સુરતના અડાજણ વિસ્તારમાં સ્થાનિકોએ ભીક્ષા માગી રહેલા બે સાધુને પકડી પાડ્યા હતા. સાધુના વેશમાં અન્ય ધર્મના કોઈ વ્યક્તિ છે તેની શંકામાં તેઓએ સાધુઓની ઓળખાણ બાબતે પૂછવા લાગ્યા હતા. એટલું જ નહીં સ્થાનિકોએ તેમને મંત્ર અને શ્લોક બોલવા પણ કહ્યું હતું. આ વચ્ચે જ્યારે બંને સાધુની આઈડી કાર્ડની ચકાસણી કરવામાં આવી તો એકનું નામ સલમાનનાથ હતું. જેથી આખો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. પરંતુ પોલીસે જ્યારે તપાસ હાથ ધરી ત્યારે બંને સાધુઓ હિન્દુ ધર્મના અને મૂળ જૂનાગઢના હોવાનું સામે આવ્યું હતું. 3 સાધુ ભિક્ષા માગવા એક સોસાયટીમાં પહોંચ્યા હતા
સુરત શહેરના અડાજણ વિસ્તારમાં ત્રણ સાધુઓ ભિક્ષા માગવા માટે એક સોસાયટીમાં પહોંચ્યા હતા. હાલ અનેક ઘટનાઓ આવી સામે આવી રહી છે. જેમાં સાધુના વેશમાં અન્ય ધર્મના લોકો પણ આવે છે. જેના કારણે લોકોને શંકા ગઈ હતી કે, આ સાધુઓ પણ હિન્દુ ધર્મના નથી. પરંતુ અન્ય ધર્મના છે. જેથી સ્થાનિકોએ તેમને રોકીને પૂછપરછ શરૂ કરી હતી. ત્રણેય સાધુને શ્લોક બોલવા માટે કહેવામાં આવ્યું હતું. સ્થાનિક લોકો વારંવાર તેમને શ્લોક કહેવા માટે કહી રહ્યા હતા ત્યારે ભગવા વસ્ત્રમાં આવેલા ત્રણેય સાધુએ જણાવ્યું હતું કે, અમે મદારી સાધુઓ છીએ. એક વ્યક્તિએ ત્રણેયના ઓળખકાર્ડ પણ લઈ લીધા
આ વચ્ચે એક વ્યક્તિએ ત્રણેયના ઓળખકાર્ડ પણ લઈ લીધા હતા. જેમાંથી એકનું નામ સલમાનનાથ હતું. જેથી વારંવાર લોકો તેમની પૂછપરછ કરી રહ્યા હતા. સ્થાનિકોએ પોલીસને પણ બોલાવી લીધી હતી. સલમાનનાથ નામ જોઈ પોલીસ પણ ત્રણેય લોકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી અને શંકાસ્પદ વ્યક્તિના આધારે પોલીસ સ્ટેશનમાં નોંધ પણ કરવામાં આવી હતી. પરંતુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ત્રણેય લોકો મૂળ ગુજરાતના છે અને હિન્દુ ધર્મના છે. શંકાસ્પદ વ્યક્તિ તરીકે સ્ટેશનમાં નોંધ કરી હતી
અડાજણ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર આર.બી. ગોઝિયાએ જણાવ્યું હતું કે, શંકાસ્પદ વ્યક્તિ તરીકે સ્ટેશનમાં નોંધ કરી હતી અને ત્યારબાદ તેમની પૂછપરછ પણ કરાઈ હતી. પૂછપરછ બાદ વેરિફિકેશન માટે અમે તેમના જણાવ્યા મુજબ જૂનાગઢમાં પણ આ લોકોની સાચી ઓળખ શું છે તે અંગેની તપાસ હાથ ધરી હતી. જેમાં તેમના દ્વારા જણાવવામાં આવેલા નામ સાચા હોવાનું જાણવા મળ્યું છે. એક વ્યક્તિનું નામ સલમાનનાથ છે જેના કારણે લોકોને શંકા ગઈ હતી કે, તે બીજા ધર્મનો છે. પરંતુ તે પણ હિન્દુ ધર્મનો હોવાનું જાણવા મળ્યું છે.