back to top
Homeગુજરાતગટરનાં ઢાંકણા સહિતના પ્રશ્નો ઉકેલો:ગુજરાત માનવ અધિકાર આયોગનો રાજકોટનાં મ્યુ. કમિશ્નરને આદેશ,...

ગટરનાં ઢાંકણા સહિતના પ્રશ્નો ઉકેલો:ગુજરાત માનવ અધિકાર આયોગનો રાજકોટનાં મ્યુ. કમિશ્નરને આદેશ, તા. 8 નવેમ્બરે થનાર સુનાવણીમાં કામગીરીનો અહેવાલ રજૂ કરવા ફરમાન

તાજેતરમાં રાજકોટ શહેરમાં ગટરનાં ઢાંકણા ખુલ્લા હોવાને કારણે અકસ્માતો થયાનું સામે આવ્યું હતું. તો ગાંધીગ્રામ નજીક સર્જાયેલા આવા અકસ્માતમાં એક વ્યક્તિનું મોત પણ નિપજ્યું હતું. ત્યારે ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે રાજકોટમાં તૂટેલા ગટરના ઢાંકણા તેમજ સંબંધિત પ્રશ્નો મુદ્દે ખાસ ટીમ બનાવીને તે અંગે પગલાં લેવા માટે રાજકોટ મ્યુનિસિપલ કમિશ્નરને આદેશ કર્યો છે. સાથે તા. 8 નવેમ્બરે આયોગ સમક્ષની સુનાવણીમાં કામગીરીની વિગતોના અહેવાલની સાથે સંબંધિત અધિકારીને હાજર રહેવા ફરમાન કર્યું છે. સીટની રચના કેમ ના કરવી?
પ્રાપ્ત વિગત મુજબ ગુજરાત રાજ્ય માનવ અધિકાર આયોગે 18મી ઓક્ટોબરના રોજ સુનાવણી હાથ ધરી હતી. આયોગના સમન્સ મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનના ચીફ એન્જિનિયર કે. કે. મહેતા સુનાવણીમાં હાજર રહ્યા હતા. આ તકે રાજકોટ મહાનગર પાલિકા પ્રશાસન તરફથી ગટરના તૂટેલા ઢાંકણા બાબતે રજૂ કરાયેલો બચાવ આયોગે માન્ય રાખ્યો નહોતો અને આયોગે હુકમમાં તેને કોર્પોરેશનના અધિકારીઓની બેદરકારી ગણાવી આ પ્રકારના બનાવો ભવિષ્યમાં ના બને, તે માટેના ખુલાસા તેમજ આ અંગે સીટની રચના કેમ ના કરવી ? તેની જરૂરી સ્પષ્ટતાઓ સાથેનો અહેવાલ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને તા. 8 નવેમ્બર પહેલાં રજૂ કરવા સૂચના પણ આયોગ દ્વારા આપવામાં આવી હતી. આયોગ સમક્ષ રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સથી હાજર રહેવા ફરમાન
માનવ અધિકાર આયોગ દ્વારા આ સુનાવણીમાં હાજર રહેલા મનપાનાં ઈજનેર મહેતાને આ હુકમની જાણ સંબંધિતોને કરવા સૂચના અપાઈ હતી ત્યારે હવે ગટર તેમજ અન્ય સમસ્યાઓ માટે તેઓના વડપણ હેઠળની ટીમ બનાવી. આ બાબતે કેવા-કેવા પગલાં લીધાં તેની જાણકારી ફોટોગ્રાફ સહિતના અહેવાલ સાથે તા. 8મી નવેમ્બરનાં રોજ બપોરે 1 કલાકે આયોગ સમક્ષ રૂબરૂ અથવા વીડિયો કોન્ફરન્સથી હાજર રહી રજૂ કરવા ફરમાન કર્યું છે તેમજ વાજબી કારણો સિવાય નિયત સમયે હાજર નહીં રહે તો સિવિલ પ્રોસિજર કોડ-1908 ઓર્ડર-16ના નિયમ-10 અને 12 હેઠળ પગલાં લેવામાં આવશે. 8 નવેમ્બરે માનવ અધિકાર આયોગ સમક્ષ ખુલાસો કરાશે
મનપાનાં ઈજનેર કુંતેશ મહેતાએ દિવ્યભાસ્કરને આ અંગે જણાવ્યું હતું કે, રાજકોટનાં ગાંધીગ્રામ વિસ્તારમાં ગટરનું ઢાંકણું ખુલ્લું હોવાને કારણે સર્જાયેલા ગોઝારા અકસ્માતમાં વનરાજસિંહ જાડેજા નામના વ્યક્તિનું મોત નિપજ્યું હતું. 3 સપ્ટેમ્બરનાં રોજ ગટર ખુલ્લી હોવાને કારણે તેઓનો અકસ્માત થયો હતો અને આ પછી દસેક દિવસની સારવાર બાદ તેમનું મોત નિપજ્યું હતું. ત્યારબાદ મેયર નયના પેઢડીયા દ્વારા શહેરના તમામ વિસ્તારોમાં આ મામલે ચેકીંગ કરી તાત્કાલિક પગલાં લેવાની ખાતરી આપવામાં આવી હતી ત્યારે હવે શહેરમાં ગટરનાં ઢાંકણા સહિતનાં લોકોના પ્રશ્નો ઉકેલવા કેવા પગલાં લેવાયા તે અંગે 8 નવેમ્બરે માનવ અધિકાર આયોગ સમક્ષ ખુલાસો કરવામાં આવશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments