ગુજરાતમાં હાલમાં દિવસે ભયંકર ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે, જે હજુ પણ આગામી એક સપ્તાહ સુધી યથાવત્ રહેશે, તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, હજુ પણ ગુજરાતવાસીઓએ આગામી એક સપ્તાહ દરમિયાન ગરમીનો અનુભવ કરવો પડશે. હાલમાં ઉત્તર ભારતના વિસ્તારોમાં ખાસ કરીને હિમાલયની પર્વતમાળામાં હિમવર્ષા થઈ રહી નથી, જેને કારણે ઉત્તર ભારતની ઠંડી ગુજરાત સુધી પહોંચી શકી નથી. ઉલ્લેખનીય એ છે કે, હાલમાં ગુજરાત ઉપર આવતા પવનોની દિશા ઉત્તર અને ઉત્તર પૂર્વીય દિશા તરફથી છે, પરંતુ ઉત્તર ભારતમાં હજુ પણ ઠંડી નથી, જેને કારણે ગુજરાતમાં આગામી 7 દિવસ શિયાળાનો અનુભવ થાય તેની શક્યતાઓ નહિવત પ્રમાણમાં છે. દિવસે ગરમી અને સાંજે ઠંડોનો અનુભવ થશે
હવામાન વિભાગના ડાયરેક્ટર એ. કે. દાસના જણાવ્યા અનુસાર, આગામી સાત દિવસ દરમિયાન ગુજરાતમાં શુષ્ક વાતાવરણ રહેશે. આ સાથે જ ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફથી પવનો આવતા હોવાથી તે સૂકા પવન રહેશે. તેથી દિવસ દરમિયાન અત્યંત ગરમીનો અનુભવ રહેશે અને સાંજ પડતા જ થોડા અંશે ઠંડક પ્રસરી શકે છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન દિવસનું સૌથી મહત્તમ તાપમાન રાજકોટ જિલ્લામાં 37.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે 17.1 ડિગ્રી સેલ્સ લઘુત્તમ તાપમાન સાથે દાહોદ રાજ્યનું સૌથી ઠંડો જિલ્લો રહ્યો હતો. અમદાવાનું લઘુત્તમ તાપમાન 21.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું
અમદાવાદ શહેરમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન 37.4 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અને 21.6 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું, જે આ વર્ષનું ચોમાસા બાદ સૌથી લઘુત્તમ તાપમાન રહ્યું હતું. હજુ પણ અમદાવાદ શહેરનું લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં 2.6 ડિગ્રી સેલ્સિયસ વધુ રહ્યું છે. આજે પણ અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 21થી 22 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે.