દિવ્ય ભાસ્કરના વાચકો માટે દર સોમવારની સવારે ‘સાહેબ મિટિંગમાં છે’ વિભાગ આપીએ છીએ. આ વિભાગમાં નેતાજીઓ અને અધિકારીઓની અંદરની વાતોને રમૂજી શૈલીમાં પ્રસ્તુત કરવામાં આવી છે. સો, ટેક ઈટ ઈઝી… ધારાસભ્ય આખું વર્ષ શોર્ટકટ જ લેશે એવી નેતાઓ-કાર્યકારોમાં ચર્ચા
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી દ્વારા નવા વર્ષના દિવસે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ભાજપના એક ધારાસભ્યએ કેન્દ્રીય ગૃહ મંત્રીના નવા વર્ષમાં આશીર્વાદ લેવા માટે શોર્ટકટ અપનાવ્યો હતો. ભાજપના તમામ ધારાસભ્ય-નેતાઓથી લઈને કાર્યકર્તાઓ લાઈનમાં એક બાદ એક આશીર્વાદ લેવા માટે આવ્યા હતા, પરંતુ બધા ધારાસભ્યો આવી ગયા બાદ છેલ્લે આશીર્વાદ માટે આવેલા ધારાસભ્ય પોતે VVIP હોય તેમ પ્રોટોકોલ તોડી જ્યાંથી લોકો પર જતા હતા, ત્યાંથી સીધા અંદર આવી ગયા હતા અને કેન્દ્રીય ગૃહ મંત્રીના આશીર્વાદ લીધા હતા. નવા વર્ષમાં જ ભાજપના ધારાસભ્યએ શોર્ટકટ અપનાવ્યો છે, જેથી હવે આખું વર્ષ આ નેતા શોર્ટકટ જ અપનાવશે, તેવી ત્યાંના નેતાઓ- કાર્યકર્તાઓમાં ચર્ચા જાગી હતી. નજીકના માણસોને પૂર્વ કોર્પોરેટરે કોન્ટ્રાક્ટ અપાવીને પોતાની ગોઠવણ કરી લે છે પૂર્વ કોર્પોરેટરને કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ લેવામાં ખૂબ રસ
અમદાવાદના એક પૂર્વ કોર્પોરેટરને મ્યુનિસિપલ કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ લેવામાં ખૂબ રસ છે. પૂર્વ કોર્પોરેટરને અધિકારી જોડે ખૂબ સારી ગોઠવણ છે, જેના કારણે તેને કોઈપણ જગ્યાના કોન્ટ્રાક્ટ મળી જાય છે. તાજેતરમાં જ એક જગ્યાનો કોન્ટ્રાક્ટ મેળવવા માટે પૂર્વ કોર્પોરેટરે સફળતા મેળવી લીધી છે. આ જગ્યાનો કોન્ટ્રાક્ટ વિવાદાસ્પદ છે અને માથાભારે તત્વો ત્યાં કબજો જમાવી લે તેવી ચર્ચા જાગી છે. પૂર્વ કોર્પોરેટર તેમના નજીકના માણસોને કોન્ટ્રાક્ટ અપાવી અને પોતાનું ગોઠવણ કરી લે છે. સાથે અધિકારીને પણ સાચવી લે છે, ત્યારે આવા વિવાદાસ્પદ કોન્ટ્રાક્ટ મેળવી મ્યુનિસિપલ કોર્પોરેશન પોતાની જગ્યા પર દબાણો થાય તેવી પરિસ્થિતિનું જાતે નિર્માણ કરી રહ્યા છે. આગામી દિવસોમાં આ કોન્ટ્રાક્ટરને મંજૂરી આપવામાં આવશે કે કેમ તેને લઈને પણ હવે સવાલ ઉભા થયા છે. મહારાષ્ટ્રની ચૂંટણી આવતાં ધારાભ્યોના સ્નેહમિલન સમારોહ રદ
મહારાષ્ટ્રમાં ચૂંટણીમાં ગુજરાતના કેટલાક નેતાઓ અને ધારાસભ્યોને જવાબદારી સોંપવામાં આવી છે. જવાબદારીના પગલે નવા વર્ષના શરૂઆતથી જ નેતાઓને મહારાષ્ટ્ર જવું પડશે. જેના કારણે કેટલાંક ધારાસભ્યો પોતાના મતવિસ્તારમાં નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં નથી. નવા વર્ષની શુભેચ્છાઓ કાર્યકર્તાઓ અને લોકો સાથે દેવદિવાળી પછી તેવી શક્યતાઓ છે જોકે નવા વર્ષ શરૂ થયાના 15 દિવસ પછી સ્નેહ મિલન કાર્યક્રમનો કોઈ મતલબ નથી રહેતો, પરંતુ ચૂંટણીના કારણે કેટલાંક ધારાસભ્યોને ફરજિયાત જવું પડે તેમ છે તેમ કહી દીધું છે. જેના કારણે ચાલુ વર્ષે ધારાસભ્યોને સ્નેહમિલનનો ખર્ચો બચી ગયો છે. દિવાળી પહેલા રોડ રસ્તા સરખા કરવાનો વાયદો ફોક
