‘કૌન બનેગા કરોડપતિ’ની ગણતરી ટીવીના સૌથી ફેવરિટ રિયાલિટી શોમાં થાય છે. આ શોમાં લોકોને સામાન્ય જ્ઞાનની અવનવી બાબતો જાણવા મળે છે અને શોમાંથી તમને કંઈક શીખવા મળે છે. જો કે, તાજેતરના એપિસોડને કારણે આ શો વિવાદોમાં ઘેરાયેલો છે, તેની પાછળનું કારણ એક પ્રશ્ન છે. એક પ્રશ્નને કારણે સર્જાયો વિવાદ
KBC સીઝન 16ના નવા એપિસોડમાં, વરુણ ધવન અને ડિરેક્ટર રાજ અને ડીકેની જોડી તેમની આગામી વેબ સિરીઝ ‘સિટાડેલ: હની બન્ની’ના પ્રમોશન માટે આવ્યા હતા. શોના સ્ટેજ પર, હોસ્ટ અમિતાભ બચ્ચને વરુણ અને રાજ અને ડીકેને એક ઈતિહાસનો પ્રશ્ન પૂછ્યો જે વિવાદોનું કારણ બન્યો છે. પ્રશ્ન શું હતો?
કઇ અભિનેત્રીનું તેના પતિ અને જોધપુરના મહારાજા હનવંત સિંહ સાથે વિમાન દુર્ઘટનામાં દુઃખદ અવસાન થયું હતું?
વિકલ્પો હતા-
A-સુલોચના
B-મુમતાઝ
C- નાદિરા
D- ઝુબૈદા અમિતાભ બચ્ચનથી થઈ ભૂલ!
વરુણ ધવન અને રાજ એન્ડ ડીકેએ બે લાઇફલાઇન્સનો ઉપયોગ કરીને ઝુબૈદા વિકલ્પને લોક કર્યો. પછી અમિતાભ બચ્ચને ઝુબૈદાનો ઈતિહાસ સંભળાવ્યો. અમિતાભે કહ્યું કે ઝુબૈદાએ ભારતની પ્રથમ બોલતી ફિલ્મ ‘આલમ આરા’માં અભિનય કર્યો હતો અને તેના પરથી પ્રેરિત બોલીવુડની ફિલ્મ ‘ઝુબૈદા’ બનાવવામાં આવી હતી જેમાં કરિશ્મા કપૂર, રેખા અને મનોજ બાજપેયી મુખ્ય ભૂમિકામાં હતા. પુત્રએ માંગ્યો ખુલાસો
ઝુબૈદાના પુત્ર ખાલિદ મોહમ્મદને આ વાત પર ગુસ્સો આવ્યો. ઘણા ટ્વિટર યૂઝર્સે પણ આ ભૂલ તરફ ધ્યાન દોર્યું અને કહ્યું કે, બે ઝુબૈદા હતી, એક ‘આલમ આરા’ની એક્ટ્રેસ હતી અને બીજી મહારાજા હનવંત સિંહની પત્ની હતી. આ દરમિયાન ઝુબૈદાના પુત્ર ખાલિદ મોહમ્મદે પણ આ વાતની નોંધ લીધી. આટલું જ નહીં ઝુબૈદાના પુત્ર ખાલિદ મોહમ્મદે એક પોસ્ટ દ્વારા KBC પાસે સ્પષ્ટતા માંગી છે. ઝુબૈદાના દીકરાએ માફી માગવા કરી કહ્યું
‘ઇન્ડિયન એક્સપ્રેસ’ અનુસાર, મોહમ્મદે મેકર્સ પર ગુસ્સો વ્યકત કર્યો છે અને તેના X એકાઉન્ટ પર લખ્યું, ‘KBC અને અમિતાભ બચ્ચન. આ મારી સ્વર્ગસ્થ માતા ઝુબૈદા બેગમ છે. જ્યારે ‘આલમ આરા’ બની ત્યારે તેનો જન્મ પણ નહતો થયો. ઓછામાં ઓછું તમે ભૂલ માટે ઇવેન્ટમાં માફી માંગી શકો છો. પણ તમને ખબર છે ખરાં? મને એવી અપેક્ષા નથી.