બોલિવૂડ એક્ટર સલમાન ખાનને લોરેન્સ ગેંગ તરફથી સતત ધમકીઓ મળી રહી છે. આ ધમકીઓ મળ્યા બાદ સલમાન ખાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ઘણા અહેવાલોમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે ધમકીઓને કારણે સલમાન ખાનની નવી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ પણ પ્રભાવિત થઈ રહ્યું છે. ભાઈજાન હાલ હૈદરાબાદમાં ફિલ્મનું શૂટિંગ કરી રહ્યો છે. ‘સિકંદર’ના સેટ પરથી લિક થયો વીડિયો
‘સિકંદર’ના સેટની ઘણી તસવીરો અને વીડિયો ઇન્ટરનેટ પર વાઈરલ થઈ રહ્યા છે. એક વીડિયોમાં રશ્મિકા મંદન્ના ‘સિકંદર’ માટે એક સીન શૂટ કરતી જોવા મળી રહી છે. બીજી ક્લિપમાં કારના ફૂટેજ બતાવવામાં આવ્યા છે. સાજિદ નડિયાદવાલા ‘સિકંદર’ને પ્રોડ્યુસ કરી રહ્યા છે. એ.આર. મુરુગાદોસ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. ફિલ્મમાં સુનીલ શેટ્ટી, કાજલ અગ્રવાલ, શરમન જોશી, પ્રતિક બબ્બર, સત્યરાજ અને અંજિની ધવન જેવા સ્ટાર્સ પણ જોવા મળશે. હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસમાં શૂટિંગ
બોલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાન ફિલ્મ ‘સિકંદર’ના શૂટિંગ માટે હૈદરાબાદના તાજ ફલકનુમા પેલેસ પહોંચ્યો હતો. આ જગ્યા સલમાન માટે એટલા માટે પણ ખાસ છે કારણ કે અહીં તેની બહેન અર્પિતાના લગ્ન આયુષ શર્મા સાથે થયા હતા. વર્ષ 2025માં ઈદના અવસર પર રિલીઝ થનારી આ ફિલ્મનું શૂટિંગ ઐતિહાસિક સ્થળ પર કરવામાં આવી રહ્યું છે. બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાનની સુરક્ષામાં વધારો
સલમાન ખાન ભારે સુરક્ષા સાથે એરપોર્ટ પહોંચ્યો હતો. ગયા મહિને 12 તારીખે સલમાનના નજીકના બાબા સિદ્દીકીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી, ત્યારબાદ સલમાનની સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ હત્યાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી હતી. સોશિયલ મીડિયા પર વાઈરલ પોસ્ટમાં સલમાનને પણ ધમકી આપવામાં આવી હતી.