દુનિયાની મહાસત્તા ગણાતા અમેરિકાની ચૂંટણીનું પરિણામ આવવા આડે 24 કલાક બાકી છે. વિશ્વભરની નજર આ ચૂંટણી પરિણામો પર છે. ડોનાલ્ડ ટ્રમ્પ આવશે કે કમલા હેરિસ? આ સવાલ દરેકના મનમાં છે જેનો જવાબ ટૂંક સમયમાં મળી જશે. પણ ભારતના લોકોને સવાલ એ છે કે, ટ્રમ્પ આવે તો શું અને કમલા હેરિસ રાષ્ટ્રપતિ બને તો ભારતનું શું? નમસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પનું ભારત માટે થોડું કડક વલણ રહ્યું છે. ચૂંટણી પ્રચારમાં પણ તેમણે હાર્લિ ડેવિડસન બાઈકનો મુદ્દો ઉઠાવ્યો હતો. ભારતીયોને વિઝા આપવામાં ટ્રમ્પ વધારે કડક છે. તેની સામે કમલા હેરિસનું ભારત વિરોધી વલણ નથી પણ તે અવાર નવાર ભારતની આંતરિક બાબતોમાં દખલ આપતાં રહ્યાં છે. ખાસ કરીને કલમ 370 મામલે. હવે જોવાનું એ છે કે અમેરિકામાં રાષ્ટ્રપતિનો તાજ કોના શિરે જશે અને તેનાથી ભારતને શું ફાયદો અને નુકસાન થશે. વાત આગળ વધારીએ તે પહેલાં અમેરિકાની ચૂંટણીને સમજી લો… અમેરિકાની ચૂંટણી પ્રક્રિયા કેવી છે?
બંને ઉમેદવારોએ ચૂંટણી જીતવા માટે ઇલેક્ટ્રોલ કોલેજ વોટ મેળવવાના હોય છે. દરેક રાજ્ય માટે ચોક્કસ સંખ્યામાં ઇલેક્ટ્રોલ કોલેજ વોટ નક્કી થયેલા છે અને તેના નિર્ધારણમાં રાજ્યની વસતિ પણ આંશિક ભૂમિકા ભજવે છે. આવા કુલ 538 ઇલેક્ટ્રોલ કોલેજ વોટ છે, જેમાંથી વિજેતા બનવા માટે 270 કે તેથી વધુ મત મેળવવાના રહે છે. આનો મતલબ એ થયો કે વિજેતાનો નિર્ણય રાષ્ટ્રીયસ્તરે એક ચૂંટણી દ્વારા નહીં, પરંતુ રાજ્યસ્તરની ચૂંટણીમાં થાય છે. એટલે જ કોઈ ઉમેદવારને રાષ્ટ્રીયસ્તરે કુલ વધુ મત મળે તો પણ તે વિજેતા ન બને. કારણ કે ઇલેક્ટ્રોલ કોલેજમાં તેનો પરાજય થયો હોય. 2016માં હિલેરી ક્લિન્ટન સાથે આવું જ થયું હતું. મહત્વ તો બંને પાર્ટીઓનું છે
અમેરિકામાં બે મુખ્ય રાજકીય પાર્ટી છે. ડેમોક્રેટિક પાર્ટી, જેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર કમલા હેરિસ છે. બીજી છે રિપબ્લિકન પાર્ટી, જેના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ છે. બંનેમાંથી કોણ રાષ્ટ્રપતિ બને છે તે મહત્વનું છે. અમેરિકાની સંસદના બે ભાગ છે. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ અને સેનેટ. હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવની તમામ 435 તથા સેનેટની 33 બેઠક પર મતદાન યોજાશે. હાઉસમાં રિપબ્લિકનોનું પ્રભુત્વ છે, તો સેનેટમાં ડેમોક્રેટિકની બહુમતી છે. આ બંને ગૃહ કોઈપણ કાયદા પર મહોર મારે છે એટલે વ્હાઇટ હાઉસમાં સત્તારૂઢ પક્ષના રાષ્ટ્રપતિની યોજના સાથે બંને ગૃહ સહમત હોવા જોઈએ. વિપક્ષોનું પણ અહીં એટલું જ મહત્વ છે. કયા રાજ્યમાં કોનું પ્રભુત્ત્વ?
