દુનિયામાં ઈનોવેશન, ઈનોવેશનની દુનિયા…ઝડપથી બદલાઈ રહેલો યુગ તમે એવી ફ્લાઈટમાં બેસવા માગો છો જે ઈ-બાઈક જેવી ઈ-ફ્લાઈટ હોય… વિશ્વની સાત અજાયબી તો સાંભળી છે પણ હવે આઠમી અજાયબી બની રહી છે… તમે રોબોટ પાસે કામ કરાવી શકો પણ તમે જોક કહો ને રોબોટ હસી પડે, એવું બને? જી હા, દુનિયા એટલી ફાસ્ટ દોડી રહી છે કે રોજ નવા નવા ઈનોવેશન થાય છે. અબજોપતિઓ પણ પ્રયોગ કરે છે. આજે વાત કરીશું પાંચ એવા ઈનોવેશનની, જેનાથી આપણે વિચાર તો કરવો જ પડે કે, અત્યારે આ હાલત છે તો ભવિષ્ય કેવું હશે? નમસ્કાર, દુનિયામાં રોજ સવાર પડે ને નવી શોધ વિશે સાંભળવા મળે. ક્યારેક તો એવા પ્રયોગો વિશે જાણવા મળે કે, આપણે વિચાર કરવો પડે કે 2024માં આ સ્થિતિ છે તો આવનારા વર્ષોમાં 2030 કે 2035માં દુનિયા કેવી બની ગઈ હશે? એક સમયની આભાસી દુનિયાની કલ્પના હતી તે હવે હકીકત બનવા માંડી છે. 1. યુવાન દેખાવા અબજપતિએ 17 કરોડ રૂપિયા ખર્ચ્યા
આ અબજપતિએ તેની ઉંમરને પલટાવવાનો સંકલ્પ લીધો છે. તેની ઈચ્છા કાયમ યુવાન રહેવાની છે. હાલમાં તે 47 વર્ષનો છે અને તે તેના ટીનેજની ઉંમરે પહોંચવા માંગે છે. આ અબજપતિનું નામ છે બ્રાયન જ્હોનસન. આ અમેરિકન આન્ટર્પ્રેન્યોર છે. પોતાની કંપની છે અને મધર બોર્ડ તથા અલગ અલગ ડિવાઈસીસ બનાવે છે. પોતે રાઈટર પણ છે. બ્રાયને સંકલ્પ લીધો ને પૂરો પણ કર્યો. આપણા શરીરમાં લોહીની સાથે બીજું એક પ્રવાહી હોય છે પ્લાઝમા કહે છે. આ પ્લાઝમા બદલી નાખો તો ઉંમર નાની થવા લાગે. પણ આ સર્જરી બહુ ખર્ચાળ છે ને જટિલ પણ છે. અમેરિકન ઉદ્યોગપતિએ આની પાછળ 2 મિલિયન ડોલરનો ખર્ચ કરી નાખ્યો. ભારતીય રૂપિયામાં ગણો તો 17 કરોડ રૂપિયા થાય. આ માટે તેણે 30 ડોક્ટરની ટીમ પણ રાખી છે. તેણે પોતાના શરીરમાંથી એક લીટર પ્લાઝમા કઢાવી લીધું અને તેના બદલે એક લિટર આલ્બ્યુમિન નામનું પ્રવાહી ચડાવ્યું. આ પ્રવાહી વૃદ્ધત્વની તમામ નિશાનીઓ દૂર કરી ફરી ટીનએજ બનાવશે. એક લિટર પ્લાઝમાના બદલામાં આલ્બ્યુમિન ટ્રાન્સફ્યુઝ કરનાર તે કદાચ વિશ્વના પ્રથમ વ્યક્તિ હશે. ડોક્ટરોની ટીમ બ્રાયન પર સતત મોનિટરિંગ કરી રહી છે. આ ડોકટરો નિયમિતપણે હૃદય, લોહી, લીવર, કિડની, મગજ, રક્તવાહિનીઓ અને જાતીય સ્વાસ્થ્યનું નિરીક્ષણ કરે છે. બ્રાયન દરરોજ 80 વિટામિન્સ અને મિનરલ ગોળીઓ લે છે. દર મહિને તે 30 લીલા શાકભાજી ખાય છે અને દરરોજ રાત્રે 8.30 વાગે સૂઈ જાય છે જેથી પેટમાં કોઈ તકલીફ ન થાય. અત્યાર સુધીમાં અલ્ટ્રાસાઉન્ડ અને અન્ય મશીનથી પેટની અંદરની 33 હજારથી વધુ તસવીરો લેવામાં આવી છે અને તેનું ઓબ્ઝર્વેશન થઈ રહ્યું છે. 2. ભારતમાં પ્લાસ્ટિકના રસ્તા બનાવવાની કવાયત
