back to top
Homeદુનિયાભારતીય માતાના ઘરે જન્મેલા કમલાની કહાની:30 વર્ષ મોટા વ્યક્તિ સાથે અફેર, વિરોધીઓએ...

ભારતીય માતાના ઘરે જન્મેલા કમલાની કહાની:30 વર્ષ મોટા વ્યક્તિ સાથે અફેર, વિરોધીઓએ મિસ્ટ્રેસ કહ્યા; શું તેઓ રાષ્ટ્રપતિ બનીને ઈતિહાસ રચશે?

“હું તેમને લાફિંગ કમલા કહું છું, શું તમે તેમને ક્યારેય હસતા જોયા છે? તેઓ પાગલની જેમ હસે છે. તે પાગલ છે, તે જૂઠ્ઠા છે.” 21 જુલાઈએ મિશિગનમાં એક રેલી દરમિયાન અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઉપરાષ્ટ્રપતિ કમલા હેરિસ વિશે આ વાત કહી હતી. ત્યારે એવી અટકળો ચાલી રહી હતી કે ડેમોક્રેટિક પાર્ટી તેમને રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બનાવી શકે છે. ડેમોક્રેટિક પાર્ટીએ 6 ઓગસ્ટે આ કર્યું હતું. હવે નવેમ્બરમાં યોજાનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ટ્રમ્પનો સામનો એ જ કમલા સાથે થશે જેને તેઓ પાગલ કહે છે. કમલા જેનો જન્મ એક ભારતીય મહિલાના ઘરે થયો હતો. જેમણે પોતાના સંતાનને જન્મ આપવાના બદલે 2 સાવકા બાળકોનો ઉછેર કર્યો. જેઓ અશ્વેત હોવાને કારણે અમેરિકાના પુરુષપ્રધાન પોલિટિક્સમાં સૌથી મોટા પદ માટે દાવેદાર બન્યા હતા. આ કહાનીમાં લાઈફ જર્ની જેણે કમલાને કમલા બનાવ્યા… કમલાનો જન્મ ભારતીય બ્રાહ્મણ માતા અને પિતા ડોનાલ્ડ હેરિસના સંતાન કમલા હેરિસનો જન્મ 20 ઓક્ટોબર, 1964ના રોજ કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં ​​​​​થયો હતો. તેમનો જન્મ બે ઇમિગ્રન્ટ્સના પરિવારમાં થયો હતો. માતા શ્યામલા ગોપાલન ગ્રેજ્યુએશન પછી 19 વર્ષની ઉંમરે ભારતના તમિલનાડુથી અમેરિકા ગયા હતા. આ 1958નો સમય હતો જ્યારે અમેરિકામાં અશ્વેત (બ્લેકસ) લોકો તેમના અધિકારો માટે લડી રહ્યા હતા. અહીં તેની મુલાકાત જમૈકનના છોકરા ડોનાલ્ડ હેરિસ સાથે થઈ. બંને અશ્વેત હતા અને વર્ષોથી અંગ્રેજોના ગુલામ એવા દેશોમાંથી અમેરિકા આવ્યા હતા. આ સમાનતાઓએ તેમને નજીક લાવ્યા અને તેઓ પ્રેમમાં પડ્યા. તેઓ અસમાનતા અને રંગભેદ સામે એકસાથે પ્રદર્શનોમાં જોડાવા લાગ્યા. શ્યામલાની યોજના અભ્યાસ પૂરો કરીને પોતાના વતન ભારત પરત ફરવાની હતી, પરંતુ તેમ થઈ શક્યું નહીં. ડોનાલ્ડના પ્રેમે શ્યામલાને અમેરિકામાં રાખ્યા. બંનેએ 1963માં લગ્ન કર્યા હતા. કમલા શ્યામલા અને ડોનાલ્ડનું પ્રથમ સંતાન છે. ન્યૂયોર્ક ટાઈમ્સ અનુસાર, જ્યારે કમલા નાના હતા ત્યારે શ્યામલા અને ડોનાલ્ડ તેને પારણામાં મુકીને પ્રદર્શનમાં સાથે લઈ જતા હતા. કમલાના જન્મના