વડોદરાના કૉફી આર્ટિસ્ટ ઉદય કોરડેએ વિદેશની ધરતી પર પ્રથમ વખત કોફી પેઇન્ટિંગનું એક્ઝિબિશન આયોજન કર્યું. આ એક્ઝિબિશન ન્યૂઝીલેન્ડની રોટોરૂઆ શહેરની આર્ટ ગેલેરીમાં 3 દિવસ માટે યોજાયું હતું. આ એક્ઝિબિશનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ન્યૂઝીલેન્ડની હસ્તીઓ સહિતના 50 આર્ટવર્ક રજૂ કરવામાં આવ્યા હતા. ન્યૂઝીલેન્ડની રોટોરૂઆ શહેરની આર્ટ ગેલેરીમાં રોટોરૂઆના મેયર અને દુનિયામાં પહેલીવાર એવરેસ્ટ શિખર સર કરનારા ન્યૂઝીલેન્ડના એડમંડ હિલેરી ઉપરાંત અમિતાભ બચ્ચન, સચિન તેંડુલકર, શાહરૂખ ખાન સહિતના વિવિધ ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રદાન કરી ચૂકેલી હસ્તીઓનો કોફી પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા. વડોદરાના કોફી આર્ટિસ્ટ ઉદય કોરડેએ જણાવ્યું હતું કે, દર વર્ષે ભારતમાં કોફી ડેની ઉજવણીના ભાગરૂપે એક્ઝિબિશન કરતો હતો. જે સમયે એક સ્વપ્ન જોયું હતું કે, એક ઇન્ટરનેશનલ એક્ઝિબિશન કરવું છે. જે સ્વપ્નને સાકાર કરવા માટે મને ગુજરાત લલિતકલા અકાદમીએ મદદ કરી છે. ન્યૂઝીલેન્ડમાં મારું પહેલું ઇન્ટરનેશનલ કોફી પેઇન્ટિંગ પ્રદર્શન યોજાયું છે. જેમાં ઓકલેન્ડ સ્કાય ટાવર, રોટોરૂઆ મ્યુઝિયમ, પાર્લામેન્ટ જેવી હેરિટેજ ઇમારતો સાથે રોટોરૂઆ મેયર તનયા તાપસી, સર એડમંડ હિલેરી, સર રીચાર્ડ હેડલી, સર હોવર્ડ મોરિસનના કોફી પેઇન્ટિંગ પ્રદર્શિત કર્યા છે. આર્ટિસ્ટ ઉદય કોરડેએ વધુમાં જણાવ્યું કે, મેમ્બર ઓફ પાર્લામેન્ટ સર ટોડ મેકલીન જેવા મહાન વ્યક્તિના કોફી પેઇન્ટિંગ બનાવીને એક્ઝિબિટ કર્યા છે. જેમાં મને રોટોરૂઆ સિવિક આર્ટ ટ્રસ્ટ, રોટોરૂઆ આર્ટ વિલેજ અને રોટોરૂઆ મલ્ટીકલ્ચરલ કાઉન્સિલનો સહયોગ પણ પ્રાપ્ત થયો છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, આ એક્ઝિબિશનને સફળ બનાવવા માટે મારા પત્ની, મારા ભાઈ સાથે માતા – પિતા અને પુત્ર સાથે મિત્રોનો સપોર્ટ રહ્યો છે. ખાસ કરીને આ પ્રદર્શન માટે લગભગ એક વર્ષથી પ્રયાસ કરી રહ્યો હતો જેના ભાગરૂપે મેં સફળતા મેળવી છે. આર્ટિસ્ટ ઉદય કોરડે વર્ષ 2016થી કોફી પેન્ટિંગ કરી રહ્યા છે. તેમનું પ્રથમ કોફી પેઇન્ટિંગ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હતી, જે બાદમાં તેમણે ભેટ તરીકે રજૂ કરી હતી, ત્યારબાદ છત્રપતિ શિવાજી મહારાજનું ચિત્ર હતું. અત્યાર સુધી તેમણે 400થી વધુ કોફી પેઇન્ટિંગ્સ બનાવી ચૂક્યા છે. આ ઉપરાંત, એક કોફી પેઇન્ટિંગ બનાવતા લગભગ 700-800 ગ્રામ કોફી વપરાય છે. આ કોફી પોટ્રેટ બનાવવા માટે ખાસ ફ્રાન્સના હેન્ડમેડ પેપર વાપરવામાં આવતા હોય છે, જે મોંઘા હોય છે. અત્યાર સુધી આર્ટિસ્ટ ઉદય કોરડે 7 સોલો પ્રદર્શન અને 4 ગ્રુપ પ્રદર્શન કરી ચૂક્યા છે તથા આ પહેલું ઇન્ટરનેશનલ પ્રદર્શન છે. તેઓએ માત્ર પાંચ વર્ષની ઉંમરે ક્રિકેટના દિગ્ગજ સુનીલ ગાવસ્કરનું પોટ્રેટ પેઇન્ટ કરીને તેની પ્રથમ આર્ટવર્ક બનાવી હતી, તેમની પ્રતિભા ટૂંક સમયમાં જ પ્રકાશમાં આવી, તેમણે મોટી મોટી બ્રાન્ડ્સ દ્વારા પ્રાયોજિત રાજ્ય-સ્તરની સ્પર્ધાઓમાં પુરસ્કારો મેળવ્યા હતા.