કચ્છમાં હાલ દિવાળીના મીની વેકેશનને લઈ પ્રવાસન ક્ષેત્રે ભારે ઘસારો જોવા મળી રહ્યો છે. જિલ્લા મથક ભુજ શહેરથી યાત્રાધામો અને પ્રવાસન ક્ષેત્રો લોકોની ભીડથી ગાજી રહ્યા છે. રમણીય બીચ ધરાવતા માંડવી, યાત્રાધામ માતાના મઢ, નારાયણ સરોવર અને ખાવડા પાસેના કાળો ડુંગર ખાતે ભાવિકો-પ્રવાસીઓની મોટી હાજરી નોંધાઈ રહી છે. લોકોના ઘસારાથી રીક્ષા- છકડો અને ટેક્ષી વાહનો સાથે ખાણીપીણી ના ધંધાર્થીઓને ત્યાં વિશેષ ગ્રાહકી જોવા મળી રહી હોવાનું જાણવા મળ્યું છે. લખપત તાલુકાના યાત્રાધામ માતાનામઢ ખાતે ભાવિક ભક્તોની મોટી હાજરી નોંધાઈ છે. દિવાળીની રજાઓ દરમિયાન છેલ્લા ચાર દિવસમાં અંદાજિત બે લાખથી પણ વધુ માઇ ભક્તોએ માં આશાપુરાની મૂર્તિના દર્શન કર્યા હતા. લોકોની ભીડથી માતાના મઢની બજારમાં ફરી નવરાત્રિ જેવી જમાવટ જામી રહી હોવાનું સામે આવ્યું હતું. ખાસ કરીને માતાજીના દર્શન માટે ભાવિકોની લાંબી કતારો સર્જાઈ રહી છે. યાત્રિકોએ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો. છેલ્લા ચાર દિવસથી અહીં અવિરત આવી રહેલા મોટી સંખ્યામાં યાત્રિકો ખાનગી વાહનો દ્વારા આવતા હોવાથી હાઇવે માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી હતી તેમાં અહીં પાર્કિંગ સ્થળે પણ મોટી સંખ્યામાં વાહનો જોવા મળ્યા હતા. વિશેષ યાત્રાધામ માતાના મઢમાં રાતો વાતો કરવા માટે આવેલા યાત્રિકો માટે જાગીર ટ્રસ્ટના રૂમો સાથે અહીંની ખાનગી હોટલ ગેસ્ટ હાઉસમાં પણ હાઉસફુલ્લના પાટીયા લાગી જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો મોટી સંખ્યામાં લોકો મંદિર પરિસરમાં બાંધેલા સમીયાણા માં રાતવાસો કરવાની ફરજ પડી હતી અનેક યાત્રિકોને માતાનામઢ થી લઈને છેક નારાયણ સરોવર સુધી રાત્રી રોકાણ માટે જગ્યા ન મળતા પરત ફરવાની ફરજ પડી હતી.