ત્રણ વર્ષ પછી તેની બહેન માયાનો જન્મ થયો. જોકે, ત્યાં સુધીમાં તેના માતા-પિતા વચ્ચે મતભેદો વધવા લાગ્યા હતા. એક ઈન્ટરવ્યુમાં કમલા હેરિસે કહ્યું હતું કે તેના માતા-પિતા વચ્ચેનો સંબંધ તેલ અને પાણી જેવો થઈ ગયો હતો. તેઓ સાથે રહી શક્યા નહીં. પરિણામ એ આવ્યું કે લગ્નના 9 વર્ષ પછી 1972માં બંનેના છૂટાછેડા થઈ ગયા. આ સમયે કમલા માત્ર 7 વર્ષના હતા. માતા શ્યામલા અને પિતા ડોનાલ્ડે તેમની કસ્ટડી માટે કેલિફોર્નિયાની કોર્ટમાં લાંબી લડાઈ લડી હતી. માતા જીતી ગયા હતા. કમલાના પિતા તેમના પુસ્તક ‘રિફ્લેક્શન્સ ઓફ અ જમૈકન ફાધર’માં લખે છે, ” તે સમયે કોર્ટ માનતી હતી કે પિતા તેમના બાળકોને ઉછેરી શકતા નથી. તેમાંયે ઉપરથી, હું એક અશ્વેત પિતા હતો. અમારા વિશે વિચારસરણી એવી હતી કે અમે અમારા બાળકોને નાસ્તામાં ખાઈ જઈશું. આ છતાં મેં મારા બાળકોનો પ્રેમ જીતવાનો પ્રયાસ ક્યારેય છોડ્યો નથી. ” છૂટાછેડા પછી, કમલા હેરિસ અને તેની બહેનનો ઉછેર તેમની માતાએ કર્યો હતો. આ કારણે કમલા પર ભારતીય સંસ્કૃતિનો ઘણો પ્રભાવ છે. કમલાની માતા તમિલ બ્રાહ્મણ હતા. તેઓ માનતા હતા કે દેવીઓની પૂજા કરતી સંસ્કૃતિમાં મહિલાઓ મજબૂત અને હિંમતવાન છે. તેમના પતિથી છૂટાછેડા થયા હોવા છતાં, શ્યામલા ગોપાલને તેમની પુત્રીઓને માત્ર ભારતીય જ નહીં પરંતુ તેમના પિતાની આફ્રિકન સંસ્કૃતિ વિશે પણ શીખવ્યું હતું. કમલા તેની બાયોગ્રાફી ‘ધ ટ્રુથ્સ વી હોલ્ડ – ધ અમેરિકન જર્ની’માં લખે છે – મારી માતા સારી રીતે સમજી ગઈ કે તે બે અશ્વેત છોકરીઓનો ઉછેર કરી રહી છે. તેમણે અમને આત્મવિશ્વાસ અને આશાથી ભરપૂર રાખ્યા. 1954માં જ્યારે કમલા 5 વર્ષના હતા ત્યારે અમેરિકામાં રંગભેદના કારણે અશ્વેત અને શ્વેત બાળકો માટે અલગ-અલગ સ્કૂલો હતી. તે જ વર્ષે આ સિસ્ટમને ગેરબંધારણીય જાહેર કરવામાં આવી હતી. આમ છતાં જમીની વાસ્તવિકતા બદલાઈ નથી. શ્વેત માતાપિતા રસ્તા પર ઉતર્યા, તેઓ ઇચ્છતા ન હતા કે તેમના બાળકો અશ્વેતો સાથે અભ્યાસ કરે. સરકારે પરિસ્થિતિ સુધારવા માટે એક સિસ્ટમ શરૂ કરી. જે અંતર્ગત અશ્વેત બાળકોને બસો દ્વારા મોટી અને મોર્ડન સ્કૂલોમાં પહોંચાડવામાં આવ્યા હતા. આમાંના મોટાભાગના ગોરા બાળકો ભણતા હતા. સરકારી બસોમાં ગોરા બાળકોની મોટી સ્કૂલોમાં ભણવા આવતાં બાળકોમાં કમલા હેરિસ પણ હતા. જ્યારે માતાને કેનેડામાં શિક્ષિકા તરીકે નોકરી મળી, ત્યારે તેમણે અમેરિકા છોડી દીધું જ્યારે કમલા હેરિસ 12 વર્ષના થયા ત્યારે તેમણે અમેરિકા છોડીને તેની માતા અને બહેન સાથે કેનેડા જવું