વાવ વિધાનસભા બેઠકની પેટાચૂંટણીમાં એક ઉમેદવારની એન્ટ્રીથી ત્રિપાંખિયો જંગ થયો છે. ટિકિટ ન મળતાં ભાજપના નારાજ નેતા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી છે. ભાજપે છેલ્લે સુધી મનાવવાના ઘણા પ્રયાસ કર્યા પણ તેઓ ન માન્યા. જેના કારણે ભાજપ અને કોંગ્રેસની સીધી ટક્કરવાળી આ ચૂંટણી હવે રસપ્રદ બની છે. ચૌધરી સમાજના મોટા નેતા ગણાતા અને આ વખતે બેટનું ચિહ્ન મેળવીને ચૂંટણીના મેદાનમાં ‘બેટિંગ’ કરવા ઉતરેલા પૂર્વ ધારાસભ્ય માવજી પટેલે ભાજપ અને કોંગ્રેસ એમ બન્ને પક્ષોના જીવ અદ્ધર કરી દીધા છે. તેવામાં દિવ્ય ભાસ્કરે બનાસકાંઠાના વરિષ્ઠ પત્રકાર સિતાબ કાદરી, તપન જયસ્વાલ અને રાજકીય વિશ્લેષક હરિ દેસાઇનો મત જાણ્યો. અમે એ જાણવાની કોશિષ કરી કે માવજી પટેલની એન્ટ્રીથી આ પેટાચૂંટણી કેટલી બદલાઇ છે? કોણ છે માવજી પટેલ?
માવજી પટેલનું મૂળ વતન વાવ તાલુકાનું આકોલી ગામ છે. તેઓ ચૌધરી સમાજમાંથી આવે છે. 1990માં તેઓ પહેલીવાર ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. તેમની છબિ ખેડૂત નેતા તરીકેની પણ રહી છે. તેઓ કોંગ્રેસ અને ભાજપ એમ બન્ને પક્ષમાંથી વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે. બેટ, બળવો અને ભાજપ
માવજી પટેલને મળેલા બેટના ચિહ્નએ ભાજપ સામે બળવાના 12 વર્ષ જૂના ઇતિહાસને ફરી તાજો કરી દીધો છે. 2012માં કેશુભાઇ પટેલે ભાજપ સામે બળવો કર્યો હતો અને પક્ષમાંથી રાજીનામું આપી ગુજરાત પરિવર્તન પાર્ટીની સ્થાપના કરી હતી. ગુજરાત પરિવર્તન પાર્ટીએ 2012ની વિધાનસભાની ચૂંટણીમાં ઝંપલાવ્યું હતું. એ સમયે કેશુબાપાના પક્ષને પણ બેટનું ચૂંટણી ચિહ્ન ફાળવાયું હતું. 2012ની ચૂંટણીમાં બેટના ચૂંટણી ચિહ્ન પર 2 ધારાસભ્યો ચૂંટાયા હતા. જેમાં એક વિસાવદર બેઠક પરથી કેશુભાઇ પટેલ અને બીજા ધારી બેઠક પરથી નલિન કોટડિયા જીત્યા હતા. યોગાનુયોગ આ વખતે પણ વાવની પેટાચૂંટણીમાં ભાજપ સામે બળવો કરીને અપક્ષ ઉમેદવારી નોંધાવનારા માવજી પટેલને બેટનું ચિહ્ન ફાળવાયું છે. કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતે કહ્યું…. આ ચૂંટણી હાલની તારીખમાં કોંગ્રેસ અને અપક્ષ વચ્ચે છે. ભાજપ આ ચૂંટણીમાં ક્યાંય હરિફાઇમાં નથી. હું તમને વિનંતી કરૂં છું કે તમારો કિંમતી મત ક્યાંય વેડફાઇ ન જાય તેવું ગામમાં કહેજો. ગુલાબસિંહના નિવેદનનો શું અર્થ નીકળે?
