અમદાવાદમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયનું તાળું તસ્કરોએ તોડ્યુ હોવાનું સામે આવ્યું છે. પાર્ટી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે કે, મહત્વના દસ્તાવેજો ચોરાયા હોવાની અમને શંકા છે. જો કે, આ મામલે પોલીસે પ્રાથમિક તપાસ હાથ ધરી છે. પાર્ટી દ્વારા શેની શેની ચોરી થઈ છે તે વિગત સાથે પોલીસ ફરિયાદ કરવામાં આવશે તેવું જાણવા મળ્યું છે. કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી સંબંધીના ઘરે ગયો હતો
આમ આદમી પાર્ટી તરફથી જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં સામાન્ય માણસ તો છોડો રાજનૈતિક પાર્ટીના કાર્યાલય પણ સુરક્ષિત નથી. દિવાળી વેકેશન હોય મોટાભાગના કર્મચારીઓ રજા પર છે. ત્યારે કાર્યાલયની દેખભાળ કરતો કર્મચારી બપોરે કાર્યાલયને તાળુ મારીને પોતાના સંબંધીને ત્યાં ગયો હતો. સાંજે 7 વાગ્યે કાર્યાલય પર પરત ફરતા પાર્ટી કાર્યાલયના મુખ્ય દરવાજાનું તાળુ તુટેલી હાલતમાં હતું. ત્યારબાદ આ કર્મચારી દ્વારા પાર્ટીના અન્ય પદાઘિકારીઓને જાણ કરાતા તેઓ કાર્યલય પર પહોંચ્યા હતા અને 100 નંબર કોલ કરીને પોલીસને જાણ કરવામાં આવી હતી. દસ્તાવેજો અને ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવી
વધુમાં જણાવ્યું છે કે, હાલ કાર્યાલયમાંથી શું ચોરાયુ છે તેની તપાસ કરી રહ્યા છીએ. પરંતુ એક વિપક્ષી પાર્ટીના કાર્યાલયમાં ચોર પૈસાની લાલચે તો આવ્યા નહીં જ હોય. અમને શંકા છે કે, પાર્ટીના મહત્વના દસ્તાવેજો અને ડેટા ચોરીના આશયથી ચોરી કરવામાં આવી છે. ગતરાત્રે પોલીસ કાર્યાલય પર પ્રાથમિક તપાસ કરી ગઈ છે. આજે વિગતો સાથે પાર્ટી દ્વારા FIR નોંધવા માટે ફરિયાદ આપવામાં આવશે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીના ચેમ્બરમાંથી અગત્યના ડોક્યુમેન્ટ ચોરી થવાની આશંકા છે. અગત્યના ડોક્યુમેન્ટ ચોરાય ગયાની શંકા છે
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં આમ આદમીનું ઘર તો ઠીક પણ આમ આદમી પાર્ટીનું કાર્યાલય પણ સુરક્ષિત નથી. ગઈકાલે આમ આદમી પાર્ટીના પ્રદેશ કાર્યાલયથી મને ફોન આવ્યો હતો. કાર્યાલયની ટીમ છે એ રજા પર હતી ત્યારે અચાનક જ તાળા તોડી આમ આદમી પાર્ટીના કાર્યાલયમાંથી ચોરી થઈ છે. બહુ જ ગંભીર બાબત છે. આમ આદમી પાર્ટીના કાર્યાલયમાં એવું તો કશું હશે નહીં. સ્વાભાવિક છે કે રોકડ રકમ કે સોનું ન હોય તો ચોરીની ભાવના શું હશે? પરંતુ જે રીતે મને માહિતી મળી છે એ પ્રમાણે કાર્યાલયનો બહારનો દરવાજો લોક હતો તે તોડવામાં આવ્યો, અંદર ઓફિસનો દરવાજો છે એ તોડવામાં આવ્યો, તેની ઉપર કોન્ફરન્સ રૂમ અને મારી ચેમ્બરમાં જ્યાંથી બહારથી દરવાજો લોક હતો તે તોડી એલઇડી ટીવી, અગત્યના ડોક્યુમેન્ટ ચોરાય ગયાની શંકા છે. એલઇડી ટીવી મારી ચેમ્બરમાંથી ગયું છે
વધુમાં જણાવ્યું હતું કે, અમારી સ્ટ્રેટેજીના ડોક્યુમેન્ટ હશે. ભવિષ્યના પ્લાનિંગ હશે તેના ડોક્યુમેન્ટ હશે. અમે જે સ્ટ્રેટેજી બનાવવાના હોઈશું તેના ડોક્યુમેન્ટ હશે. આના સિવાય શું હશે કાર્યાલયમાં? આ ચોરી થઈ છે એ ખૂબ ગંભીર બાબત છે. હું હજી કાર્યાલય પહોંચ્યો નથી પણ જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે એલઇડી ટીવી મારી ચેમ્બરમાંથી ગયું છે. સાથેસાથે કેટલાક કાગળિયાઓ પણ ગયા છે. મહત્વના ડોક્યુમેન્ટ હોવાની શક્યતા છે. આ બહુ જ ગંભીર બાબત છે. આ ગુજરાતમાં કોઈ સુરક્ષિત નથી. આ ભાજપ સરકાર ક્યાં લઈ જશે એ કોઈને ખબર નથી. તમે વિચાર કરો, કાર્યાલય અને તેમાં રહેલા ડોક્યુમેન્ટ સુરક્ષિત ન હોય તો એટલે શું થયું. તુરંત
મુખ્યમંત્રીએ મિટિંગ લઈ ગંભીર બાબતમાં ચોરી થઈ રહી છે તે અંગે એક્શન લેવા જોઈએ.