બોટાદ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન કેશુભાઈ પંચાળાએ રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડોક્ટરની બેદરકારી મામલે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને પત્ર લખીને તાત્કાલિક ડોક્ટર વિરૂધ્ધ તપાસ કરીને કાર્યવાહી કરવા માંગ કરી છે. આરોગ્ય સમીતીના ચેરમેને પત્રમાં જણાવ્યું છે કે બોટાદ જિલ્લાના રાણપુર શહેરમાં સામુહિક આરોગ્ય કેન્દ્રઆવેલું છે. રાણપુર 32 જેટલા ગામો ધરાવતો તાલુકો છે જેથી રાણપુર શહેર તેમજ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોના દર્દીઓ મોટી સંખ્યામાં રાણપુર સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આવતા હોય છે પરંતુ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ પરના ડોક્ટર દ્વારા દર્દીઓ સાથે ગેરવર્તણૂક કરવામાં આવે છે અને સારવાર આપવાના બદલે દર્દીઓને બહાના આપી અન્ય દવાખાને સારવાર માટે જવાનું કહેવામાં આવતું હોવાની રજુઆતો મારી પાસેઆવી હોવાનું ચેરમેને પત્રમાં ઉલ્લેખ કર્યો છે. આરોગ્ય સમીતીના ચેરમેને પત્ર દ્વારા કરેલ રજુઆત મા જણાવેલ કે ગત 29 ઓક્ટોબરે ના રોજ રાણપુર ગામના રામજીભાઈ ગાગડીયા નામના વ્યક્તિનું ડોક્ટરે સારવાર ન આપતા તેમનું મૃત્યું નિપજ્યું હોવાનું પત્રમાં ઉલ્લેખ કર્યો છે જેથી આ ડોક્ટર વિરૂધ્ધ તાત્કાલિક તપાસ કરીને કાર્યવાહી કરવામાં આવે તેવી આરોગ્ય સમીતીના ચેરમેન કેશુભાઈ પંચાળાએ પત્રમાં માંગ કરી હોવાનું જણાવ્યું છે.