નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરે દક્ષિણ ગુજરાતનું પારંપરિક નૃત્ય એવા ઘેરૈયા નૃત્યનો વારસો ટકાવવા માટે 29 વર્ષથી લાભપાંચમના દિવસે હરિફાઈ યોજવામા આવે છે. જેના ભાગરૂપે ઘેરૈયા સ્પર્ધા યોજાઇ હતી. ઘેરૈયા આદિવાસીઓનું પારંપરિક સમુહ નૃત્ય
દક્ષિણ ગુજરાતના ઢોડિયા અને હળપતિ સમાજનું પારંપરિક ઘેરૈયા લોકનૃત્ય ગણાય છે અને આ આદિવાસીઓનું પારંપરિક સમુહ નૃત્ય છે. જેમાં પુરુષો-સ્ત્રીનો વેશ ધારણ કરી નૃત્ય કરે છે અને નવરાત્રિ, દિવાળી તેમજ શુભપ્રસંગે ગામેગામ ફરીને માતાની આરાધના કરે છે અને સમાજની સુખશાંતિ માટે માતાની કૃપા મેળવે છે. ઘેરૈયાની ટુકડીના મુખ્ય માણસ નાયકને “કવિયો” કહેવામાં આવે છે. કવિયો ગીત ગાય છે અને બીજા ઘેરૈયાઓ તે ઝીલે છે. ઘેરૈયાનો પંરપરાગત પોશાક સાડી, ડબલ ફાળનું ધોતિયુ, ચોળી, ઝાંઝર, કેડે ચાંદીની સાંકળ વગેરે સ્ત્રીના કપડાં તથા માથે ફેટો, એક હાથમાં દાંડીઓ, બીજા હાથમાં મોરપીંછી, પગમાં મોજા અને જોડા વગેરેનો શણગાર કરી શિવ-શક્તિ સ્વરુપ ધારણ કરે છે. ઘેરૈયાની લોકવાયકા
ઘેરૈયા મંડળીઓ દૂર દૂર સુધી ઘેર લઇને જાય છે અને નવરાત્રિ દરમિયાન ઘેરૈયા નુત્યની રમઝટ બોલાવતા હોય છે. ઘેરૈયાની અનેક લોકવાયકા છે કે, જેના સમયમાં ઘણીયામાની દીકરી જે ગામે પરણેલી હોય તે ગામ સુધી ઘેર લઇને જતા હતા. સામાન્ય રીતે એવી માન્યતા કે ધૈરેયા મંડળીઓ જે ઘેરે જાય જેનું કલ્યાણ થાય અને દરેક પ્રકારની મનોકામના માતાજી પૂર્ણ કરે છે. છેલ્લાં 29 વર્ષથી લાભપાંચમના દિવસે સ્પર્ધા યોજવામાં આવે છે
છેલ્લાં કેટલાક સમયથી બદલાયેલી રહેણીકરણી અને જીવનપદ્ધતિના કારણે ઘેરૈયા નૃત્ય ભુલાઈ રહ્યુ છે. આદિવાસી સમાજની પરંપરાને ટકાવી રાખવા માટે નવસારી જિલ્લાના બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ તરફથી 29 વર્ષથી લાભપાંચમના દિવસે સ્પર્ધા યોજવામા આવે છે. જેમાં સમગ્ર દક્ષિણ ગુજરાતના ઘેરૈયા ગૃપો ભાગ લે છે અને ગુજરાતના આદિવાસી નૃત્યને વેગ આપી સંસ્કૃતિને ઉજાગર કરતાં ચાલુ વર્ષે આ સ્પર્ધામાં 9 જેટલા ઘેરૈયાઓની ઘેરને નિહારવા મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આમ દક્ષિણ ગુજરાતનું વિસરાતું જતું લોકનૃત્ય ધૈરેયાને ઘેર ફરી જીવત થઇ લોકના દિલમાં વસવાટ કર્યો છે