સુરત ઔદ્યોગિક નગરીની અંદર દિવાળીના સમયે દરેક ઉદ્યોગમાં ધમધમાટ જોવા મળ્યો હતો. ખૂબ મોટા પ્રમાણમાં ખરીદી કરતા લોકો બજારમાં દેખાયા હતા. લાભ પાંચમના દિવસે આજે સુરતમાં કાપડ માર્કેટ સહિત વેપાર-ધંધાની આજથી વિધિવત રીતે ભગવાનની પૂજા કરી શરૂઆત કરવામાં આવી હતી. ટેક્સટાઇલ ઉદ્યોગની વિધિવત રીતે શરૂઆત
દિવાળી બાદ ફરી એકવાર બજારો ધીરે ધીરે શરૂ થવાની શરૂઆત થઈ ગઈ છે. આજના દિવસમાં વેપારીઓ પોતાની દુકાનો અને લાભ પાંચમના દિવસે શરૂ કરીને વિધિવત રીતે ધંધાની શરૂઆત કરી દેતા હોય છે. વર્ષોથી ટેક્સટાઇલ માર્કેટમાં આ પ્રકારની પદ્ધતિ ચાલી આવી છે. ટેક્સટાઈલના વેપારીઓ દ્વારા મુહૂર્ત જોઈને પૂજા કરવામાં આવે છે. તો કેટલાક લોકો લાભ પાંચમના દિવસે સવારમાં અચૂક પૂજાની શરૂઆત કરી દેતા હોય છે. આ વખતે સવારે તેમજ 11 વાગ્યાથી 1 વાગ્યા સુધીના સમય દરમિયાન મુહૂર્ત હોવાના કારણે વેપારીઓએ પોતાના વેપાની શરૂઆત કરી હતી. પરંપરા પ્રમાણે ગ્રાહકો પણ ઓર્ડર આપે છે
કાપડના વેપારી હરેશ લાલવાણીએ જણાવ્યું કે, લાભ પાંચમના દિવસે અમે દર વર્ષે મુહૂર્ત જોઈને દુકાનો ખોલીને શુભ શરૂઆત કરીએ છીએ. વર્ષોની પરંપરા પ્રમાણે ગ્રાહકો પણ અમને ઓર્ડર આપતા હોય છે. આજના દિવસમાં અમે પ્રભુને પ્રાર્થના કરીએ છીએ કે, આગામી દિવસોની અંદર તહેવારો અને લગ્નપ્રસંગોની ખરીદી ખૂબ જ સારી રીતે થાય. આગામી દિવસોમાં તેજી જોવા મળે તો ટેક્સટાઈલ ઉદ્યોગ ખૂબ સારી રીતે આગળ વધશે. દિવાળી વખતે ખૂબ સારી રીતે દેશભરની અંદર વેપાર ધંધો થયો હતો. તેવી જ રીતે હવે આગામી લગ્નસરાની સીઝનમાં પણ ટેક્સટાઇલ ઉદ્યોગમાં તેજીનો માહોલ રહે એવી ભગવાનને પ્રાર્થના કરી છે.