અમેરિકાનાં 50 રાજ્યોને સામાન્ય રીતે ત્રણ વિભાગોમાં વહેંચવામાં આવતાં હોય છે. રેડ સ્ટેટ્સ: આ રાજ્યો પરંપરાગત રીતે રિપબ્લિકન પાર્ટીનો ગઢ ગણાય છે અને ત્યાં તેમના ઉમેદવારની આસાન જીતની સંભાવના હોય છે. જેમ કે ઓહાયો, વેસ્ટ વર્જિનિયા, ઓક્લાહામા. બ્લૂ સ્ટેટ્સ: આ રાજ્યો પરંપરાગત રીતે ડેમોક્રેટિક પાર્ટીનો ગઢ ગણાય છે અને ત્યાં તેમના ઉમેદવારની આસાન જીતની સંભાવના હોય છે. જેમ કે વોશિંગ્ટન, ન્યૂયોર્ક. પર્પલ સ્ટેટ્સ: આ રાજ્યોને સ્વિંગ સ્ટેટ્સ ગણવામાં આવે છે જ્યાં બંને પક્ષો વચ્ચે જબરદસ્ત ટક્કર થાય છે, અહીં કોઈની જીતની ભવિષ્યવાણી થઈ શકતી નથી. આથી, જ આ રાજ્યો જ અમેરિકાના નવા પ્રમુખ નક્કી કરે છે એમ કહી શકાય. આ સાત રાજ્યોમાં એરિઝોના, વિસ્કોન્સિન, મિશિગન, નોર્થ કેરોલાઈના, જ્યોર્જિયા, પેન્સિલવેનિયા અને નેવાડાનો સમાવેશ થાય છે. પરિણામ નક્કી કરવામાં આ સાત રાજ્યોની ભૂમિકા મહત્વની છે એટલે તેને સ્વિંગ સ્ટેટ્સ કહેવાય છે. ભારત અને અમેરિકાનો ચૂંટણી તફાવત સમજો ભારત ઉપલું ગૃહ-રાજ્યસભા : 250 બેઠકો નીચલું ગૃહ-લોકસભા : 543 બેઠકો વડાપ્રધાનને ચૂંટવા માત્ર લોકસભાની ચૂંટણી થાય છે અમેરિકા ઉપલું ગૃહ-સેનેટ : 100 ઈલેક્ટોરલ વોટ નીચલું ગૃહ- હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ 438 ઈલેક્ટોરલ વોટ રાષ્ટ્રપતિને ચૂંટવા માટે સેનેટ ઓફ હાઉસ ઓફ રિપ્રેઝેન્ટેટિવ્સ, બંને ગૃહોની ચૂંટણી થાય હવે વાત કમલા હેરિસ અને ડોનાલ્ડ ટ્રમ્પની… કોણ છે ડોનાલ્ડ ટ્રમ્પ?
ડોનાલ્ડ જોન ટ્રમ્પ અમેરિકન પોલિટિશિયન તો છે જ પણ વ્યવસ્યાયે તે મીડિયા ટાઈકૂન, બિઝનેસમેન છે. 2017થી 2021 સુધી ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના રાષ્ટ્રપતિ હતા. 1968માં ટ્રમ્પ પેન્સિલવેનિયામાંથી ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએટ થયા. 1971માં તેમના પિતાએ પરિવારના રિયલ એસ્ટેટ બિઝનેસમાં તેને સામેલ કર્યા. તેણે પરિવારની કંપનીનું નામ બદલીને ટ્રમ્પ ઓર્ગેનાઈઝેશન કરી નાખ્યું અને પોતાનું ધ્યાન ગગનચૂંબી ઈમારતો બનાવવામાં, હોટેલ્સ, કેસિનો, ગોલ્ફ કોર્સ બનાવવામાં લગાવ્યું. 2004થી 2015 સુધી તે રિયાલિટી ટેલિવિઝન સિરિઝ ધ એપરેન્ટિસના કો-પ્રોડ્યુસર બન્યા. ડોનાલ્ડ ટ્ર્મ્પે ત્રણ લગ્ન કર્યાં છે. પહેલા લગ્ન 1977માં ઓલિમ્પિક ખેલાડી ઈવાના સાથે કર્યા. આ લગ્ન 14 વર્ષ ટક્યા. પહેલી પત્નીથી ત્રણ સંતાન છે. તેમાં દીકરી ઈવાન્કા ટ્રમ્પ જાણીતું નામ છે. એ પછી 1993માં એક્ટ્રેસ માર્લા સાથે બીજા લગ્ન કર્યાં. તેનાથી એક પુત્રી છે. આ લગ્ન 6 વર્ષ ટક્યા. ત્રીજા લગ્ન 2005માં મેલાનિયા નામની મોડેલ સાથે કર્યા. તેનાથી બે દીકરા છે. 2001થી ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના રાજકારણમાં એન્ટ્રી કરી. 2001થી 2008 સુધી ડેમોક્રેટિક પાર્ટી અને 2009થી રિપબ્લિકન પાર્ટીમાં રહીને રાજકીય ગતિવિધિઓમાં એક્ટિવ રહ્યા. 2016માં રિપબ્લિકન પાર્ટીમાંથી જ રાષ્ટ્રપતિપદના ઉમેદવાર તરીકે ચૂંટણી લડ્યા ને ચૂંટાઈ આવ્યા. 2017માં અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો. જ્યારે ગઈ ટર્મમાં અમેરિકાની ચૂંટણીમાં ટ્રમ્પની હાર થઈ અને બાઈડેનની જીત થઈ ત્યારે ટ્રમ્પ સમર્થકોએ ન્હાઈટ હાઉસમાં તોડફોડ કરીને હિંસા ફેલાવી હતી. ડોનાલ્ડ ટ્રમ્પ હવે ફરીથી ચૂંટણી લડી રહ્યા છે. કોણ છે કમલા હેરિસ?
