હિંમતનગરના બસ સ્ટેન્ડથી મોતીપુરા તરફ જતા ઉમાશંકર ઓવરબ્રિજ નીચે ટ્રાન્સફરમાં આજે રાત્રે આગ લાગી હતી. જેને લઈને અફડાતફડીનો માહોલ સર્જાયો હતો. જોકે UGVC ટીમ અને ફાયર ટીમ ઘટનાસ્થળે આવી હતી. ત્યાર બાદ વીજ પ્રવાહ બંધ કર્યો હતો અને પાણીનો મારો ચલાવી ફાયર ટીમે આગ બુઝાવી હતી. આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં ઉમાશંકર રેલવે ઓવરબ્રિજ નીચે સર્વિસ રોડ તરફ આવેલા સંકટમોચન હનુમાનજી મંદિર પાસે આવેલ વીજ ટ્રાન્સફોર્મરમાં લાભ પાંચમને બુધવારે રાત્રે અંદાજે 7.30 કલાકની આસપાસ આગ લાગી હતી. અચાનક ભડભડ વિજડીપી પર આગ લાગવાને લઈને નાસભાગ મચી જવા પામી હતી. જેને લઈને આજુબાજુના વિસ્તારમાં વીજ પ્રવાહ બંધ થઇ ગયો હતો. આગને લઈને રોડ પર અવર જવર બંધ થઇ ગઈ હતી. આગ લાગવાને લઈને UGVCL ટીમ સ્થળ પર આવી પહોંચી હતી. ત્યાર બાદ હિંમતનગર નગરપાલિકાની ફાયર ટીમ સ્થળ પર આવી હતી અને પાણીનો મારો ચલાવી આગ બુઝાવી હતી.