અમદાવાદના ઈન્ટરનેશનલ એરપોર્ટથી જુદા-જુદા દેશોમાં મુસાફરી માટેની સુવિધાઓ તો વધી છે પણ એરપોર્ટ ઓથોરીટી મુસાફરોને અમુક પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવામાં પાછી પડી છે. દિવાળીના વેકેશન દરમિયાન નોંધપાત્ર રીતે દર વર્ષની જેમ આ વર્ષે પણ મુસાફરોની ભીડ વધી હતી. જોકે, આ તમામ મુસાફરોએ કોઈ ને કોઈ કારણોસર એરપોર્ટ પર હાલાકીનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે મુસાફરોએ પોતાનો રોષ સોશિયલ મીડિયા પર ઠાલવ્યો હતો. 70 ટકા લગેજ ટ્રોલીના વ્હીલ કામ કરતા નથી
સોશિયલ મીડિયા પર અમદાવાદ એરપોર્ટને ટેગ કરીને પ્રવાસીઓએ જુદી-જુદી બાબતે ફરિયાદ કરી હતી. એક યુઝરે લગેજ ટ્રોલીની વાત કરતા કહ્યું કે, અહીંની 70 ટકા લગેજ ટ્રોલીના વ્હીલ કામ કરતા નથી. મુસાફરો માટે માલ-સામાન લઈ જવાની ટ્રોલીની સ્થિતિ દયનીય છે. આ ટ્રોલી મુસાફરોને સુવિધાની જગ્યાએ દુવિધા આપી રહી છે. અન્ય એક મુસાફરે એરપોર્ટ પરના સિક્યુરિટી સ્ટાફના વર્તન અંગે ફરિયાદ કરતા લખ્યું હતું કે, લગભગ રાતના 1:00 વાગ્યાની આસપાસ અમદાવાદના ટર્મિનલ-2 પાસે લાંબા સમયથી એક ટેક્સી પાર્ક કરેલી હતી પરંતુ, આ સિક્યુરિટી ગાર્ડે તેને ખસેડવાની બદલે મારા પરિવારના વૃદ્ધ સાથે ગેરવર્તણૂક કરી હતી. ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું
દેશભરમાં જ્યારે સ્વચ્છ ભારત મિશન ચાલી રહ્યું છે ત્યારે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ગંદકીએ સામ્રાજ્ય જમાવ્યું છે. અમદાવાદ એરપોર્ટને ટેગ કરીને યૂઝરે લખ્યું હતું કે, અમદાવાદ ફૂડ કોર્ટમાં આટલી ગંદકી યોગ્ય નથી. એરપોર્ટ ઓથોરિટીએ આ બાબતે તાત્કાલિક કડક પગલાં હાથ ધરી અને સ્વચ્છતા જાળવવી જોઈએ. આ ઉપરાંત અન્ય એક ટ્વીટર યુઝરે અમદાવાદ એરપોર્ટ પરના ટેક્સી ડ્રાઇવર વિશે ફરિયાદ કરતાં લખ્યું હતું કે, મારી દીકરી કે જે અન્ય શહેરમાંથી અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ મારફતે આવી હતી. તેણે જ્યારે ઉબર ટેક્સી લીધી તો ડ્રાઇવરે પાર્કિંગ ફીના 60 રૂપિયા વધારે વસૂલ કર્યા હતા. જ્યારે તેને પૂછવામાં આવ્યું તો કહ્યું કે, તમારી સવારી લેતા પહેલા જે અમે પાર્કિંગમાં ઊભા હતા તેનો આ ચાર્જ લીધો છે. તેથી, આ યુઝરે અમદાવાદ એરપોર્ટને શું આ યોગ્ય છે? એવો સવાલ કર્યો હતો. એક કપ ચા માટે એક કલાક કરતાં પણ વધુ રાહ જોવી પડે છે
અન્ય બે ટ્વિટર યુઝરે એરપોર્ટના લાઉન્જ વિશે ફરિયાદ કરી હતી. જેમાંથી એક મુસાફરે જણાવ્યું હતું કે, અમદાવાદ એરપોર્ટ પર ઇન્ટરનેશનલ ટર્મિનલ પરની લાઉન્જમાં સુધારો કરવાની ખાસ જરૂરિયાત છે. એરપોર્ટ પરની લાઉન્જમાં ફક્ત એક કપ ચા માટે એક કલાક કરતાં પણ વધુ સમય માટે રાહ જોવી પડે છે, તે યોગ્ય નથી. આ બાબતે અમદાવાદ એરપોર્ટે તુરંત જ કાર્યવાહી હાથ ધરવી જોઈએ.