દિવાળી પહેલા અમદાવાદના નાગરિકોને સારા રોડ આપવામાં ભાજપના નેતા ઢીલા પડ્યા છે. એક નેતાએ દિવાળી પહેલા રોડ સરખા થઈ જશે તેવા વાયદા કર્યા હતા, પરંતુ અમદાવાદમાં અનેક વિસ્તારોમાં આજે પણ ખાડા છે. આ નેતા પોતાના વિસ્તારમાં કામગીરી ઝડપી પૂરી કરાવી શક્યા નથી અને આખા શહેરનો રોડનો હવાલો તેમને સોંપી દેવામાં આવ્યો છે, પરંતુ આ નેતા એટલા ઢીલા પડે છે કે અધિકારીઓ ની પાસે કોઈ કામગીરી કરાવી શકતા નથી. ભાજપના નેતા માત્ર પોતાના રાજકીય ગોડ ફાધરના નામે પદ મેળવી ચૂક્યા છે પરંતુ નેતા શહેરીજનોને સારા રસ્તા આપી શક્યા નથી. ભૂતકાળના હોદ્દેદાર શહેરના રોડને લઈને ખૂબ ગંભીર હતા પરંતુ મુખ્યમંત્રીના સૂચના બાદ પણ ભાજપના આ નેતાને મુખ્યમંત્રી ની સૂચના નો અમલ કેવી રીતે કરાવો તેની કદાચ ખબર પડતી નથી જેના કારણે તેઓ ઢીલા પડ્યા હોવાની ચર્ચા છે. નેતાને હટાવાયા છતાં કાર્યકર્તાઓને મળશે એવો મેસેજ કર્યો
કેન્દ્રીય જળ શક્તિ મંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ દ્વારા અમદાવાદના એક નેતાને તેમના પદ પરથી દૂર કરાયા બાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં તેઓ ફરીથી એક્ટિવ થવાની તૈયારીઓ કરી રહ્યા છે. તમામ હોદ્દા પરથી મુક્ત કરવામાં આવેલા ભાજપના નેતાએ તાજેતરમાં નૂતન વર્ષનો સ્નેહમિલન કાર્યક્રમ પોતાના નિવાસસ્થાને રાખ્યો હતો. નવા વર્ષમાં શુભેચ્છાની આપ-લે કરવા માટે કાર્યકર્તાઓને નેતાજી મળશે એવો મેસેજ મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરોના વ્હોટ્સએપ ગ્રુપમાં કરવામાં આવતા ચર્ચા શરૂ થઈ હતી. જે નેતાને પદથી દૂર કરવામાં આવ્યા છે, છતાં પણ કોર્પોરેટરોના ગ્રુપમાં તેમના મેસેજ નાખવામાં આવતા કેટલાક હોદ્દેદારો અને કોર્પોરેટરોમાં નારાજગી ફેલાઈ હતી. કોર્પોરેટરોમાં ચર્ચા જાગી છે કે જ્યારે નેતા હતા ત્યારે કોઈને તરત મળતા નહોતા અને હવે નવા વર્ષની શુભેચ્છા મુલાકાત માટે કોર્પોરેટરોના ગ્રુપમાં મેસેજ કરાવવા પડ્યા છે. નારોલ કેમિકલ રિએક્શનને દબાવવાનો પ્રયાસ
અમદાવાદમાં નારોલ વિસ્તારમાં કેમિકલ રિએક્શનના કારણે 3 લોકોના મૃત્યુ થયા હોવાની ઘટના ગંભીર હોવા છતાં પણ આ ઘટનાને દબાવવાના પ્રયાસ કરવામાં આવ્યા હોવાની ચર્ચા છે. દેવી સિન્થેટિક પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાં ટેન્કર ખાલી કરતી વખતે થયેલી દુર્ઘટના બે લોકોના મૃત્યુ બાદ પણ સમગ્ર ઘટનામાં પડદો પાડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે. ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરી છે, પરંતુ નારોલ પોલીસ દ્વારા જે સીસીટીવી ફૂટેજ લેવામાં આવ્યા છે તેને જાહેર કરવામાં આવ્યા નથી. જેના કારણે સમગ્ર ઘટનાની ગંભીરતા બહાર ના આવે તેવા પ્રયાસો કરાયા છે. આ ફેક્ટરી મામલે કોઈપણ પ્રકારની વિગતો જાહેર કરવામાં આવી રહી નથી. જેને લઈ અનેક સવાલો ઉભા થયા છે. જો મુખ્યમંત્રી દ્વારા આ ગંભીર ઘટના મામલે તપાસ કરાવશે તો અનેક બાબત સામે આવી શકે તેમ છે.