back to top
Homeગુજરાતઅમદાવાદનો 16 વર્ષનો છોકરો, 60 કિ.મી દૂર લાશ મળી:છેલ્લો કોલ STD બૂથથી...

અમદાવાદનો 16 વર્ષનો છોકરો, 60 કિ.મી દૂર લાશ મળી:છેલ્લો કોલ STD બૂથથી આવ્યો, મર્ડર મિસ્ટ્રીમાં ચોંકાવનારો વળાંક, પાર્ટ-1

અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતો 16 વર્ષનો ભાર્ગવ ઘરેથી ક્રિકેટ રમવા માટે નીકળ્યો અને પાછો જ ન ફર્યો. ઘરથી લગભગ 60 કિલોમીટર દૂર તલોદ જવાના રસ્તે એક નાળામાં તેની લાશ મળી આવી. શરીરનો ઘણો હિસ્સો બળી ચૂક્યો હતો. ઓળખ કરવી પણ મુશ્કેલ હતી. બીજી તરફ અમદાવાદમાં ભાર્ગવના પરિવારજનો ઊંચા-નીચા થઈ ગયા. તેમને જરા પણ અંદાજો ન હતો કે તેઓ જે દીકરાની શોધખોળ કરી રહ્યા છે, તેની હત્યા થઈ ચૂકી છે અને ઝાળીઝાંખરા વચ્ચે અત્યંત ખરાબ હાલતમાં તેની લાશ પડી છે. ભાર્ગવમાં એટલી હિંમત તો હતી જ નહીં કે તે એકલો અમદાવાદ બહાર જઈ શકે. ન કોઈ સાથે દુશ્મનાવટ, ન તો હત્યાનો કોઈ પુરાવો. સવાલ એ હતા કે ભાર્ગવની હત્યા કોણે અને શા માટે કરી? કોણ તેને ઘરથી આટલે દૂર લઈ ગયું અને જીવ લઈ લીધો? ગુજરાતમાં બનેલી ગુનાખોરીના અસામાન્ય કિસ્સાને સાંકળીને દિવ્ય ભાસ્કરે એક સિરિઝ શરૂ કરી છે. તેનો આ પહેલા એપિસોડ છે. એક એવો કેસ જેણે આજથી 17 વર્ષ પૂર્વે માત્ર અમદાવાદ જ નહીં ઉત્તર ગુજરાતના ગામડાના લોકોને હચમચાવી નાખ્યા હતા. આ કેસનો ઉકેલવા માટે પોલીસે પણ ઘણી જ મથામણ કરવી પડી હતી. 2007નું વર્ષ અને જૂન મહિનાની 7મી તારીખ. પ્રાંતિજના તલોદ પાસે આવેલા દલાની મુવાડી ગામની સીમમાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. વાયુવેગે વાત ફેલાઇ ગઈ કે એક લાશ મળી છે. હત્યા બાદ સળગાવવાનો પ્રયાસ થયો હતો. પરંતુ વરસાદની મોસમ હતી એટલે લાશ અને હત્યારાના ઇરાદા બન્ને પર પાણી ફરી વળ્યું હતું. ગામમાં લાશ મળ્યાની વાત ફેલાતા જ મહિલા સરપંચના પતિ કેદારસિંહ વખતસિંહ ઝાલા ઘટનાસ્થળે દોડી ગયા. જઈને જોયું તો મૃતકની છાતી અને ગળાના ભાગે ઈજાના નિશાન હતા. એટલે કેદારસિંહે સ્થાનિક પોલીસને બનાવની જાણ કરી અને ઢળતી સાંજે પ્રાંતિજ પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ. પોલીસ ઇન્સ્પેક્ટર કે.વી.સગરે ઘટનાસ્થળનું નિરિક્ષણ કરીને તરત જ હત્યા અને પુરાવાનો નાશ કરવાનો ગુનો નોંધવાનો આદેશ કરી દીધો. પંચનામું કર્યું અને લાશના ફોટા પાડીને આસપાસના જિલ્લાઓની પોલીસને મોકલી દીધા, જેથી મૃતકની ઓળખ થઈ શકે. હત્યારાને શોધવા માટે આ પહેલું પગલું હતું. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં રહેતા ભાર્ગવના મમ્મી અને અન્ય પરિવારજનો શોધખોળ કરી રહ્યા હતા. 