વર્ષ 2001ની 26 જાન્યુઆરીની સવારનો સમય છે, શહેરની ગલીઓમાં જાણે તોફાન પહેલાની શાંતિ દેખાઈ રહી છે. કેટલાક સંકુલ ઉપર રાષ્ટ્રધ્વજ લહેરાતો પણ જોવા મળી રહ્યો છે, આજ સમયે અચાનક, જમીનમાંથી પ્રચડ ભેદી અવાજ સંભળાય છે, લોકો કંઈ સમજે-વિચારે તે પહેલાજ ભારે ગળગળાટી સાથે પગ નીચેથી જમીન સરકી રહી હોવાનો ભાસ થાય છે. ક્ષણભર પહેલાની શાંતિ મોટી અફતમાં ફેરવાતી નજર સમક્ષ પ્રતિત થાય છે. 360 ડીગ્રી સ્ક્રીન પર ઇમારતો કડડભૂસ થતી જોઈ પ્રેક્ષકોના રુવાડા ઉભા થઇ જાય છે. લોકોની બુમો, ફાયરના સાયરનો અને ચારે તરફ ઉઠતી ધૂળની ડમરીઓ જોઈ પોતે પણ સંતુલન ગુમાવતા હોય એવો અનુભવ કચ્છમાં આવેલા ભૂકંપની આબેહૂબ પ્રતિકૃતિ દર્શાવતા ભુજના સ્મૃતિવનના સીવ્યુલેટરમાં થાય છે. હાલ દિવાળી વેકેશનને લઈ સ્મૃતિવન મેમેરિયલ પાર્ક ખાતે પ્રવાસીઓનો વ્યાપક ઘસારો નોંધાઈ રહ્યો છે. ખાસ કરીને સીમયૂલેટર ગેલેરી જોયા બાદ પ્રવાસીઓના હૃદય ભાવવિભોર બની જતા હોવાનું દિવ્ય ભાસ્કરની રૂબરૂ મુલાકાતમાં સામે આવ્યું હતું. એશિયાનો સૌથી મોટો મેમોરિયલ પાર્ક
વર્ષ 2001માં કચ્છમાં આવેલા સદીના સૌથી મોટા ભૂકંપમાં કલ્પનાતીત તારાજી થયેલી, 12 હજાર 932 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. તેમાં જીવ ગુમાવનાર દરેક દિવંગતોની સ્મૃતિ દર્શાવવા સાથે પૃથ્વીના સર્જન, પરિવર્તન અને નવસર્જનની કહાની દર્શાવતો એશિયાનો સૌથી મોટો મેમોરિયલ પાર્ક કચ્છના ઐતિહાસિક ભુજ શહેરના ભુજીયા ડુંગરમાં નિર્માણ પામ્યો છે. અનેક મનભાવક આકર્ષણો ધરાવતા સ્મૃતિવન મેમોરિયલ પાર્કમાં હાલ રજાના દિવસોમાં દેશ વિદેશના સહેલાણીઓ કચ્છની કળા, ખમીર અને બેજોડ પુનઃ વશનની કસમગીરી સચિત્ર નિહાળી અભિભૂત થતા જોવા મળી રહ્યા છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ડ્રિમ પ્રોજેકટ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ડ્રીમ પ્રોજેકટ હેઠળ ભુજિયા ડુંગર ઉપર રૂ. 400 કરોડના ખર્ચે 470 એકરમાં ભૂકંપ સ્મૃતિવન આકાર પામ્યું છે. આ સ્મૃતિવન દેશનો પ્રથમ અર્થક્વેક મેમોરિયલ પાર્ક છે અને એસિયાનો સૌથી મોટા મેમેરિયલ મ્યુઝિયમમાં સ્થાન ધરાવે છે. 