ભાજપના ઉમેદવાર ઠાકોર સમાજના છે અને વાવમાં ઠાકોર સમાજના મતદારોનું પ્રભુત્વ છે. તેમ છતાં ગુલાબસિંહે એવું કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપ ક્યાંય હરિફાઇમાં નથી તેનો સીધો અર્થ એવો નીકળે કે ગુલાબસિંહ એવું માને છે કે ગેનીબેનના કારણે ઠાકોર સમાજના મત તો તેમને પોતાને જ મળશે. એટલે હવે આ ચૂંટણી રાજપૂત અને ચૌધરી સમાજના ઉમેદવાર વચ્ચે છે. આપ અને કોંગ્રેસનું ગઠબંધન ન થયું
લોકસભાની ચૂંટણી વખતે કોંગ્રેસ સાથે ગઠબંધન કરનારી આમ આદમી પાર્ટીએ કદાચ હરિયાણાની ચૂંટણીમાંથી બોધપાઠ લઇને વાવની પેટાચૂંટણીમાં સત્તાવાર રીતે કોંગ્રેસ સાથે કોઇ ગઠબંધન નથી કર્યું. છેલ્લા 22 વર્ષથી પત્રકારત્વ ક્ષેત્રે જોડાયેલા પાલનપુરના સીતાબ કાદરીએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, પહેલાં એવું લાગતું હતું કે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર રહેશે પણ સહકારી ક્ષેત્રના સીનિયર નેતા માવજી પટેલ મેદાનમાં ઉતર્યા છે. મોવડી મંડળે તેમને છેક સુધી ખૂબ મનાવ્યાં પણ તેમણે ફોર્મ પાછું ન ખેંચ્યું જેના કારણે હવે ત્રિપાંખિયા જંગની પરિસ્થિત સર્જાઈ છે. વાવના આ જંગમાં હાલ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો એડીચોટીનું જોર લગાવી રહ્યાં છે. માવજી પટેલને વડીલ તરીકે માન-સન્માન મળે છે
ઉમેદવારોની વાત કરતા તેઓ કહે છે કે, માવજી પટેલ મોટું માથું ગણાય છે અને તેમનો દરેક સમાજ સાથે ઘરોબો છે. એક વડીલ તરીકે તેમને માન સન્માન મળે છે. દરેકના કામમાં તેઓ પડખે ઊભા રહે છે એટલે એ ફેક્ટર પણ કામ કરશે. એવી જ રીતે કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત કે જેમના દાદા હેમાજીભાઈ રાજપૂત ત્રણેક ટર્મથી ચૂંટાતા હતા. તેમણે એક રાજા તરીકે ચૂંટાઈને પ્રજા માટે કામ કર્યું હતું. અહીં રાજપૂત સમાજનો પણ એક મોટો વર્ગ છે એટલું જ નહીં તેઓ નાના વર્ગ સાથે પણ સંકળાયેલા છે. ગુલાબસિંહની સામે ભાજપે સ્વરૂપજી ઠાકોરને ફરીથી રિપીટ કર્યા છે જ્યારે ગેનીબેનના કાકા ફૂલાભાઈ ઠાકોરે ભાજપથી નારાજ થઈને ફોર્મ ભર્યું હતું પણ છેલ્લે છેલ્લે તેમને મનાવી લેવામાં આવ્યાં છે. અલ્પેશ ઠાકોર અને મુકેશ ઠાકોરે કમાન સંભાળી
