છોટા ઉદેપુર જિલ્લાની કવાંટ પોલીસે ઉમઠી પાસેથી એક મહિન્દ્ર એક્ષયુવી ગાડીમાં લઈ જવાતાં રૂ.3,80,400ના વિદેશી દારૂ સહિત કુલ રૂ.10,80,400નો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જ્યારે ગાડીનો ચાલક ગાડી મૂકીને ભાગી જવામાં સફળ રહ્યો છે. છોટા ઉદેપુર જિલ્લો સરહદી જિલ્લો છે. જેને લઇને પર પ્રાંતમાંથી અવારનવાર વિદેશી દારૂ ઘુસાડવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જેને જિલ્લા પોલીસ નાકામ બનાવી રહી છે, ત્યારે વધુ એક વિદેશી દારૂની મોટી ખેપ કવાંટ પોલીસે ઝડપી પાડી છે પરંતુ ગાડીનો ચાલક કવાંટ પોલીસને થાપ આપી ભાગી છૂટવામાં સફળ રહ્યો છે. કવાંટ પોલીસ પેટ્રોલીંગમાં હતી ત્યારે, જિલ્લાના ડીવાયએસપીને મધ્યપ્રદેશના વખતગઢ તરફથી એક એક્ષયુવી ગાડી શંકાસ્પદ રીતે જતી હોવાની બાતમી મળી હતી. જે બાતમી કવાંટ પોલીસને આપતા કવાંટ પોલીસે ઉમઠી પાસે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાતમી મુજબની ગાડી આવતાં તેને દૂરથી જ પોલીસને જોઈ જતાં ગાડી મૂકીને ફરાર થઈ ગયો હતો. કવાંટ પોલીસે ગાડી પાસે જઈને ગાડીની તપાસ કરતા ગાડીમાંથી વિદેશી દારૂની 624 બોટલ જેની કિંમત રૂ 3,80,400 મળી આવી હતી. જેથી કવાંટ પોલીસે વિદેશી દારૂ અને ગાડી સહિત કુલ રૂ.10,80,400નો મુદ્દામાલ કબજે કરીને કાર્યવાહી હાથ ધરી હતી. મહત્વની વાત એ છે કે, બાતમીના આધારે વોચ ગોઠવી હતી તેમ છતાં ગાડીનો ચાલક ગાડી મૂકીને ભાગી ગયો હતો. કવાંટ પોલીસ ગાડીચાલકને પકડી શકી ન હતી.