વડોદરા એરપોર્ટ ખાતે મેક ઇન ઇન્ડિયા અંતર્ગત તૈયાર થનાર ડિફેન્સ કાર્ગો પ્લેન સી-295 પૈકી પ્રથમ 5 પ્લેનનો ટેસ્ટ મંગળવારથી વડોદરા એરપોર્ટ ઉપર શરૂ થયો હતો. 1 હજાર ફીટની ઊંચાઈ પર બપોરે શરૂ થયેલાે આ ટ્રાયલ રાત સુધી સતત ચાલુ રહેતાં લોકોમાં પણ કુતૂહલ સર્જાયું હતું. બીજી તરફ વડોદરાથી ઉડાન ભરીને ડિફેન્સનું પ્લેન સુરત રનવે ઉપર ટચ કરાવી પરત વડોદરા આવતાં સુરતના લોકોને પણ આશ્ચર્ય થયું હતું. સ્પેનની કંપની એરબસ અને તાતા કંપનીના સંયુક્ત ઉપક્રમે 54 પ્લેન ભારતીય વાયુસેનાને મળવાના છે, જે પૈકી 14 પ્લેન સ્પેનમાં તૈયાર થઈ ભારતમાં આવશે. આ પૈકીના 5 પ્લેનની ડિલિવરી અગાઉ ભારતીય વાયુસેનાને આપવામાં આવી છે, જે પ્લેનનો ટેસ્ટ મંગળવારે વડોદરા ખાતે વાયુસેના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો. સાંજે 4:30 વાગે શરૂ થયેલા આ ટેસ્ટમાં વડોદરાથી સુરત રનવે સુધીની મજલ કાપીને પરત આવેલા પ્લેન વડોદરા એરપોર્ટ ઉપર 1 હજાર ફીટની ઊંચાઈએ સતત ચક્કર મારી ટેસ્ટ કરી રહ્યા હતા. જેને પગલે રાત્રે 9:30 વાગે પણ પ્લેનની ઘરેરાટીથી વડોદરાનું આકાશ ગુંજી રહ્યું હતું, જ્યારે લોકોમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ ટેક્નિકલ નોલેજ મેળવ્યા બાદ હવે એરફોર્સ દ્વારા તેનો ટ્રાયલ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા એરપોર્ટ ઉપર અંદાજે 25 થી વધુ ચક્કર મારવાનું જાણવા મળે છે. 1 હજાર ફીટ પર ટ્રાયલ, પ્લેન 15 હજાર ફીટ ઊંચે જઈ શકે છે
એરફોર્સના પાઇલટને સી-295 પ્લેન ચલાવવાનો અનુભવ ન હોવાથી તેમને પ્રથમ ડિલિવરી લીધા બાદ ટેક્નિકલ નોલેજ અને પ્લેનની તમામ વસ્તુથી અવગત કરાવવામાં સમય ગયો હોવાનું જાણવા મળ્યું હતું. આ પ્લેન 15 હજાર ફીટ સુધી ઉપર જઈ શકે છે, જેનો ટ્રાયલ 1 હજાર ફીટથી શરૂ કરાયો, જે વધારાશે. વડોદરા એરફોર્સ પાસે 5 પ્લેન હતાં
ભારતીય વાયુસેનાને અપાયેલાં 5 પ્લેન વડોદરા એરફોર્સ પાસે વડોદરા એરપોર્ટ પરના હેંગર પર રખાયાં હોવાનું જાણવા મળ્યું હતું. જોકે આ અંગે એરપોર્ટ દ્વારા સત્તાવાર માહિતી અપાઈ નથી. અત્રે ઉલ્લેખનીય છે, વડોદરા વાયુસેના પાસે પ્લેનને રિપેરિંગ કરવાનું પણ કામકાજ થઈ શકે છે અને બાજુમાં જ તાતાની કંપનીનો પ્લાન્ટ પણ આવેલો છે. નવી મુંબઈના એરપોર્ટ પર ઉતરાણ કરાયું
સૂત્રોએ કહ્યું કે, વડાપ્રધાન મોદી વડોદરા આવવાના હતા તેના 1 સપ્તાહ પૂર્વે નવી મુંબઈમાં બનનાર નવા એરપોર્ટ પર જ્યાં 70 ટકા કામ થયું છે ત્યાં પ્લેનનું ટેસ્ટિંગ કરાયું હતું. પ્રોજેક્ટ અગાઉ મહારાષ્ટ્ર જવાનો હતો
તાતા કંપનીનાં સૂત્રોએ જણાવ્યા મુજબ પ્લેન બનાવવાનો પ્રોજેક્ટ મહારાષ્ટ્ર જવાનો હતો,તેને બદલે વડોદરામાં શરૂ થયો છે. મહારાષ્ટ્રની ચૂંટણીમાં આ મુદ્દો ચર્ચા સ્થાને છે.