24 કલાક થઈ ચૂક્યા હતા. દીકરો ન મળતા તેમણે સોલા હાઇકોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી. આ દરમિયાન પ્રાંતિજ પોલીસે મોકલેલા લાશના ફોટા સોલા પોલીસ સ્ટેશને પણ પહોંચ્યા. પોલીસે ભાર્ગવના પરિવારને એ ફોટા બતાવ્યા પણ એ લોકોને વાત જ ગળે નહોતી ઉતરતી કે ભાર્ગવની હત્યા થઈ ગઈ છે. કેમ કે ભાર્ગવનો કોઈ જીવ લઈ લે એવું કોઈન કારણ જ દેખાતું ન હતું. એટલે પોલીસની એક ટીમ ભાર્ગવના પરિવારને લઈને તરત જ પ્રાંતિજ દોડી ગઈ. જેથી લાશની ઓળખ થઈ શકે. પ્રાંતિજ પોલીસે લાશનો કબજો લઈને ઓળખ માટે એક જગ્યાએ રાખી મૂકી હતી. ભાર્ગવની માતાને ત્યાં લઈ જવામાં આવ્યા. લાશના ચહેરા પરથી કપડું હટાવ્યું અને એ જ ક્ષણે ભાર્ગવની મમ્મી હેબતાઈ ગઈ. 16 વર્ષના દીકરાની લાશ આંખો સામે હતી. જેને શોધવા માટે છેલ્લા 24 કલાક કરતાં પણ વધુ સમય દોડધામ કરી એ દીકરો મૃત અને અર્ધસળગેલી હાલતમાં મળતા માતા ભાંગી પડી. બે પોલીસ સ્ટેશનના કર્મચારીઓ સામે માતાએ કબૂલ્યું કે હા..આ મારા જ લાડકવાયાની લાશ છે. એની આવી હાલત કરનારને છોડતા નહીં. 16 વર્ષના માસુમની હત્યાનો કેસ પોલીસ માટે એક કોયડો બનવાનો હતો. આ હત્યા કેસના બીજ લાશ મળી તેના થોડાક દિવસ પહેલા અમદાવાદમાં જ રોપાયા હતા. સંજય ચૌહાણ નામનો યુવક અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં માનસી સર્કલ પાસે IELTSના ક્લાસ ચલાવતો હતો. તેના પિતા સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા હતા. સંજયને ક્લાસિસની સાથે અન્ય જગ્યાએ રોકાણ કરીને પૈસા કમાવવાનો વિચાર આવ્યો. એટલે તેણે એક પટેલ બિલ્ડરની સ્કીમમાં 26 લાખ રૂપિયા ડાઉન પેમેન્ટ ભરીને બંગલો બૂક કરાવ્યો હતો. સંજયની ગણતરી એવી હતી કે બંગલો બની જશે ત્યારે ભાવ ઊંચકાશે. એ સમયે બંગલો વેચી દઈશ તો સારો નફો મળશે. પણ તેની ગણતરી ઊંધી પડી. તે બિલ્ડરને 26 લાખ રૂપિયા આપ્યા બાદ બાકીના પૈસા ચૂકવી ન શક્યો. બીજી તરફ બિલ્ડરે બધા બંગલા બનાવ્યા ન હતા. એટલે કે સ્કીમ તૈયાર નહોતી થઈ. થોડો સમય પછી રૂપિયાની તાણ પડી એટલે સંજયે બિલ્ડર પાસે 26 લાખ રૂપિયા પરત માગ્યા હતા. પરંતુ બિલ્ડરે કહ્યું કે કરાર મુજબ તારે પુરું પેમેન્ટ કરવું પડે. અધવચ્ચે તો હું પૈસા પરત ન આપી શકું. બિલ્ડરે પૈસા પાછા આપવાની ના પાડતાં સંજય બરોબરનો ગુસ્સે ભરાયો હતો. બન્ને વચ્ચે ઝઘડો પણ થયો હતો. નાણાંકીય ભીડ પણ વધી ગઈ હતી. એટલે તે કોઈપણ ભોગે રૂપિયા પરત મેળવવા માગતો હતો. પટેલ બિલ્ડરને કેવી રીતે આંટીમાં લઈ શકાય એ દિશામાં તેણે વિચારવાનું શરૂ કર્યું. સંજયે બિલ્ડરની તમામ ગતિવિધિ ટ્રેક કરવા માટે દિવસ-રાત એક કરી દીધા. પીછો કરતાં સંજયને ખબર પડી કે પટેલ બિલ્ડર સેટેલાઈટની એક સોસાયટીમાં અવારનવાર આવતો-જતો રહે છે. જોગાનુજોગ સંજયના પિતા પણ આ જ સોસાયટીમાં સિક્યોરિટી ગાર્ડની નોકરી કરતા હતા. એટલે સંજયની ગતિવિધિ કોઈ અન્ય વ્યક્તિના ધ્યાને આવી જ ન શકી. સેટેલાઈટની આ સોસાયટીમાં જ્યારે પટેલ બિલ્ડર આવતો ત્યારે સંજય પણ તેની પાછળ-પાછળ આવતો હતો. સંજયે ઘણા દિવસોની રેકી બાદ નોંધ્યું કે પટેલ બિલ્ડર કોઈ એક ચોક્કસ ઘરમાં દાખલ થાય છે અને પછી બહાર આવે છે. એટલે તેણે માની લીધું કે બિલ્ડર પોતાના પરિવાર સાથે આ સોસાયટીમાં રહે છે. સંજયના ધ્યાનમાં એ પણ આવ્યું કે આ ઘરમાં સોળેક વર્ષનો ભાગર્વ નામનો એક છોકરો રહે છે. આ છોકરો પટેલ બિલ્ડરનો દીકરો હોય એમ ભાર્ગવને લાગ્યું. હવે 26 લાખ રૂપિયા કેવી રીતે પાછા મેળવવા એ બાબતે સંજયના મનમાં એક ખતરનાક ષડયંત્ર જન્મ્યું. તેણે નક્કી કરી લીધું કે ભાર્ગવનું અપહરણ કરવું છે. જેથી બિલ્ડર દબાણમાં આવશે અને દીકરા પર જોખમ આવતા જ રૂપિયા પરત આપી દેશે. જો રૂપિયા નહીં આપે તો કાયમ માટે દીકરો ગુમાવવો પડશે. પ્લાન મુજબ હવે સંજય સતત ભાર્ગવ પર નજર રાખવા લાગ્યો. ભાર્ગવ ક્યાં જાય છે, કોને મળે છે, તેના મિત્રો કોણ છે, ક્યાં ભણે છે એ બધું જ સંજય જોતો હતો. આ સમયગાળામાં સંજય તક જોઈને ભાર્ગવ સાથે મિત્રતા કેળવી લીધી. સંજયને ખબર પડી કે ભાર્ગવને ક્રિકેટ રમવાનો ખૂબ શોખ છે, એટલે તે અવારનવાર ભાર્ગવ સાથે ક્રિકેટ રમવા લાગ્યો હતો. થોડા દિવસમાં મિત્રતા વધી એટલે તેણે ભાર્ગવનો મોબાઇલ નંબર પણ મેળવી લીધો હતો. હવે પ્લાનને આખરી ઓપ આપવાનો સમય હતો. એક દિવસ સંજયે ભાર્ગવને STD બૂથ પરથી ફોન કરીને ક્રિક્રેટ રમવાના બહાને થલતેજ બોલાવ્યો હતો. ક્રિકેટનું નામ પડતા જ ભાર્ગવ તૈયાર થઈ ગયો. ભાર્ગવ ઘરે તેની મમ્મીને એટલું જ કહીને નીકળ્યો હતો કે ક્રિકેટ રમવા જાઉં છું, થોડીવારમાં આવી જઈશ. થોડી મિનિટોમાં થલતેજ પાસેના STD બૂથ પર ભાર્ગવ પહોંચી ગયો. ત્યાં તેને સંજય કાર લઈને મળ્યો. આ જોઈને તેણે આશ્ચર્ય પણ થયું. સંજયે કહ્યું, ચાલ ભાર્ગવ…ક્રિકેટ તો પછી રમીશું. પહેલા કારમાં એક રાઉન્ડ મારી આવીએ. 16 વર્ષના ભાર્ગવે ઉત્સાહમાં આવીને તરત જ હા પાડી દીધી. સંજયને પણ લાગ્યું કે તેનો પ્લાન સફળ થઈ રહ્યો છે. પરંતુ આ અપહરણ અને હત્યાકાંડના પ્રકરણમાં એક મોટું સસ્પેન્સ ખુલવાનું તો બાકી જ હતું. એવો ઘટસ્ફોટ જેનાથી અપહરણકાર સંજય ચૌહાણ પણ અજાણ હતો. આવતીકાલે ગુજરાત ક્રાઇમ ફાઇલ્સના બીજા એપિસોડમાં વાંચો અપહરણ અને હત્યાના કેસમાં આવેલા નવા વળાંક વિશે. સંજયને ન તો કોઈએ અપહરણ કરતા જોયો, ન તો ભાર્ગવની હત્યાનો કોઈ સાક્ષી હતો. છતાં હત્યારા સંજય સુધી પોલીસ કેવી રીતે પહોંચી?

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments