ગત સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેરમાં બેવડી ઋતુનો અનુભવ થવાની સાથે હવાનું પ્રદૂષણ પણ વધ્યું હતું. વાતાવરણમાં આ પ્રકારના અનિચ્છનીય બદલાવના કારણે વાયરલ ઇન્ફેક્શનના કેસમાં પણ ધરખમ વધારો થયો છે. ફક્ત દિવાળીના તહેવારોમાં જ સોલા સિવિલમાં 6 હજારથી વધુ કેસો નોંધાયા હતા, જે ચિંતાજનક છે. મચ્છરજન્ય રોગચાળાના પણ કેસ નોંધાયા
દિવાળી દરમિયાન સોલા સિવિલમાં અત્યાર સુધીમાં એક અઠવાડિયામાં ઈન્ફેક્શનના નોંધાયેલા કેસોની સાપેક્ષે સૌથી વધુ કેસ નોંધાયા છે. તહેવારો દરમિયાનના એક અઠવાડિયામાં વાયરલ ઇન્ફેક્શનના 6,663 કેસ નોંધાયા હતા. તદુપરાંત મચ્છરજન્ય રોગચાળાના પણ કેસ નોંધાયા હતા, જેમાં ડેન્ગ્યુ અને મેલેરિયાના સૌથી વધુ કેસ નોંધાયા હતા. 117 શંકાસ્પદ કેસમાંથી 10 દર્દીનો રિપોર્ટ ડેન્ગ્યુ પોઝિટિવ આવ્યો હતો તથા 195 સેમ્પલમાંથી 12 દર્દીના રિપોર્ટ મેલેરિયા પોઝિટિવ આવ્યા હતા. ચિકનગુનિયાના 20 શંકાસ્પદ કેસમાંથી 4 દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તે સિવાય સ્વાઈન ફ્લૂના પણ સાત શંકાસ્પદ કેસ નોંધાય હતા. જોકે, સાતમાંથી એક પણ દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો ન હતો. ઝાડા-ઊલટી અને ટાઈફોડના કેસ પણ નોંધાયા
અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી લોકો બેવડી ઋતુ અનુભવી રહ્યા છે અને આ જ કારણોસર વધુ ને વધુ લોકો વાયરલ ઈન્ફેક્શનના શિકાર બની રહ્યા છે. એક સપ્તાહમાં ઝાડા-ઉલટીના 8 કેસ નોંધાયા હતા તથા વાયરલ હિપેટાઇટિસ અને ટાઈફોડના અનુક્રમે પાંચ અને ચાર કેસ નોંધાયા હતા.