પડ્યું. તેમની માતાને ત્યાં મેકગિલ યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે નોકરી મળી. કમલાને અમેરિકા જવાનું બિલકુલ પસંદ ન હતું. કમલા હંમેશા તેના મિત્રોને યાદ કરતી. તેમણે પોતાની બાયોગ્રાફીમાં લખ્યું છે કે, “આહલાદક હવામાન સાથે કેલિફોર્નિયા છોડીને 12 ફૂટ બરફથી ઢંકાયેલ મોન્ટ્રીયલ જવું ખૂબ જ ખરાબ અનુભવ હતો.” કમલાએ કેનેડામાં તેના દિવસો વિશે બહુ ઓછો ઉલ્લેખ કર્યો છે. જ્યારે તેમણે લગભગ કિશોરાવસ્થાના વર્ષો ત્યાં વિતાવ્યા હતા. કેનેડામાં વિતાવેલ 5 વર્ષ દરમિયાન, કમલાએ 4 અલગ-અલગ સ્કૂલોમાં અભ્યાસ કર્યો હતો. તેના મિત્ર ડીન સ્મિથે અંગ્રેજી અખબાર ધ ડેઈલી મેઈલને કહ્યું, “કમલાને તેના સ્કૂલના દિવસોમાં કોઈ બોયફ્રેન્ડ નહોતો. તે માત્ર અભ્યાસ માટે જ સ્કૂલોમાં આવતી હતી, છોકરાઓ સાથે મિત્રતા માટે નહીં. કમલાની બીજી મિત્ર, વેન્ડા કગાન કહે છે કે કમલાનું વ્યક્તિત્વ એટલું શક્તિશાળી હતું કે તે સ્કૂલમાં અલગ દેખાતી હતી. એકવાર, વેન્ડા કમલાને જણાવ્યું છે કે તેના સાવકા પિતા તેનું જાતીય શોષણ કરે છે. આ સાંભળીને કમલાએ વેન્ડાને પોતાના ઘરે બોલાવી અને ત્યાં રાખી. કમલાની માતા અને બહેન માયાએ પણ તેને મદદ કરી. કેનેડામાં સ્કૂલનો અભ્યાસ પૂર્ણ કર્યા પછી, કમલા અમેરિકા પરત ફર્યા, જ્યાં તેમણે હાર્વર્ડ યુનિવર્સિટીમાં એડમિશન લીધું. અહીં, માતાની જેમ, કમલાએ અશ્વેતોના અધિકાર માટે ઘણા પ્રદર્શનો કર્યા. કમલાએ તેના મંતવ્યો સ્પષ્ટપણે વ્યક્ત કર્યા અને કોઈનો સામનો કરવામાં અચકાવું નહીં. આ કારણે તેને હાર્વર્ડ યુનિવર્સિટીની ડિબેટ ક્લબમાં સ્થાન મળ્યું. 1983માં સ્ટુડન્ટ ન્યૂઝપેપરના એડિટરને કાઢી મુકવા સામે કમલા હેરિસ યુનિવર્સિટી એડમિનિસ્ટ્રેશન બિલ્ડિંગની બહાર વિરોધમાં બેઠા હતા. અહીંથી જ તેમને રાજકારણ અને જાહેર જીવન જીવવાની સમજ કેળવી. કમલાનું અંગત જીવન 30 વર્ષ મોટા પુરુષ સાથે અફેર, લોકોએ તેમને મિસ્ટ્રેસ પણ કહ્યા હાર્વર્ડમાંથી પોલિટિકલ સાયન્સમાં સ્નાતક થયા પછી, કમલાએ 1989માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી કાયદાનો અભ્યાસ પૂર્ણ કર્યો. 1990માં, તેઓ કેલિફોર્નિયાની સ્ટેટ બાર કાઉન્સિલમાં જોડાયા અને આસિસ્ટન્ટ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. 