હેમંત ચૌહાણ સહિત સૌરાષ્ટ્રના તમામ કલાકારો સાથે મેં પ્રોગ્રામમાં બેન્જો વગાડ્યો છે. અત્યારે પહેલાં જેવા ભજન નથી આવતાં અને મજા પણ નથી રહી. હું સૌથી પહેલાં પ્રોગ્રામમાં કચ્છમાં ગયો હતો, જ્યાં મને 50 રુપિયા મળ્યા હતા. મેં ઘણા નામી અનામી કલાકારો સાથે બેન્જો વગાડ્યો છે. આ ઉપરાંત એક બે ફિલ્મોમાં પણ બેન્જો વગાડ્યો છે, ત્યારે મને એ સમયે 500 રૂપિયા મળ્યા હતા.. ‘જિંદગી બહુ કપરી પરિસ્થિતિમાં પસાર થાય છે’
પોતાનો ભૂતકાળ વાગોળતાં મુનીર ખાન પઠાણ વધુમાં જણાવે છે કે, 50 વર્ષ પહેલા ભજનમાં નાનજીભાઈ વાયોલીન વગાડતા હતા, તેમના ગયા બાદ કોઈ સારું સંગીત વગાડનાર ન હતો. એ સમયે ઢોલકની દુનિયામાં હાજી રમકડું ખૂબ મોટું નામ હતું અને તે મને તેમની સાથે બેન્જો વગાડવા લઈ જતા હતા. તે સમયે હું ગુજરાતી સમજતો નહોતો. ત્યારે મેં હાજી રમકડુંને કહ્યું હતું કે, હું ગુજરાતી નથી સમજતો તો વગાડીશ કંઇ રીતે? ત્યારે પ્રાણલાલ સાથે મેં બેન્જો વગાડ્યો અને મારો બેન્જો વગાડવું પ્રાણલાલ ભાઈને ખુબ પસંદ આવ્યું અને ત્યારથી મેં ઘણો સમય પ્રાણલાલ વ્યાસ સાથે બેન્જો વગાડ્યો. પહેલાં બેન્જો વગાડવાના 50 રૂપિયા મળતા ત્યારે એ જિંદગી ખૂબ જ આનંદ થતો હતો. પરંતુ હાલમાં પ્રોગ્રામ પણ મળતા નથી અને જિંદગી પણ બહુ કપરી પરિસ્થિતિમાં પસાર થાય છે. હાલના સમયમાં તો ટંકનું કરી અને ટંકનું ખાઈએ છીએ, ક્યારેક તો આડોશી પાડોશીઓ જમવાનું આપે છે અને અમે ખાઈએ છીએ. ‘અત્યારે કોઇ ભાવ પણ નથી પુછતું કે મનીર ખાન ક્યાં છે?’
દિવ્ય ભાસ્કર સાથે વાત કરતાં બેન્જો વાદક મુનીર ખાનના પત્ની રેમદબેન જણાવે છે કે, 50 વર્ષથી મારા પતિ બેન્જો વગાડે છે. પહેલા જે આનંદ હતો તે આનંદ હવે નથી રહ્યો. અત્યારે અમે બંને પતિ-પત્ની ખૂબ જ કપરી પરિસ્થિતિમાં જીવીએ છીએ, ભૂખમાં દિવસો કાઢીએ છીએ. મહિને માત્ર બે-ચાર પ્રોગ્રામ મળે છે, એના પર નભીએ છીએ. ક્યારેક તો પાડોશી આપી જાય ત્યારે જમીએ છીએ. એક સમય હતો જ્યારે આમને લેવા ઘરે ગાડીઓ આવતી, પરંતુ હવે કોઇ ભાવ પણ નથી પુછતું કે મનીર ખાન ક્યાં છે, શું કરે છે? હાલ ભાડાના મકાનમાં રહીએ છીએ જેનું ભાડું પણ ચૂકવી શકતા નથી. 50 વર્ષ પહેલાના 50 રૂપિયા જિંદગી જીવવા માટે ઘણા હતા અને મીઠાશ આપતા હતા. પરંતુ આજે સમય બદલાતા હવે પ્રોગ્રામ પણ મળતા નથી અને જીવન જીવવું પણ દોહ્યલુ લાગે છે.