તેમણે જણાવ્યું કે, અલ્પેશ ઠાકોર અને મુકેશ ઠાકોર હાલમાં કમાન સંભાળી રહ્યા છે. ક્ષત્રિય ઠાકોર સેનાનું જે આખું જોર છે તે આ બન્ને જણાંએ ત્યાં લગાવી દીઘું છે. બીજી બાજુ ગેનીબેન એક જ એવા સાંસદ છે જે કોંગ્રેસમાંથી આવ્યાં છે. તેમણે ભાજપની હેટ્રિકને રોકી છે. ગેનીબેને 2-2 વખત ભાજપને મ્હાત આપી છે. સહકારી માળખામાં ચૌધરી સમાજનું પ્રભુત્વ
ગ્રાઉન્ડ લેવલ પર ચાલતા સમીકરણો વિશે તેમણે કહ્યું કે, ઓવરઓલ જોવા જઈએ તો 2-3 વસ્તુ સામે આવી રહી છે. હાલમાં જ્ઞાતિના આધારે ચૂંટણીના સમીકરણો ચાલી રહ્યા છે. ચૌધરી સમાજ પણ મોટો અને શિક્ષિત, સમૃદ્ધ છે. સહકારી માળખામાં તેમનું પ્રભુત્વ છે. મતદારોનું મન કળી શકાય તેમ નથી
ભૂતકાળની ચૂંટણીનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે, અમારે ત્યાં આવું બીજી વાર બન્યું છે. આ પહેલાં એવું બન્યું હતું કે જોઈતાભાઈ ઉપરની ચૂંટણી માટે ઊભા હતા અને નાથાભાઈ નીચેની ચૂંટણીમાં ઉભા હતા. આ બન્ને ચૌધરી સમાજના હતા. એ વખતે એવું બન્યું હતું કે ઉપર પણ આપણા સમાજનો અને નીચે પણ આપણા સમાજનો ઉમેદવાર આવે. આવી જ પરિસ્થિત વાવમાં પણ છે. ગેનીબેન ઠાકોર સમાજના છે. અહીં સૌથી વધુ પ્રભુત્વ ઠાકોર સમાજનું છે. જ્યારે ભાજપે પણ ઠાકોર ચહેરા તરીકે સ્વરૂપજી ઠાકોરને ઉતાર્યા છે ત્યારે લોકો કહી રહ્યા છે કે અમારે તો ઉપર અને નીચે બન્ને આપણા સમાજના જોઈએ છે કેમ કે અમારે તો વિકાસ જોઈએ છે. બીજી તરફ ગુલાબસિંહનો પણ ઠાકોર સમાજ સાથેનો ઘરોબો છે. એટલે હાલમાં મતદારોના મનને કળી શકાય તેવું નથી. કેન્દ્રએ વાવ પટ્ટા પર વિકાસના કામો કર્યા
ભાજપની તૈયારી વિશે તેમણે જણાવ્યું કે, વાવની પેટાચૂંટણીની જાહેરાત થાય એ પહેલાં અહીં મુખ્યમંત્રીના 3 કાર્યક્રમ થઈ ગયા. રાજ્યપાલનો કાર્યક્રમ પણ થયો હતો. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે એક બેઠક પણ યોજી હતી. એટલે એડવાન્સમાં ભાજપે તૈયારી કરીને રાખી હતી. કેન્દ્ર સરકારે ભાભર, વાવ અને થરાદના પટ્ટા પર એટલી બધી ગ્રાન્ટ વાપરીને વિકાસના કામો કર્યા છે એટલે પ્રજા ઉપર આનો પ્રભાવ પડશે. છેલ્લી ઓવરમાં એટેક!