1994માં, તેઓ 60 વર્ષીય વિલી બ્રાઉનને મળ્યા. તે સમયે તેઓ કેલિફોર્નિયા એસેમ્બલીના સ્પીકર હતા. આ દરમિયાન કમલા 30 વર્ષના હતા અને તેની કારકિર્દીના પ્રારંભિક તબક્કામાં હતી. ઉંમરમાં મોટો તફાવત હોવા છતાં, બંનેએ એકબીજાને 2 વર્ષ સુધી ડેટ કર્યુ. એક ઈન્ટરવ્યુમાં કમલાએ વિલી સાથેના તેના સંબંધો વિશે કહ્યું હતું. આ કદાચ જીવનભર મારી આંખમાં ખટકતું રહેશે. ખરેખરમાં, આ સંબંધને કારણે, કમલાને વિલીની રખાત પણ કહેવામાં આવતા હતા. જ્યારે કમલા 2020માં ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર તરીકે ચૂંટાઈ આવ્યા હતા, ત્યારે વિલી સાથેના સંબંધો માટે કમલાની સોશિયલ મીડિયા પર ઘણી ટીકા થઈ હતી. તેમને ઘર ભાંગનાર પણ કહ્યા હતા. આનાથી પરેશાન, વિલી બ્રાઉને પોતે સ્પષ્ટતા કરી હતી કે તેઓ જ્યારે રિલેશનશિપમાં હતા ત્યારે વિલીએ તેની પત્નીને છૂટાછેડા આપી દીધા હતા. કમલાના ટીકાકારો તેના પર વિલીના પદનો લાભ લેવાનો આરોપ મૂકે છે. 2003માં, કમલા સાન ફ્રાન્સિસ્કોના ડિસ્ટ્રિક્ટ એટર્ની માટે ચૂંટણી લડી રહ્યા હતા. આ દરમિયાન વિરોધીઓએ કમલા અને વિલી વચ્ચેના સંબંધોને જાહેર કર્યા જે 7 વર્ષ પહેલા ખતમ થઈ ગયા હતા. કમલાને રાજકારણમાં હરાવવા માટે તેના વિરોધીઓ તેના અંગત જીવનને કોર્ટમાં ઢસડી ગયા હતા. તેમણે આરોપ લગાવ્યા કે કમલાએ એક સાથે બે સરકારી હોદ્દા મેળવવા માટે વિલી બ્રાઉન સાથેના પોતાના સંબંધનો ઉપયોગ કર્યો હતો. જો કે, આ આરોપો છતાં, કમલાએ ડિસ્ટ્રિક્ટ એટર્નીની ચૂંટણી જીત્યા હતા. તેઓ કેલિફોર્નિયામાંથી આ પદ માટે ચૂંટાયેલા પ્રથમ આફ્રિકન-એશિયન મહિલા બન્યા હતા. કમલાએ 2001માં સેલિબ્રિટી એન્કર મોન્ટેલ વિલિયમ્સને ડેટ કર્યુ હતું. મોન્ટેલ અમેરિકાનો પ્રખ્યાત ટીવી શો હોસ્ટ કરતો હતો. તેણે છૂટાછેડા લીધા હતા. મોન્ટેલ એક રેડ કાર્પેટ ઈવેન્ટમાં કમલા અને પોતાની પુત્રીને સાથે લઈ આવ્યો હતો. આ પહેલીવાર હતું જ્યારે કમલાનો અમેરિકન જનતા સાથે કોઈ મોટા કાર્યક્રમમાં પરિચય થયો હતો. જો કે, તેમનો સંબંધ લાંબો સમય ટકી શક્યો નહીં. ત્યારપછી કમલાએ પોતાની કારકિર્દીને મજબૂત બનાવવાનું શરૂ કર્યું. 2010માં, તેઓ કેલિફોર્નિયા રાજ્યની એટર્ની જનરલ તરીકે ચૂંટાયા હતા. આ પદ હાંસલ કરનાર તે પ્રથમ અશ્વેત મહિલા હતા. બ્લાઈન્ડ ડેટ પર પતિ ડગલસ સાથે મુલાકાત કેલિફોર્નિયાના એટર્ની બન્યાના માત્ર 3 વર્ષ પછી કમલા ડગલસ એમહોફને મળ્યા હતા. તે એક બ્લાઈન્ડ ડેટ હતી. બંનેનો પરિચય કમલાના નજીકના મિત્ર ક્રિસેટ હડલિન દ્વારા થયો હતો. હડલિને કમલાને બ્લાઈન્ડ ડેટ પર જવા માટે પૂછ્યું હતું, પણ તેમણે જતાં પહેલાં ડગલલ વિશે ગૂગલ પર સર્ચ કરી લીધું હતું. ડગલસે છૂટાછેડા લીધેલા હતા, તેણે 1992માં તેની પ્રથમ પત્ની ક્રિસ્ટેન સાથે લગ્ન કર્યા હતા, જેની