અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી હાલ ચાલી રહી છે. આ કામગીરીમાં આણંદના વાસદ પાસે મોટી દુર્ઘટના ઘટી હતી. કામગીરી દરમિયાન ગડરનો ભાગ ધરાશાયી થતાં ચાર શ્રમિકો દટાયા હતા. જેમાં ત્રણના મોત થયા છે. જ્યારે એક ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે. આ દુર્ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ છવાઈ ગયો છે. પથ્થરો તૂટી પડતાં ચાર મજૂર દટાયા
છેલ્લા કેટલાક સમયથી અમદાવાદ- મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી મહીસાગર નદીના નજીક આણંદ તાલુકાના વાસદ નજીક રાજપુરા ખાતે ચાલી રહી છે. એ અંતર્ગત આજે મહીસાગર બ્રિજ ઉપર લોખંડની ગડર નાખવાની કામગીરી ચાલી રહી હતી. એ દરમિયાન અચાનક ગડર તૂટી પડતાં કોંક્રીટનો સામાન પુલ ઉપરથી નીચે પડ્યો હતો, જેને કારણે પથ્થરો તૂટી પડતાં ચાર મજૂર દટાયા હતાં. ચાર પૈકી ત્રણના મોત થયા છે. જ્યારે એક સારવાર હેઠળ છે. ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા
ઘટનાને પગલે 108 એમ્બ્યુલન્સના કાફલા સાથે જિલ્લા પોલીસ અધીક્ષક જી.જી. જસાણી, નાયબ પોલીસ અધીક્ષક જે.એન. પંચાલ, વાસદ પોલીસની ટીમ તેમજ આણંદ ફાયરબ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. બીજી બાજુ બુલેટ ટ્રેનના અધિકારીઓ પણ ઘટનાસ્થળે આવ્યા હતા અને બે ક્રેન, એક જે.સી.બી અને આણંદ ફાયરબ્રિગેડની ટીમ દ્વારા રેસ્ક્યૂ કામગીરી હાથ ધરાઇ હતી. ‘ત્રણના મોત, એક સારવાર હેઠળ’
ફાયર ઓફિસર ધર્મેશ ગોરે જણાવ્યું હતું કે, અમને ફોન આવતાં અમે તુરંત ઘટનાસ્થળે પહોંચ્યા હતા. મોટી મોટી ગડરો હોવાથી ક્રેન અને જેસીબીની મદદ લેવામાં આવી હતી. બચાવ કામગીરી દરમિયાન પ્રથમ બે લોકોને કાઢીને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકનું મોત થયું છે અને ગંભીર રીતે ઘાયલ હાલતમાં સારવાર હેઠળ છે. જ્યારે બે ડેડબોડી અમે હમણાં બહાર કાઢી છે. આમ ચાર શ્રમિકોમાંથી ત્રણના મોત થયા છે. કંપનીના જણાવ્યા પ્રમાણે ચાર લોકો જ દબાયા હતા. જોકે, હજી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે. જો કોઇ અંદર હશે તો બહાર કાઢવામાં આવશે. ‘ઘટના કંઇ રીતે બની એની વિગત તપાસ બાદ સામે આવશે’
આ અંગે આણંદ જિલ્લા પોલીસ અધીક્ષક જી. જી. જસાણીએ જણાવ્યું હતું કે, આણંદના વાસદ પાસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી ચાલી રહી હતી, જેમાં લોખંડના ગડર પડી જતાં ત્રણથી ચાર જણા દબાઇ ગયા હોવાની વિગત મળતાં તંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તંત્ર દ્વારા તરત રેસ્ક્યૂ-ઓપરેશન હાથ ધરાયું હતું.આ ઘટના કંઇ રીતે બની એની વિગત તપાસ બાદ સામે આવશે.