આપણી આસપાસ કચરાના રૂપમાં હાજર પ્લાસ્ટિક પર્યાવરણ માટે કેટલું હાનિકારક છે તે કોઈનાથી છુપાયેલું નથી. એટલું જ નહીં પર્યાવરણને પણ પ્રદૂષિત કરે છે. આ પ્લાસ્ટિક જ પ્રાણીઓના મૃત્યુનું એક મોટું કારણ પણ બને છે. પ્લાસ્ટિકના કચરાને રિસાઇકલ કરવા માટે દરેક સ્તરે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે જેથી તેનો ફરી ઉપયોગ કરી શકાય. મદુરાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગના પ્રોફેસર વર્ષોથી કામ કરી રહ્યા છે, અને પ્લાસ્ટિકના કચરામાંથી રસ્તાઓ બનાવી રહ્યા છે. તે ‘પ્લાસ્ટિક મેન ઑફ ઈન્ડિયા’ના નામથી જાણીતા છે. પ્લાસ્ટિકમાંથી રસ્તાઓ બનાવનાર આ પ્રોફેસરનું નામ રાજગોપાલન વાસુદેવન છે. 2002ના વર્ષમાં દક્ષિણ ભારતની થિયાગરાજર કોલેજના કેમ્પસમાં પ્લાસ્ટિકના કચરામાંથી રસ્તો બનાવવામાં તેમને પહેલી સફળતા મળી હતી. એવું કહેવાય છે કે લગભગ 10 વર્ષની મહેનત પછી તેમની ટેક્નોલોજીને ત્યારે ઓળખ મળી જ્યારે તેઓ પોતાનો પ્રોજેક્ટ તત્કાલિન મુખ્યમંત્રી જયલલિતા પાસે લઈ ગયા. જયલલિતાએ તેમની મદદ માટે પણ આગળ આવ્યાં હતાં. જ્યારે વિશ્વને આ આઈડિયાની જાણ થઈ, ત્યારે તેણે આ ફોર્મ્યુલા વાસુદેવન પાસેથી ખરીદવાનો પ્રયાસ કર્યો. પરંતુ વાસુદેવને ના પાડી અને તેમની ટેક્નોલોજી ભારત સરકારને મફતમાં આપી દીધી, જેની મદદથી હજારો કિલોમીટરના રસ્તાઓ બનાવવામાં આવ્યા છે. એવું કહેવાય છે કે અમેરિકાની કંપનીએ આ આઈડિયાને ખરીદવા માટે લગભગ 1400 કરોડ રૂપિયાની ઓફર કરી હતી, પરંતુ તેમણે આ ઓફરને ફગાવી દીધી હતી અને તેમના આઈડિયા અને ઈનોવેશનને મફતમાં ભારત સરકારને આપી દીધા હતા. જેના કારણે આજે દેશમાં ક્રાંતિ આવી છે. દક્ષિણ ભારતમાં 1 લાખ કિલોમીટર સુધી પ્લાસ્ટિકના રસ્તા બની ચૂક્યા છે અને હવે ભારતના અન્ય ભાગોમાં પણ આવા રસ્તા બનશે. 3. AI ટેકનોલોજીથી બની રહી છે વિશ્વની આઠમી અજાયબી
દુનિયામાં 7 અજાયબીઓ તો સાંભળી છે પણ સાઉદી અરેબિયા દુનિયાની આઠમી અજાયબી બનાવવા જઈ રહ્યું છે. સાઉદી અરેબિયાની રાજધાની રિયાધમાં વિશ્વના સૌથી મોટા બિલ્ડીંગ ‘મુકાબ’ પર કામ શરૂ થઈ ગયું છે. આકાશને સ્પર્શતી અને સોનાની જેમ ચમકતી આ ઈમારત તરફ વિશ્વભરનું ધ્યાન કેન્દ્રીત છે. આ ઈમારત સાઉદી અરબનું ઘરેણું બનશે. આપણે સાપ-સીડીની રમતમાં પાસો હોય તેવા ક્યૂબ આકારના બિલ્ડિંગ મુકાબની ઊંચાઈ 1300 ફૂટ (લગભગ 400 મીટર) હશે, જે સપાટી પર 1200 ફૂટ (366 મીટર)માં ફેલાયેલું હશે. ડેવલપર ન્યુ મુરબ્બા ડેવલપમેન્ટ કંપની અને સાઉદી અરેબિયાનું સેન્ટ્રલ પબ્લિક ઈન્વેસ્ટમેન્ટ ફંડ (પીઆઈએફ) આ ઈમારતમાં ઈન્વેસ્ટમેન્ટ કરી રહ્યા છે. મુકાબ સાઈટ પર ગ્રાઉન્ડ વર્ક હવે 86 ટકા પૂરું થઈ ગયું છે. ‘મુકાબ’ એવું સેન્ટર બનવા જઈ રહ્યું છે જ્યાં આવ્યા પછી કોઈને ક્યાંય જવાની જરૂર નહીં પડે. તેમાં કલ્ચરલ પ્લેસ, રેસ્ટોરન્ટ, રિટેલ સ્પેસ, યુનિવર્સિટી, થિયેટર અને આઇકોનિક મ્યુઝિયમ પણ હશે. તેની ફ્લોર સ્પેસ 2 મિલિયન ચોરસ ફૂટ હશે. મુકાબમાં 1,04,000 ફ્લેટ અને 9000 હોટલ રૂમ હશે. તેની ખાસ વાત એ હશે કે તેમાં એક ખૂણાથી બીજા ખૂણા સુધી ચાલવામાં માત્ર 15 મિનિટનો સમય લાગશે. મુકાબ 2030 સુધીમાં તૈયાર થઈ જશે. આ બિલ્ડીંગથી 3,34,000 લોકોને રોજગાર મળશે. આ બિલ્ડીંગ બનાવવામાં AI ટેકનોલોજીનો ઉપયોગ થશે. 4. ઈમોશનલ ઈન્ટેલિજન્સ રોબોટ!
એક સમય એવો હતો જ્યારે નાના-મોટા દરેક કામ માટે આપણે માણસો પર નિર્ભર રહેવું પડતું હતું. પણ AI અને MLની દુનિયામાં કેટલાક કામો રોબોટ કરવા લાગ્યા. જો કે, હજુ પણ કેટલાક એવા કામો છે જે રોબોટ નથી કરી શકતા પણ માણસ કરી શકે છે. માણસ હસી શકે, રડી શકે, ગુસ્સો કરી શકે પણ રોબોટ એવું કાંઈ કરી શકે નહીં. પણ ચીને હવે એવો રોબોટ બનાવ્યો છે, જેમાં માનવ જેવી સંવેદનાઓ છે. ચીને પોતાની નવી શોધથી હલચલ મચાવી દીધી છે. તેણે ગુઆંગુઆ નંબર 1 નામનો રોબોટ બનાવ્યો છે. આ રોબોટ માત્ર મશીન નથી પણ તે માણસના દુ:ખ- દર્દમાં તેની સાથે રહી શકે છે. તેને વર્લ્ડ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કોન્ફરન્સમાં રજૂ કરવામાં આવ્યો હતો. ફુડાન યુનિવર્સિટી દ્વારા બનાવવામાં આવેલા આ રોબોટની વિશેષતા એ છે કે તે મનુષ્યની લાગણીઓને ઓળખી શકે છે અને સમાન પ્રતિક્રિયા આપી શકે છે. તેની અંદર ચાર લાગણીઓ છે – સુખ, દુઃખ, ગુસ્સો અને ખુશી. આ રોબોટ બનાવનારનો દાવો છે કે તે વૃદ્ધો માટે ખૂબ જ ફાયદાકારક છે. એકલા રહેતા વડીલો માટે સારી કંપની છે. ફુડાન યુનિવર્સિટીના ડેપ્યુટી ડીન ગાન ઝોંગક્સ્યુએ જણાવ્યું હતું કે આ હ્યુમનોઇડ રોબોટ વૃદ્ધોની સેવા કરવા અને તેમની સંભાળ રાખવા માટે બનાવવામાં આવ્યો છે, જે લોકોનો સારો સાથી બનશે. આ તેમની શારીરિક જરૂરિયાતો જ નહીં પરંતુ તેમના માનસિક અને ભાવનાત્મક સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખશે. ઈમોશનલ ઈન્ટેલિજન્સ ધરાવતો આ રોબોટ માણસનું સ્થાન લેવાની કોશિશ કરે તો ખતરનાક સાબિત થઈ શકે છે. 5. નાસાએ બનાવ્યું પહેલું હાઇબ્રિડ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ, વગર ઈંધણે ઊડતી ફ્લાઈટ
નાસાએ હાઇબ્રિડ ઇલેક્ટ્રિક એરક્રાફ્ટ બનાવ્યું છે. આમાં પાવરટ્રેનની મદદથી એરક્રાફ્ટની ફ્લાઇટ રેન્જ વધારી શકાય છે. આનું કારણ એ છે કે લિથિયમ-આયર્ન બેટરી ઈંધણની તુલનામાં લાંબી ચાલે છે. નાસાનું પહેલું ઓલ-ઇલેક્ટ્રિક એક્સપેરિમેન્ટ એરક્રાફ્ટ X-57 મેક્સવેલ હતું પણ તે માત્ર કાર્ગો હતું. બે દાયકામાં નાસાનું આ પહેલું ક્રૂડ એક્સ-પ્લેન છે. જેમાં પેસેન્જર પણ બેસી શકે. એરબસ, દાહેર અને સેફ્રાન કંપનીઓએ સાથે મળીને એક હાઇબ્રિડ-પ્રોપલ્શન એરક્રાફ્ટ ડેમોન્સ્ટ્રેટર ઇકોપલ્સને વિકસાવ્યું છે. મુસાફરો આ પ્રકારના ઈ-પ્લેનમાં બેસીને મુસાફરી કરી શકે તે ક્યારે સંભવ બનશે તે હજી નક્કી કહી શકાય એવું નથી. પણ આ સંભવ બનશે ખરું. આ એરક્રાફ્ટ બનાવતી કંપની અને નાસાએ સાથે મળીને કિંગ કાઉન્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આ ઈ-એરક્રાફ્ટ લોકોને જોવા માટે મૂક્યું હતું. આ એરક્રાફ્ટ ‘ડી હેવિલેન્ડ ડેશ 7’ છે, જે અગાઉ કાર્ગો વહન માટે ઉપયોગમાં લેવાતું હતું પણ હવે પેસેન્જર માટે ઉપયોગમાં લેવાય છે. નાસાના ઈલેક્ટ્રીફાઈડ પાવરટ્રેન ફ્લાઈટ ડેમોન્સ્ટ્રેશન (EPFD) પ્રોજેક્ટ હેઠળ કામ કરતી કંપની મેગ્નિક્સ તેને હજી પણ મોડિફાઈડ કરશે જેથી આવનારા સમયમાં ઈ-ફ્લાઈટમાં બેસીને પેસેન્જર મુસાફરી કરી શકે. નાસા આ પ્રયોગ એટલે કરે છે કે આવનારા સમયમાં ગ્રીનહાઉસ ગેસના ઉત્સર્જનને ઘટાડીને ઈંધણથી પર્યાવરણને થતી ખરાબ અસર ઘટાડી શકાય. છેલ્લે, એપલના જનક સ્ટિવ જોબ્સે કહેલું કે, તમે કોઈપણ નવા ઈનોવેશનથી ડરો નહીં, તેને તક તરીકે જુઓ. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિચર્સ : યશપાલ બક્ષી)