સાથે તેને એક પુત્રી અને એક પુત્ર હતો. ડગલસ વ્યવસાયે વકીલ છે. કમલા હેરિસે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે તેને ડગલસની સેન્સ ઓફ હ્યુમર પસંદ છે. એક વર્ષ સુધી રિલેશનશિપમાં રહ્યા બાદ બંનેએ 2014માં લગ્ન કરી લીધા હતા. કમલાને પોતાના બાળકો નથી. આ અંગે વિરોધીઓ તેમના પર પ્રહારો કરતા રહે છે. રિપબ્લિકન પાર્ટીના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર જેડી વેન્સે 2021માં કમલાનું નામ લીધા વિના કહ્યું હતું કે, “દેશ બાળકો વિનાની કેટ લેડી (બિલાડી પાળનાર) દ્વારા ચલાવવામાં આવે છે.” જેમના પોતાના બાળકો પણ નથી, જેમની પર્સનલ લાઈફ પણ સારી રહી નથી, તેઓ દેશને બગાડી રહ્યા છે. જો કે, કમલા તેના બે સાવકા બાળકોના ઉછેરમાં મદદ કરે છે. ડગલસ એમહોફના બંને બાળકો તેને મોમાલા કહીને બોલાવે છે. રાજકીય જીવન- વકીલાતથી રાજકારણમાં એન્ટ્રી, 7 વર્ષમાં રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બન્યા જ્યારે કમલાએ વકીલાતને કારકિર્દી તરીકે પસંદ કરી, ત્યારે તેમની માતાને તે બહુ ગમ્યું નહીં, પરંતુ તેમણે માતાને મનાવી લીધા હતા. કમલા કહે છે કે તે વકીલ બન્યા જેથી કાયદા દ્વારા મહિલાઓ, બાળકો અને અશ્વેતોનું જીવન સુધારી શકે. જો કે, એ પણ હકીકત છે કે અમેરિકન રાજકારણમાં વકીલોનો દબદબો રહ્યો છે. હાર્વર્ડ યુનિવર્સિટીના જણાવ્યા અનુસાર, આઝાદીથી લઈને 2015 સુધી અમેરિકાના 60% રાષ્ટ્રપતિ વકીલ રહ્યા છે. યુએસ કોંગ્રેસમાં 40%થી વધુ સાંસદો વકીલ છે. કમલાની રાજકીય કારકિર્દીનું પ્રથમ પગલું વકીલાત હતું. તે ડિસ્ટ્રિક્ટ એટર્નીથી સ્ટેટ એટર્ની અને પછી સેનેટ (યુએસ રાજ્યસભા) સુધી પહોંચ્યા હતા. ડિસ્ટ્રિક્ટ એટર્ની બન્યાના એક વર્ષ પછી જ કમલા તેના અભિગમને લઈને વિવાદોમાં ફસવા લાગ્યા. આ વિવાદોએ કમલાની લોકપ્રિયતામાં વધારો કર્યો. 2004માં, એક ગુનાહિત ગેંગના સભ્યએ પોલીસકર્મી ઈસાક એસ્પિનોઝાને ગોળી મારીને હત્યા કરી હતી. લોકોની માંગ છે કે હત્યારાને ફાંસીની સજા આપવામાં આવે. જો કે, કમલાએ સરકારી વકીલ તરીકે મૃત્યુદંડની માંગણી કરી ન હતી. માત્ર પોલીસકર્મીઓ જ નહીં પરંતુ કેલિફોર્નિયાના સેનેટરે પણ આ અંગે તેમનો વિરોધ કર્યો હતો. એટર્ની તરીકે, કમલાએ મૃત્યુદંડ ઘટાડવાનું કામ કર્યું. તેમનું માનવું છે કે ન્યાયિક વ્યવસ્થાએ સજા કરવાને બદલે ગુનાઓને રોકવા પર વધુ ધ્યાન આપવું જોઈએ. તેમણે નાના ગુનાઓની સજામાં પણ ઘટાડો કરાવ્યો હતો. કમલાએ બેક ઓન ટ્રેક પ્રોગ્રામ શરૂ કર્યો હતો. જે અંતર્ગત નાના ગુના કરનારા લોકોને સ્કૂલનું શિક્ષણ અને નોકરીની તાલીમ આપવામાં આવી હતી, જેથી તેઓ ગુના છોડીને સામાન્ય નાગરિકની જેમ જીવન જીવી શકે. કમલાએ તે માતાપિતાને સજા કરવા પર પણ ધ્યાન કેન્દ્રિત કર્યું જેઓ તેમના બાળકોને શિક્ષણ માટે સ્કૂલે મોકલતા ન હતા. આ ગુનાને ટ્રુએન્સી કહેવામાં આવે છે. તેની સૌથી વધુ અસર અશ્વેત પેરેન્ટ્સ પર પડી. આ કારણે કમલાની ઘણી ટીકા થઈ હતી. જો કે, કમલા માટે ઝુંબેશ ચલાવનારાઓનું કહેવું છે કે તેના કારણે ટ્રુએન્સી કેસમાં 33% ઘટાડો થયો છે. કમલાએ તેને મદદ કરનારાઓને ક્યારેય છોડ્યા નહીં પત્રકાર માઈકલ ક્રુઝે 2019માં પોલિટિકો મેગેઝિનમાં કમલાની રાજનીતિ વિશે લખ્યું હતું, “સાન ફ્રાન્સિસ્કોના ચમકદાર લગ્નોથી લઈને ચેરિટી ઈવેન્ટ્સ અને મોટા રેસ્ટોરન્ટ્સ સુધી, કમલાએ શહેરના ધનિકો સાથે સંપર્કો બનાવ્યા. તેમની રાજકીય કારકિર્દીના દરેક વળાંક પર તેમના સંપર્કમાં રહ્યા, પરંતુ કમલાએ ક્યારેય એવા લોકોને છોડ્યા નહીં જેઓએ તેમને મદદ કરી હતી. કમલા હેરિસે વર્ષ 2016માં ચૂંટણીના રાજકારણમાં ઉતર્યા હતા. આ એ જ વર્ષ હતું જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા હતા. કમલા હેરિસને બરાક ઓબામા અને જો બાઈડનનું સમર્થન હતું. તે સેનેટમાં ચૂંટાયેલી બીજી અશ્વેત મહિલા બન્યા હતા. સાંસદ બન્યાના બે વર્ષ બાદ જ કમલા હેરિસે 2019માં રાષ્ટ્રપતિ પદની રેસમાં સામેલ થવા માટે પોતાનું નામ આગળ કર્યું. જો કે, કમલા હેરિસને રાષ્ટ્રપતિ પદના ઉમેદવારની ચર્ચામાં બાઈડનના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. તેમણે ઉમેદવારીની રેસમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું. 2020ના ઉનાળામાં, બાઈડને કમલા હેરિસને તેમના ઉપ-રાષ્ટ્રપતિ ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. 2020માં બાઈડનની જીત પછી, કમલા હેરિસ અમેરિકન ઇતિહાસમાં પ્રથમ અશ્વેત મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા. રાજકારણમાં પ્રવેશ્યાના 7 વર્ષની અંદર, તેઓ હવે રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર છે. NYT અનુસાર, ઉમેદવાર મોડેથી બનવા છતાં, તેઓ ત્રીજી વખત રાષ્ટ્રપતિની ચૂંટણી લડી રહેલા ટ્રમ્પને કાંટાની ટક્કર આપી રહ્યા છે. પોલમાં કમલા 7માંથી 5 મહત્વના રાજ્યોમાં ટ્રમ્પ કરતા આગળ છે. જો તેઓ જીતશે તો તે અમેરિકાના પ્રથમ મહિલા રાષ્ટ્રપતિ બનશે. હંમેશા માટે ઈતિહાસમાં પોતાનું નામ નોંધવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments