ફૂટબોલના લાઈવ મેચ દરમિયાન મેદાન પર અચાનક વીજળી પડી. આને કારણે એક ખેલાડીનું મોત થયું. આ દુઃખદ ઘટના પેરુની છે. પેરુના ચિલકામાં 3 નવેમ્બરે બે ડોમેસ્ટિક ક્લબ જુવેટડ બેલાવિસ્ટા અને ફેમિલિયા ચોકા વચ્ચે મેચ ચાલી રહી હતી. આ દરમિયાન આકાશમાંથી વીજળી ત્રાટકતાં આ દુર્ઘટના બની હતી. આ ઘટનાએ ચાહકો સહિત દિગ્ગજોને પણ હચમચાવી દીધા છે. આ ઘટનામાં રેફરી સહિત અન્ય કેટલાક ખેલાડીઓ પણ ઘાયલ થયા છે. હવામાન પલટાતાં મેચ અટકાવી, પણ મોત ન ટાળી શકાયું
મેદાનમાં જ્યારે આકાશમાંથી વીજળી ત્રાટકી એ સમયે મેચનો ફર્સ્ટ હાફ ચાલી રહ્યો હતો. આ દરમિયાન જુવેટડ બેલાવિસ્ટાએ મેચમાં 2-0થી સરસાઈ મેળવી હતી. એ સમયે જ હવામાનમાં પલટો આવ્યો અને રેફરીએ વ્હિસલ વગાડીને મેચ અટકાવી દીધી અને ખેલાડીઓને મેદાનમાંથી બહાર જવા કહ્યું હતું. ખેલાડીઓ મેદાનમાંથી બહાર જઈ જ રહ્યા હતા ત્યારે અચાનક વીજળી પડી હતી. વીજળી 39 વર્ષીય ખેલાડી જોસ હોગો ડે લા ક્રૂઝ મેજા પર પડી અને તેનું મોત થયું હતું. એ સમયે રેફરી સહિત એકસાથે 5 ખેલાડી પણ જમીન પર પડી ગયા હતા. અગાઉ પણ બની છે આવી ઘટના
આ ઘટનામાં 40 વર્ષીય ગોલકીપર હુઆન ચોકા ગંભીર રીતે દાઝી ગયો હતો. તેના શરીર પર દાઝી જવાનાં નિશાન પણ છે. વીજળી પડ્યા પછી ઘાયલ થયેલા ખેલાડીઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. વીજળી પડવાથી ફૂટબોલરના મોતની આ પ્રથમ ઘટના નથી. આ જ વર્ષે ફેબ્રુઆરીમાં ઈન્ડોનેશિયાના વેસ્ટ જાવાના સિલિવાંગી સ્ટેડિયમમાં એક ફ્રેન્ડલી મેચ ચાલી રહી હતી. એ સમયે અચાનક વીજળી પડી હતી અને એમાં 35 વર્ષીય ખેલાડી સેપ્ટન રાહરાજાનું મોત થયું હતું. મેદાનમાં વીજળી પડવાથી રાહરાજા ઘાયલ થયો હતો, જેનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.