સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરમાં જન્મ દિવસની ઉજવણી પર પ્રતિબંધ હોવા છતાં નિયમનોના ધજાગરા ઉડાવતા યુવાનોના વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થયા છે. સુરત શહેરના સચિન વિસ્તારમાં યુવકો જાહેર રસ્તા પર હાથમા ફટાકડા લઈ આતિશબાજી કરી રહ્યા હતા. એટલું જ નહીં મોટી સંખ્યામાં ડીજે સાથે ટુ-વ્હીલર પર આ યુવકો નીકળ્યા હતા. જેમાંથી એક યુવક રિક્ષાની ઉપર બેઠો હતો. બેફામ બનેલા આ યુવકોએ સુરત પોલીસ કમિશનરના જાહેરનામાના ધજાગરા ઉડાડ્યા હતા. હાલ સચિન પોલીસે આ લોકો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. 10થી વધુ કેક સાથે આતિશબાજી કરી
લગભગ 10થી વધુ કેક જાહેર રસ્તા પર આતિશબાજી ફટાકડા ફોડીને જન્મ દિવસની ઉજવણી કરતા આશરે 30થી વધુ લોકોએ આખા વિસ્તારને જાણે બાનમાં લઈ લીધો હોય તેવી રીતે વીડિયોમાં સ્પષ્ટપણે દેખાય છે. આમ તો જાહેર રસ્તા પર જન્મદિનની ઉજવણી ન કરવા પર પોલીસ કમિશનરનું જાહેરનામું છે. તેમ છતાં બેફામ બનેલા યુવાનો એક બાદ એક નિયમના ધજાગરા ઉડાવતા નજરે પડે છે. રેલી હોય તેવી રીતે બાઈક રેલી કાઢી
જાણે કોઈ રેલી હોય તેવી રીતે બાઈક રેલી કાઢી હતી અને તેઓ જાહેર રસ્તા પર આતિશબાજી કરી રહ્યા હતા. હાથમાં ફટાકડા લઈ તેઓ છોડી રહ્યા હતા. ટેમ્પોમાં ડીજે લઈને આ લોકો નીકળ્યા હતા. તેની પાછળ આશરે 20થી વધુ બાઈકચાલકો જાણે રેલી લઈને નીકળ્યા હોય તેવી રીતે જાહેર રસ્તા પરથી પસાર થઈ રહ્યા હતા.