જામનગર શહેરમાં આજે લાભ પાંચમના તહેવારની સવારે તળાવની પાળે આગનીની ઘટના બની હતી. સોડા શોપ -જ્યુસ તેમજ પીઝા પાર્લર સહિત ૩ દુકાનોમાં આગ લાગવાથી ભારે નુકસાની થઈ છે. ફાયર બ્રિગેડની ટુકડીએ દોડી જઇ સમયસર આગને કાબુમાં લઈ લીધી હતી. વોકિંગમાં નીકળેલા મ્યુનિ. કમિશનર નું ધ્યાન પડવાથી ફાયર ઓફિસરને જાણ કરીને ટીમને સ્થળ પર બોલાવી લઈ આગ પર કાબુ મેળવાયો હતો. આ ઘટના ની માહિતી એવી છે કે, મહાનગરપાલિકાના કમિશનર ડીએન.મોદી આજે સવારે લાખોટા તળાવ પરિસરમાં મોર્નિંગ વોકમાં નીકળ્યા હતા, જે દરમિયાન લાખોટા તળાવની સામેના ભાગમાં આવેલી જે.પી. સોડાવાલા, ઇટાલિયન પીઝેરિયા તેમજ જશરાજ જ્યુસ એન્ડ કોલ્ડ્રીંક્સ નામની ત્રણ દુકાનોમાં વહેલી સવારે માં અકસ્માતે શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હતી. જે આગની જ્વાળાઓ બહાર દેખાતાં કમિશનર ડી. એન. મોદીનું ધ્યાન પડ્યું હતું અને તેમણે તુરત જ મહાનગરપાલિકાના ફાયર ઓફિસર કે. કે. બીશ્નોઈ ને જાણ કરી હતી, જેથી ફાયર ઓફિસર જાતે તેમજ ફાયરના અન્ય જવાનો ફાયર ફાઈટર સાથે બનાવના સ્થળે પહોંચી ગયા હતા, અને પાણીનો મારો ચલાવી એકાદ કલાકની જહેમત બાદ આગ પર કાબુ મેળવી લેવાયો હતો, અને આગ વધુ પ્રશરતી અટકી હતી. સૌ પ્રથમ જે પી. સોડાવાલા શોપ માં આગ લાગી હતી અને સોડા શોપના મશીનો, ફ્રીજ વગેરે ઇલેક્ટ્રીક ઉપકરણ સળગવા લાગ્યા હતા. ત્યારબાદ આગ ઇટાલિયન પિઝામાં પહોંચતી હતી, અને ત્યાં પણ પીઝાના મશીનો, ફર્નિચર વગેરે સળગવા લાગ્યા હતા. ત્યારબાદ બાજુમાં જ આવેલી જસરાજ જ્યુસ એન્ડ કોલ્ડ્રીંક્સ નામની દુકાનમાં પણ આગની જ્વાળાઓ પહોંચી હતી, અને મિક્સર -જ્યુસર સહિતના ઇલેક્ટ્રીક ઉપકરણો વગેરે સળગી ઊઠ્યા હતા. જે ત્રણેય દુકાનોમાં લાખો રૂપિયાનું નુકસાન થયાનું અનુમાન લગાવાયું છે. આસપાસના વિસ્તારમાં અન્ય દુકાનો તેમજ ઉપરના માળે ફ્લેટ આવેલા હોવાથી થોડો સમય માટે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો, પરંતુ સમયસર આગ પર કાબુ મેળવી લેવાતાં સર્વેએ હાશકારો અનુભવ્યો હતો.