તેમણે ઉમેર્યું કે, ભાજપ હાલમાં અંદર ખાને કામ કરી રહ્યો છે. છેલ્લા 2-3 દિવસમાં બહાર આવશે તેવું પણ પ્લાનિંગ થઈ ગયું છે. જેમ ક્રિકેટમાં છેલ્લી ઓવરમાં એટેક કરવામાં આવે છે તેવી જ રીતે ચૂંટણીના મેદાનમાં પણ આ છેલ્લી ઓવરોમાં એટેક હશે. આવી જ પરિસ્થિતિ અને પ્લાન કોંગ્રેસમાં છે. શક્તિસિંહે પણ કેટલોક પ્લાન ઘડ્યો છે. અહીં પ્રદેશ કક્ષાની ટીમ અંદરખાને સતત કામ કરી રહી છે. હાલમાં વાવ પટ્ટામાં GJ-18ની ગાડીઓ સતત દેખાઈ રહી છે. જો કે આ ત્રિપાંખિયા જંગમાં કોઈને લાઈટલી લેવાય તેમ નથી. દિવસે દિવસે પિક્ચર બદલાય છે
નેતાઓની નારાજગી વિશે વાત કરતા તેમણે કહ્યું કે, ચૌધરી સમાજના માવજીભાઈને ટિકિટ નથી મળી એટલે તેઓ અપક્ષ ઊભા છે. ઠાકરશી રબારીને પણ ટિકિટની આશા હતી પણ હવે તેમને ટિકિટ નથી મળી એટલે ફેસથી તો તેઓ સારા લાગતાં હોય છે પણ આંતરિક ગુસ્સો મતમાં કન્વર્ટ કરવાની જગ્યાએ ડાયવર્ટ કરી દેતા હોય છે. પણ દિવસે ને દિવસે અહીં પિક્ચર બદલાતું રહે છે. હાલમાં ઈતર સમાજને મેનેજ કરવામાં આવી રહ્યો છે. આગળની ભૂલો અને કરેલા કામના લેખા જોખા પણ ચાલી રહ્યા છે. છેલ્લા 25 વર્ષથી બનાસકાંઠામાં પત્રકારત્વ સાથે સંકળાયેલા તપન જયસ્વાલે દિવ્ય ભાસ્કરને કહ્યું કે, વાવ બેઠક પર માવજીભાઈ ઊભા રહ્યા એટલે જંગ ચોક્કસથી રસાકસીભર્યો છે. જેમ જેમ ચૂંટણી નજીક આવશે તેમ ચિત્ર સ્પષ્ટ થશે. ગુલાબસિંહ અને સ્વરૂપજી વચ્ચે જ સીધી ફાઈટ રહેશે. બાકી માવજીભાઈ કેટલા મત લઈ જાય છે તેના ઉપર ગુલાબસિંહ અને સ્વરૂપજીનો ખેલ પડશે. ગુલાબસિંહને જીતાડવાની જવાબદારી ગેનીબેનની
ગેનીબેન વિશે તેઓ કહે છે કે, અહીં ગેનીબેન પણ ઠાકોર સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે. ગુલાબસિંહની ટિકિટથી લઈને તેમને જીતાડવાની જવાબદારી તેમની છે. ઠાકોર સમાજના 82 હજારમાંથી 70 ટકા મતદાન થાય તો તેમાંથી 20 ટકા મત ગુલાબસિંહને મળે અને 80 ટકા સ્વરૂપજીને મળે તેવું મને લાગે છે. રાજપૂત સમાજ, દલિત સમાજ, મુસ્લિમ સમાજ અને ઠાકોર મતદારોનું ડિવાઈડેશન થાય તો તેમના મત સીધા જ કોંગ્રેસમાં જશે. જ્યારે ભાજપમાં ઠાકોર, રબારી, બ્રાહ્મણ સમાજ અને ઈતર સમાજના મત પડશે. સમયાંતરે મતદારોનો મિજાજ બદલાયો