તેનું આખું નામ કમલા દેવી હેરિસ છે. અમેરિકાના પહેલાં મહિલા ઉપરાષ્ટ્રપતિ છે. કમલા દેવી હેરિસનો જન્મ કેલિફોર્નિયાના ઓકલેન્ડમાં થયો હતો. તેમનાં માતા શ્યામલા ગોપાલન તમિલ ભારતીય જીવવિજ્ઞાની હતાં અને બ્રેસ્ટ કેન્સર પર મોટું કામ કર્યું છે. શ્યામલા ગોપાલન અમેરિકા આવ્યાં અને ત્યાં તેમણે ડોનાલ્ડ જે. હેરિસ સાથે લગ્ન કર્યાં. શ્યામલા અને ડેવિડને બે પુત્રીઓ થઈ. એકનું નામ માયા અને બીજીનું નામ કમલા. બંને બહેનો નાની હતી ત્યારથી માતાએ જ તેમને તૈયાર કરી. કારણ કે, કમલાની ઉંમર સાત વર્ષની હતી ત્યારે માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા. બંને બહેનો તેની માતા સાથે ક્યૂબેકના મોન્ટ્રિયલમાં રહેવા ચાલી ગઈ. કમલા હેરિસે કાયદાનો અભ્યાસ કર્યો અને તે પછી 1986માં હાવર્ડ યુનિવર્સિટીમાંથી પોલિટિકલ સાયન્સ અને ઈકોનોમિક્સમાં ગ્રેજ્યુએશન કર્યું. વકીલાત કરી હતી એટલે તે કેલિફોર્નિયા કોર્ટમાં ક્રિમિનલ ડિવિઝનનાં પ્રમુખ બન્યાં. 2010માં કમલા હેરિસે અમેરિકાના પોલિટિક્સમાં એન્ટ્રી કરી. 2011માં રિપબ્લિકન લોસ એજલન્સ કાઉન્ટી સ્ટેટનાં પહેલા મહિલા એટોર્ની જનરલ બન્યાં. બીજી ટર્મમાં તે ચૂંટાયાં. કમલા હેરિસે આ દરમિયાન લોકોને અઘરા પડતા કાયદામાં કેવી સરળતા રહે તે માટે ઘણા સુધારા સૂચવ્યા અને લોકોમાં તે લોકપ્રિય બન્યાં. કમલાએ 2020ની ડેમોક્રેટિક પ્રેસિડેન્શિયલ નોમિનેશનની માંગ કરી હતી, પરંતુ પ્રાઈમરી રેસમાંથી જ બહાર નીકળી ગયાં હતાં. જો બાઈડેન ઉપરાષ્ટ્રપતિ હતા ત્યારે તેમણે ઓગસ્ટ 2020માં કમલા હેરિસને તેમના રનિંગ મેટ તરીકે પસંદ કર્યાં હતાં અને નવેમ્બર 2020ની ચૂંટણીમાં હેરિસે જીતી મેળવી હતી. કમલા હેરિસે 20 જાન્યુઆરી, 2021ના દિવસે ઉપરાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતા. તે અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ બન્યાં હતાં. અમેરિકનો એક મહિલાને રાષ્ટ્રપતિ તરીકે સ્વિકારશે?
અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી છે અને સવાલ એ છે કે શું અમેરિકા ડોનાલ્ડ ટ્રમ્પની સામે ઉભેલી મહિલાને રાષ્ટ્રપતિ તરીકે સ્વીકારવા તૈયાર છે? ખાસ કરીને કમલા હેરિસને. આ પ્રશ્ન દરેકના મનમાં છે અને તેનો જવાબ આવતીકાલે મળી જશે. અમેરિકાએ 1789થી અત્યાર સુધીમાં 46 પ્રમુખો ચૂંટ્યા છે. તેમાંથી એક બરાક ઓબામા સિવાય બાકીના બધા શ્વેત પુરૂષ મળ્યા છે. આ એક એવો દેશ છે જે પોતાને વિશ્વની સૌથી જૂની લોકશાહી કહે છે. હકીકત એ છે કે આ દેશે ક્યારેય કોઈ મહિલાને રાષ્ટ્રપતિ તરીકે પસંદ કરી નથી. આ બતાવે છે કે અમેરિકનોના મનમાં સ્ત્રી દ્વેષની ભાવનાના મૂળિયાં ઊંડે સુધી પ્રસરી ગયાં છે. જો કે, તાજેતરના દાયકાઓમાં જેન્ડર રોલ પ્રત્યેના દ્રષ્ટિકોણમાં નોંધપાત્ર ફેરફાર જોવા મળ્યો છે. ડેમોક્રેટિક પાર્ટીના હિલેરી ક્લિન્ટનની 2016ની ઉમેદવારીએ આ છાપ ભૂંસી નાખી. પછી ભલે તે રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ સામે ચૂંટણી હારી ગયાં પણ એકવાર ચૂંટણી લડ્યાં તો ખરાં જ. 2016માં ઘણી મહિલાઓએ સ્વીકાર્યું કે તેમણે હિલેરી ક્લિન્ટનને મત આપ્યો નથી. કારણ કે તે મહિલા રાષ્ટ્રપતિની કલ્પના કરી શકતા નહોતા. રાષ્ટ્રપતિ તરીકે મહિલા ન હોવી જોઈએ, એવું માનનારા મતદારોની સંખ્યા પેન્સિલવેનિયા, મિશિગન અને વિસ્કોન્સિન જેવા સ્વિંગ સ્ટેટમાં વધારે છે. આ મતદારોને ચૂંટણીના પરિણામ બદલવામાં મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ વોટર્સ કમલા હેરિસ માટે અવરોધરૂપ સાબિત થઈ શકે. કમલા VS ટ્રમ્પ: ભારત માટે કોણ સારું? ચીન કોને ઈચ્છે છે? ટ્રમ્પ ને કે કમલા હેરિસને?
ચીન અને અમેરિકા વચ્ચેનો તણાવ જાણીતો છે. બંને ઘણીવાર એકબીજાને પડકારતા અને નીતિઓ પર સવાલ ઉઠાવતા જોવા મળે છે. અમેરિકામાં સત્તા પર કોઈ પણ હોય, ચીન સાથેની દુશ્મનાવટ ક્યારેય ઓછી થતી નથી. આવી સ્થિતિમાં ચીને સ્પષ્ટ કર્યું છે કે તે કોને રાષ્ટ્રપતિ પદે જોવા માગે છે. ચીનની રાષ્ટ્રીય સલાહકાર સંસ્થા CPPCCની સ્થાયી સમિતિના મુખ્ય વરિષ્ઠ સભ્ય જિયા કિંગગુઓએ જણાવ્યું હતું કે ચીન અમેરિકાના આગામી રાષ્ટ્રપતિ તરીકે કમલા હેરિસને પસંદ કરશે. તેમણે કહ્યું કે, ટ્રમ્પના પ્રેસિડેન્ટ કાળ દરમિયાન ચીન-અમેરિકાના દ્વિપક્ષીય સંબંધોમાં ઓટ આવી હતી. ચાઇનીઝ પીપલ્સ પોલિટિકલ કન્સલ્ટેટિવ કોન્ફરન્સ (CPPCC) એ ચીની સરકારનો એક મહત્વપૂર્ણ ભાગ છે. જિયાએ કહ્યું કે, ચીન કમલા હેરિસને પ્રાથમિકતા આપશે કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટ દરમિયાન અમારો અનુભવ ઘણો ખરાબ રહ્યો છે. અમે તે અનુભવનું પુનરાવર્તન કરવા માંગતા નથી. ટ્રમ્પના પ્રમુખપદ દરમિયાન ચીન અને અમેરિકા વચ્ચે ઘણો તણાવ હતો. ચીનનું માનવું છે કે બાઈડેનની સરકારમાં ઉપરાષ્ટ્રપતિની ભૂમિકા ભજવનાર કમલા હેરિસ નાગરિકોના હક્કોનું પ્રતિનિધિત્વ કરે છે. CPPCCના વરિષ્ઠ સભ્ય જિયા કહે છે કે, જો બાઈડને ચીન સામેની કઠોર નીતિઓને આગળ ધપાવી હતી જે ટ્રમ્પના વહીવટ દરમિયાન બનાવવામાં આવી હતી. પણ બાઈડન ટ્ર્મ્પ કરતાં લિબરલ રહ્યા હતા જેથી ચીનને ઓછું નુકસાન થયું હતું. છેલ્લે, ફેબ્રુઆરી 2020માં ડોનાલ્ડ ટ્ર્મ્પ અમદાવાદ આવ્યા હતા અને સાબરમતી ગાંધી આશ્રમની મુલાકાત લીધી હતી. તેમણે ઓપિનિયન બૂકમાં ચાર લાઈન લખી હતી. આ ચાર લાઈનમાં ગાંધીજી કે સાબરમતી આશ્રમનો ઉલ્લેખ પણ નહોતો. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિચર્સ : યશપાલ બક્ષી)