જુનાગઢ નેત્રમ શાખા દ્વારા અત્યાર સુધીમાં સીસીટીવી કેમેરાની મદદથી લોકોના નાનામાં નાની થી લઇ મોટામાં મોટી વસ્તુઓ શોધી આપી છે. ત્યારે નેત્રમ શાખા દ્વારા અત્યાર સુધીમાં કરોડો રૂપિયાનો મુદ્દામાલ લોકોને પરત કર્યો છે. ત્યારે જુનાગઢ પોલીસે વધુ એક વખત પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્રને સાર્થક કરી બતાવ્યું છે. થોડા દિવસો પહેલા જુનાગઢ નેત્રમ શાખાના પીએસઆઇ પી.એચ મશરું અને પોલીસ સ્ટાફ દ્વારા અરજદારોના અલગ અલગ વિસ્તારમાં ગુમ થયેલ 5 તોલા સોનાની લક્કી ,2 તોલા સોનાનો બ્રેસલેટ, 1 પોલા સોનાની બુટી તથા ચાંદીના સાંકડા મળી કુલ 8 તોલા સોનાના આભૂષણ સહિત કુલ રૂપિયા 6,50,000 ની કિંમતનો મુદ્દા માલ ગુમ થયાની ફરિયાદ નેત્રમ શાખાને મળી હતી. ત્યારે નેત્રમ શાખા દ્વારા બંને અરજદારોને સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ મળી કુલ 6,50,000 નો મુદ્દામાલ પરત કર્યો હતો. જયેશભાઈ ગીગાભાઈ જાડેજા નામના વ્યક્તિ ગાંધીગ્રામ થી વંથલી તરફ જતા હતા તે દરમિયાન જયેશભાઈએ હાથમાં પહેરેલ પાંચ તોલાની સોનાની 4 લાખ રૂપિયાની કિંમતની લક્કી રસ્તામાં પડી ગયેલ હતી. ત્યારે જયેશભાઈ જાડેજાએ નેત્રમ શાખાનો સંપર્ક કરી પોતાની લક્કી ગુમ થયાની જાણ નેત્રમ શાખામાં કરી હતી. તેમજ તાલાળા રહેતા ધવલભાઇ મનસુખભાઈ ભડારીયા પોતાના પત્ની સાથે જુનાગઢ આવતા હતા. ત્યારે કૃષિ યુનિવર્સિટી પાસે આ દંપતી નાસ્તો કરવા ઊભા રહ્યા હતા. તે સમયે ધવલભાઇ ના પત્ની પાસે રહેલ બેગ એક નાસ્તાની દુકાને ભૂલી ગયા હતા. જે બેગમાં આશરે 3 તોલા સોનાનું બ્રેસલેટ ,ચાંદીના સાંકડા, ચાંદીની કડલી બે એટીએમ, એક ઘડિયાળ રોકડ રૂપિયા મળી કુલ ₹2,50,000 નો સામાન આ બેગમાં હતો. ત્યારે પોતાનો બેગ ગુમ થયાની જાણ થતા દંપતિ આકુળ વ્યાકુળ થયું હતું. અને તેમને પણ નેત્રમ શાખાનો સંપર્ક કરી પોતાનો બેગ ગુમ થયાની જાણ કરી હતી. બંને અરજદારોના કિંમતી દાગીના અને રોકડ રૂપિયા ગુમ થયાની ફરિયાદ નેત્રમ શાખામાં કરતા વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત ઇન્સ્ટોલ કરેલ સીસીટીવી કેમેરાની મદદથી આ મુદ્દા માલની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. ત્યારે જુનાગઢ નેત્રમ શાખાના સ્ટાફ દ્વારા બંને અરજદારોના કિંમતી દાગીના અને રોકડ રૂપિયા જયેશભાઈ જાડેજા અને ધવલભાઈ ભડારીયા ને પરત કરવામાં આવ્યા હતા. પોતાનો કિંમતી સામાન અને રોકડ રૂપિયા પરત મળતા જયેશભાઈ જાડેજા અને ધવલભાઈ ભડારીયા એ જુનાગઢ પોલીસ અને નેત્રમ શાખાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે સાચે જ પોલીસ પ્રજાનો મિત્ર છે તે સૂત્ર સાર્થક થયું છે.