બૂટલેગરની ગાડી રોકવા જતાં PSIનું મોત સુરેન્દ્રનગરના દસાડામાં બૂટલેગરની દારૂ ભરેલી ગાડી રોકવા જતાં પીએસઆઈનું મોત થયું. વચ્ચે આવેલા ટ્રેલરે ટક્કર મારતાં તેઓ ફંગોળાયા હતા અને ગંભીર ઈજા થતાં તેમનું મોત થયું. મૃતક PSIને ગાર્ડ ઓફ ઓનર આપી સન્માનિત કરવામાં આવ્યું.. 26 વર્ષની દુષ્કર્મ પીડિતાને ગર્ભપાતની મંજૂરી ગુજરાત હાઈકોર્ટે 17 અઠવાડિયાં અને 4 દિવસના ગર્ભપાતની મંજૂરી આપી. 26 વર્ષીય દુષ્કર્મ પીડિતાએ ગર્ભપાતની મંજૂરી માટે હાઈકોર્ટેમાં અરજી કરી. યુવતીની મેડિકલ તપાસ કરતાં તેના રિપોર્ટ નોર્મલ આવતાં હાઈકોર્ટે ગર્ભપાતને મંજૂરી આપી. હાઈકોર્ટે ચુકાદો આપતાં કહ્યું હતું કે સ્ત્રીને તેના શરીર પર પૂરો અધિકાર છે.. દિવાળીની રજાઓમાં ઊમટ્યું ભક્તોનું ઘોડાપૂર દિવાળીની રજાઓમાં પાવાગઢ મહાકાળી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઊમટ્યું. પગથિયાં અને મંદિર ચોકમાં ભક્તોનું કીડિયારું ઊભરાયું હોય એવાં દૃશ્યો જોવા મળ્યાં. રજાઓના દિવસોમાં વધેલા ભક્તોના ધસારાને ધ્યાનમાં રાખી ચાંપતો પોલીસ-બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજ્યમાં વિવિધ શહેરોમાં છઠ પૂજાની તૈયારીઓ શરૂ દિવાળીના તહેવારો બાદ હવે રાજ્યમાં છઠ પૂજાની તૈયારીઓ કરવામાં આવી. અમદાવાદ, વડોદરા અને સુરતમાં વસતા ઉત્તર ભારતીયો માટે છઠ પૂજાને લઈને વિશેષ તૈયારી શરૂ કરાઈ. 7 નવેમ્બરે રાજ્યમાં લાખોની સંખ્યામાં ઉત્તર ભારતીયો છઠ મૈયાની પૂજા કરશે. મુસાફરોને ગંદકી અને વાસી ખોરાકમાંથી મુક્તિ મળી દિવ્ય ભાસ્કરની અસર ફરી એકવાર સામે આવી. રાજકોટ-અમદાવાદ હાઇવે પર માઁ ખોડલ કાઠિયાવાડી ઢાબા પર ST વોલ્વો બસનું સ્ટોપ રદ કરવામાં આવ્યું. હોટલમાં મળતા વાસી ખોરાક અને ગંદકીની અવારનવાર ફરિયાદો સામે આવતી હતી. દિવ્ય ભાસ્કરે આ અંગે કરેલા રિયાલિટી ચેક બાદ તંત્ર એક્શનમાં આવ્યું. 15 દિવસમાં સિંહના હુમલાની ત્રણ ઘટનાથી સ્થાનિકો ભયભીત અમરેલીમાં એક બાદ એક વધતા સિંહના હુમલાઓએ લોકોમાં ભય ફેલાયો છે. ખાંભાના ગીદરડી ગામે સિંહે યુવાન પર હુમલો કરતાં તે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો.પાછલા 15 દિવસમાં સિંહનો આ ત્રીજો હુમલો છે. અગાઉ બે બાળકને સિંહણે ફાડી ખાધાં હતાં. પતિએ પત્નીના પ્રેમીની ઘાતકી હત્યા કરી સુરતમાં પતિએ પત્નીના પ્રેમીની ઘાતકી હત્યા કરી. પતિએ બોથડ પદાર્થના ફટકા મારી પગથી ગળું દબાવી પ્રેમીની હત્યા કરી. પ્રેમી અને પતિ બંને લસકાણા ઇન્ડસ્ટ્રિયલ એરિયામાં નોકરી કરતા હતા. પોલીસે હત્યારા પતિની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડી કરવી મોંઘી પડશે સૌરાષ્ટ્ર યુનિ.માં પીએચડીની રજિસ્ટ્રેશન ફીમાં 300 ટકાનો વધારો કરવામાં આવ્યો છે, એટલે કે રજિસ્ટ્રેશન ફી હવે 500ના બદલે 1500 ચૂકવવી પડશે. પ્રદેશ કોંગ્રેસે આ ફી વધારો પાછો ખેંચવાની માગ કરી છે, સાથે જ કુલપતિનો ઘેરાવ કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. 125થી વધુ દિવસથી વાહનોની અવરજવર માટે કોઝ વે બંધ સુરતના રાંદેરથી કતારગામને જોડતો કોઝ વે લાંબા સમય સુધી બંધ રહ્યો. ચોમાસું લાંબું ચાલતાં કોઝ વે પર 125થી વધુ દિવસથી વાહનોની અવરજવર બંધ રહી. જેના કારણે અહીંથી પસાર થતા વાહનચાલકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. ગુજરાતવાસીઓએ ઠંડી માટે હજુ રાહ જોવી પડશે ગુજરાતવાસીઓને શિયાળા માટે હજુ રાહ જોવી પડશે. હજુ એક સપ્તાહ સુધી ગરમી યથાવત્ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ઉત્તર ભારતમાં હિમવર્ષા થશે તો ગુજરાતમાં ઠંડીની શરૂઆત થશે.