આ સીટ પર ગુલાબસિંહના દાદા જીતતા આવ્યા છે તેવો ઉલ્લેખ કરતાં તેમણે કહ્યું કે, અહીં ગુલાબસિંહને ફાયદો એ રીતે છે કે આ સીટ તેમની પેઢી દરપેઢીની આ સીટ છે. અહીં તેમના દાદા વર્ષોથી જીતતા આવ્યાં છે. જો કે ગુલાબસિંહ અહીં શંકર ચૌધરી સામે હાર્યા હતા. સમયાંતરે અહીં પલટો જોવા મળ્યો છે. આ ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો સવાલ
તેમના મતે લોકો બોલતા ન હોય પણ સાઇલન્ટ વોટર પોતાની સાઇલન્ટ રીતે મતદાન કરશે. માવજીભાઈ જેટલા મત મેળવશે તેનાથી 80 ટકા નુકસાન ભાજપને થશે જ્યારે 20 ટકા નુકસાન કોંગ્રેસને થશે. જો માવજીભાઈ ને 10,000 ની અંદર મત મળશે તો સ્વરૂપજીને 25,000 ની આસપાસ લીડ મળશે પણ જો માવજીભાઈને વધુ મત મળશે તો લીડ કપાશે. ભાજપ માટે પણ આ સીટ જીતવી એક પ્રતિષ્ઠાનો સવાલ છે કેમકે હાલમાં તેમની ચાલુ સરકાર છે એટલે ભાજપ આમાં કંઈ કાચું નહીં કાપે. ભાજપને નુકસાન થશે તે પાછળનું કારણ જણાવતાં તેમણે કહ્યું કે, માવજીભાઈ ચૌધરી સમાજમાંથી આવે છે એટલે ચૌધરી સમાજના લોકોના મત તેમને પણ મળશે જેથી તેની અસર તો થવાની જ એટલે ભાજપને થોડી અસર થશે. ગેનીબેનની ભાવિ છબિ નક્કી થશે
બન્ને પાર્ટીઓના નેતાઓ સક્રિય ભૂમિકા વિશે તેઓ કહે છે કે, કોંગ્રેસમાંથી શક્તિસિંહ પણ અહીં આવીને ગયા છે તો કેટલાક નેતાઓ સાયલન્ટ રીતે કામ કરી રહ્યા છે. જ્યારે કેટલાક જાહેર સભામાં પણ હાજરી આપી રહ્યા છે. જો ગેનીબેનની વાત કરવામાં આવે તો આ ચૂંટણી ગેનીબેનની આગળની છબિ નક્કી કરશે. કેમ કે જો આ સીટ કોંગ્રેસના ફાળે જાય તો ગેનીબેન હાઈકમાન્ડની એકદમ નજીક જતા રહેશે પણ જો હારશે તો તેમનું કદ કદાચ ઓછું થાય અથવા તો જે છે એ એમનું એમ રહેશે. કોંગ્રેસના નેતાઓ એવું ક્યારેય નહીં ઇચ્છે કે ગેનીબેન મોટા થાય. જ્ઞાતિગત સમીકરણો અંગે તેમણે જણાવ્યું કે, અહીં 82,000 જેટલા ઠાકોર મતદારો છે. અંદાજે 50,000 જેટલા ચૌધરી સમાજના મતદારો છે. એ પછી બ્રાહ્મણ, રબારી અને ઈતર સમાજના મતદારો છે. એટલે અહીં બધો જ મદાર ઠાકોર સમાજ ઉપર છે. સીધી લડાઇ ગુલાબસિંહ અને સ્વરૂપજી ઠાકોર વચ્ચે જ છે. માવજી પટેલની એન્ટ્રીથી ચિત્ર અસ્પષ્ટ થયું
રાજકીય વિશ્લેષક હરિ દેસાઈએ દિવ્ય ભાસ્કરને કહ્યું કે, હું એવું માનુ છું કે માવજીભાઈ મેદાને આવ્યા છે એટલે આખું ચિત્ર ઘણું અસ્પષ્ટ બની જાય છે. કેમ કે માવજીભાઈને બહું લાઈટલી લઈ શકાય તેમ નથી. બીજું કે ચૌધરી સમાજ સંગઠિત રહીને પોતાના પ્રતિનિધિને જીતાડે એ દિશામાં હાલ પ્રયાસો થઈ રહ્યાં છે. એમાં ભાજપ અને કોંગ્રેસના લોકોના પણ એવા પ્રયાસો છે. કેમ કે બનાસકાંઠામાં ચૌધરી સમાજનું વર્ચસ્વ રહ્યું છે. બન્ને પક્ષના ચૌધરી સમાજના આગેવાનો માવજીભાઇની પડખેઃ હરિ દેસાઇ