10 વર્ષની લાંબી જહેમત બાદ વિશ્વકક્ષાનો સ્મૃતિવન મેમોરિયલ પાર્ક વર્ષ 2022માં પીએમ મોદીના હસ્તે લોકાર્પિત કરાયો છે. આ સ્મૃતિવન કચ્છીવાસીઓ માટે સંવેદના પુરી પાડતો અને બહારના લોકો માટે ભૌગોલિક, સાંસ્કૃતિક અને ભાવનાત્મક રીતે જાણકારી મેળવવાનું કેન્દ્ર છે. અહીં વર્ષ 2001માં આવેલા ભૂકંપમાં જીવ ગુમાવનારા 13,805 દિવંગત આત્માઓની સ્મૃતિને કાયમ રાખવા સદગતોની નામાવલિ શિલ્પની તકતી ઉપર કંડારવામાં આવી છે, જે જિલ્લાના દરેક તાલુકા મુજબ અલગ-અલગ તક્તીરૂપે મુકવામાં આવી છે. મુખ્ય આકર્ષણોમાં સીમયૂલેટર સૌથી વધુ ફેમસ
જિલ્લા મથક ભુજ શહેરના માધાપર તરફના માર્ગે ભુજીયા ડુંગર ઉપર દેશ વિદેશના વિવિધ ક્ષેત્રના કલારસિક નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ અને અનેક વર્ષોની જહેમત બાદ વિશ્વ કક્ષાનું સ્મૃતિવન મેમોરિયલ તૈયાર કરાયું છે. અહીંના મુખ્ય આકર્ષણો ઉપર નજર કરીએ તો તેમાં અર્થકવેક મેમોરિયલ મ્યુઝિયમ ખાસ છે. તેમાં કુલ એકની ઉપર એક એમ કુલ સાત ગેલરી આવેલી છે. જ્યાં સૌથી ટોચે અર્થક્વેક સિવ્યુલેટર સંકુલ આવેલું છે. સિવ્યુલેટરમાં ભૂકંપ સમયનો સાક્ષાક્સત્કાર થતો અનુભવાય છે. આ સિવાય મિયાવાંકી પદ્ધતિ વડે ઉભા કરાયેલા વનમાં શોભતા છ લાખ વૃક્ષો. ભુજીયાના ગઢની ટોચે બનેલો સનસેટ પોઉન્ટ, વીજળી ઉત્પાદન કરતો સોલાર પ્લાન્ટ, પ્રવાસીઓની સુવિધામાં વિશાળ પાર્કિંગ, ફરવા માટે બેટરી સંચાલિત કાર તેમજ મ્યુઝિયમ ખાતે બનેલા રિસેપ્શન એરિયા, બાળકો માટે પ્લે એરિયા, ગેલેરી, કાફે, લાયબ્રેરી , લિફ્ટ, ટોયલેટ અને હસ્તકલાની શોપ વગેરે પ્રવાસી વર્ગની સુવિધાને સંતોષે છે. પૃથ્વીના સર્જનથી લઈ ભૂકંપ બાદનો ચિતાર
આ અંગે સ્મૃતિવનનું સંચાલન સંભાળતા દિલ્હી સ્થિત સોની મેનેજમેન્ટ કંપનીના ડાયરેકટર મનોજ પાંડે સાથે વાત કરતા તેમણે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે રાજ્ય સરકાર હસ્તકના ગુજરાત સોસાયટી ટ્રસ્ટ સંચાલિત સ્મૃતિવન સંગ્રહાલય ખુબજ ખ્યાતિપ્રાપ્ત અને લોકપ્રિય સ્થળ છે. હાલમાજ યુનેસ્કો દ્વારા ભુજના સ્મૃતિવનને દુનિયાના સાત શ્રેષ્ઠ મ્યુઝિયમમાં ત્રીજા ક્રમે જાહેર કરી એવોર્ડ અપાયો હતો, ત્યારબાદ સ્મૃતિવનની ખ્યાતિમાં ખૂબ વધારો થયો છે. દેશ વિદેશના પર્યટકો , મુલાકાતીઓ સ્મૃતિવનમાં આવી આનંદની અનુભૂતિ કરે છે. ખાસ કરીને અહીં 6 લાખ વૃક્ષોથી ઉભા કરાયેલા મિયાવાંકી વનમાં ફરીને લોકો આનંદની લાગણી અનુભવે છે. સાથેજ અહીં નિર્માણ કરાયેલા 50 ચેકડેમ પણ આવેલા છે, તેમાંથી 1 મેગા વોટની વીજળી ઉતપન્ન થાય છે. એક સાથે 2 હજાર કારનો સમાવેશ કરતી વિશાળ પાર્કિંગ સુવિધા ઉપલબ્ધ છે. સાત અલગ-અલગ ગેલેરી
આ ઉપરાંત એસિયાનું સૌથી મોટું અર્થકવેક મ્યુઝિયમ આવેલું છે, જેમાં સાત અલગ અલગ ગેલેરી આવેલી છે. 6 નંબરની ગેલેરીમાં સિવ્યુલેટર પ્રોજેક્ટર દ્વારા 360 ડીગ્રી ની સ્ક્રીન ઉપર 26 જાન્યુઆરી 2001ના આવેલા ભૂકંપ સમયની પરિસ્થિતિનો ચિતાર દર્શાવી તે સમયની સ્થિતિનો અનુભવ કરાવાય છે. ઘણા લોકો ત્યારના ભૂકંપની અનુભૂતિ કરી આંખમાં પાણી લાવી દે છે, તો સ્થાનિક લોકો ભૂકંપમાં ગુમાવેલા પોતાના સ્વજનોને યાદ કરી રીતસરના રડી પડે છે. લોકોની ભાવનાઓ માન આપતું શ્રદ્ધાંજલિ કેન્દ્ર નંબર સાતની ગેલેરીમાં છે. જ્યાં ભૂકંપમાં દિવંગત થયેલા પરિજનના નામ ઉલ્લેખ નિહાળી તેમને હાથ જોડી શ્રદ્ધાંજલિ પાઠવી શકે છે. 150 લોકોના સ્ટાફને મળે છે રોજગારી
પીએમ નરેન્દ્ર મોદીના અકલ્પનિય વિચારને વર્ષોની અનેક આન્ટીઘૂંટીમાંથી પસાર કરી વિશ્વ કક્ષાના સ્મૃતિવન ભૂકંપ સ્મારકને મૂર્તિમત થતું નિહાળવા લોકોએ મુલાકાત લેવી જોઈએ. સ્મૃતિવન મ્યુઝિયમ સવારે 9 થી રાતના 11 વાગ્યા સુધી ખુલ્લું રહે છે જેની એન્ટ્રી ફી વયસ્કો માટે રૂ.300 સ્કૂલ વિદ્યાર્થીઓ (12 વર્ષ) માટે રૂ.100 અને કોલેજના છાત્રો માટે રૂ. 150 નિર્ધારિત છે. જ્યારે મેમોરિયલ પાર્ક સવારના 5 થી સવારના 9 સુધી આવતા લોકો માટે રૂ 20ની એન્ટ્રી ફી નિર્ધારિત છે. અલબત્ત સ્મૃતિવનમાં હાલ સફાઈ, સિક્યોરિટી ને મેનેજમેન્ટ મળીને કુલ 150 લોકોનો સ્ટાફ રોજગાર મેળવે છે. સ્મૃતિવન નિહાળવા દરેક દેશવસીએ આવવું જોઈએ: પર્યટક
રાજકોટથી સહેલીઓ સાથે કચ્છ ફરવા આવેલા ડો. ધરતી પરમારે ભાસ્કર ડીજીટલ સમક્ષ પોતાની અનુભૂતિ વર્ણવતા કહ્યું કે સ્મૃતિવનમાં જે સિવ્યુલેટરમાં ભૂકંપની તે સ્થિતિ બતાવાઈ છે તે અમેઝિંગ છે. તે વેળાની પરિસ્થિતિ મુજબ અમોએ માત્ર 10 ટકા જ અનુભવ કર્યો હશે પરંતુ ત્યારે જે લોકોએ એમાંથી પસાર થાઉં પડ્યું હશે એ વિચારી ને રુંવાડા ઉભા થઇ જાય છે. જો એ સમયે હું આ સ્થિતિમાં હોઉં તો કેવું લાગે તે વિચાર પણ અસહ્ય છે. મને ગર્વ થાય છે સ્મૃતિવનના નિર્માણ ઉપર કે આપણાં વડા પ્રધાન મોદીએ આટલુ ઉત્તમ સ્મૃતિવન બનાવ્યું છે. ત્યારની પરિસ્થિતિ ને પસાર કરી જે ડેવલોપમેન્ટ કરાયું છે તે સરાહનીય છે. મારી અંગત બીન્નતી છે કે દરેક ભારતીયે એક વખત તો જરૂર સ્મૃતિવન અર્થકવેક મેમોરિયલ પાર્કની મુલાકાત લેવિજ જોઈએ.