આ વખતની ચૂંટણી વિશે તેઓ કહે છે કે, અહીં ઠાકોર વોટ પણ વધારે છે પણ આ વખતે વાતાવરણ કસોકસનું હશે. ગુલાબસિંહ માને છે કે તેમની સીધી ફાઈટ માવજીભાઈ સામે છે. હવે સ્વરૂપજીને જીતાડવા માટે ભાજપ કામ કરશે પણ હું માનુ છું કે ભાજપના અને કોંગ્રેસના ચૌધરી સમાજના જે આગેવાનો છે તે માવજીભાઈને મદદ કરશે એવું મને લાગે છે. બીજું કે માવજીભાઈનું બધી જ કોમોના લોકો માટે કરેલું કામ છે. ઠાકોર મતદારોમાં ભાગલા પડશે
ઠાકોર મતદારોમાં ભાગલા પડવાની શક્યતા અંગે તેઓ જણાવે છે કે, હાલમાં ભાજપે ઠાકોર સમાજના સ્વરૂપજીને મેદાને ઉતાર્યા છે એટલે ઠાકોરના બધા જ મતો તેમને મળશે એવું માનવા માટેનું કોઈ કારણ નથી. કેમ કે ગેનીબેન ઠાકોરનું એટલું તો વર્ચસ્વ તો છે જ એટલે ભાગલા તો પડશે જ. માવજીભાઇ જીતે તો ભાજપને કોઇ નુકસાન નથી
તેઓ કહે છે કે, આ વખતે બનાસકાંઠાના રાજકારણમાં ચૌધરીઓનું પ્રભુત્વ જાળવવું હોય તો માવજીભાઈ પટેલને જીતાડવા જ પડે તેવું ભાજપ અને કોંગ્રેસમાં રહેલા ટોચના ચૌધરી સમાજના લોકો માને છે. માવજીભાઈની ઉમેદવારીથી પહેલી નજરે એવું લાગે છે કે કોંગ્રેસને ફાયદો થશે તેવું તેઓ માને છે. એવું જરૂરી નથી. બીજું એ કે ભાજપમાંથી બળવો કરીને માવજીભાઈ અપક્ષ ચૂંટણી લડે અને જીતે તો એ તો ભાજપને જ ટેકો આપવાના છે માવજી દેસાઈની જેમ. માવજીભાઈ જીતે તો પણ ભાજપને કોઈ નુકસાન નથી. 4 સમાજ પર સૌની નજર
લોકસભાની ચૂંટણી વખતે બનાસકાંઠામાં ઠાકોર ઉમેદવાર સામે ચૌધરી ઉમેદવારનો જંગ હતો. ગેનીબેનની જીત પાછળ એક કારણ એવું પણ મનાય છે કે ચૌધરી ઉમેદવાર સામે રાજપૂત સમાજ, રબારી સમાજ સહિતના તમામ સમાજ એક થઇ જતાં ઠાકોર ઉમેદવાર ગેનીબેનની જીત થઇ હતી. વાવની પેટાચૂંટણીમાં કોંગ્રેસે રાજપૂત ઉમેદવારને મેદાને ઉતાર્યા છે, સામે પક્ષે ભાજપે ઠાકોર ઉમેદવારને ટિકિટ આપી છે તો ચૌધરી સમાજના મોટા નેતા માવજી પટેલ અપક્ષ લડી રહ્યા છે. જ્યારે રબારી સમાજના ઠાકરશી રબારી પણ કોંગ્રેસમાંથી દાવેદાર હતા પરંતુ તેમને ટિકિટ નથી મળી. એટલે એક રીતે કહી શકાય કે આ ચારેય સમાજ મહત્વની ભૂમિકા ભજવશે.