સુરતમાં ગઈકાલે એટલે કે બુધવારે રાતના સમયે સીટી લાઈટ વિસ્તારની અંદર અમૃતયા સ્પા અને જીમ-11 માં આગ લાગવાની ઘટના બની હતી. આગને પગલે 2 મહિલાના મોત થયા હતા. આ ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. ફાયરની ટીમે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં લેવા પ્રયાસ હાથ લીધી હતી. આ ઘટનામાં બે મહિલાઓના ગૂંગળામણના કારણે મોત થયા છે તો ત્રણ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે. શું હતી ઘટના?
જીમ-11માં મીટર પેટીમાં આગ લાગતા તેનો ધુમાડો અમૃતયા સ્પામાં પહોંચ્યો હતો. ધુમાડો નીકળવાનું શરૂ થતા સ્પાની 4 મહિલા કર્મચારી અને એક વોચમેન ઘટના સમયે હાજર હતા. વોચમેન અને બે યુવતી બહારની તરફ દોડી ગયા હતા અને બે યુવતીઓ સ્પાના બાથરૂમમાં જતા રહેતા ગૂંગળામણના કારણે મોત થયું હતું. બંને મૃતક સિક્કિમની રહેવાસી હતી
સ્પામાં કામ કરનારી બંને યુવતીઓ સિક્કિમની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે. બીનું હંગામાં લીમ્બુ અને મનીષા રોય નામની યુવતીનું મોત થયું છે. મનીષા રોય એક મહિના પહેલા જ સુરત આવ્યો હોવાનું તેની બહેને જણાવ્યું છે. તેની બહેનના કહેવા પ્રમાણે તે ક્યાં કામ કરતી હતી તે અંગે તેને કોઈ માહિતી નથી પરંતુ જ્યારે ઘટનાની જાણ થઈ ત્યારે તે સિવિલ હોસ્પિટલના પીએમ રૂમ પાસે આવી હતી અને ત્યારબાદ તેની બહેનનું મોત થયું હોવાનું તેને જાણવા મળ્યું હતું. કોમ્પ્લેક્સની ડિઝાઇન જોખમી
આગ લાગી ત્યારે સ્ટાફના 5 લોકો હાજર હતા, જેમાં ચાર મહિલા અને એક વોચમેન હતો. ધુમાડો નીકળતાંની સાથે જ બે મહિલા અને વોચમેન બહારની તરફ ભાગ્યા હતા. જ્યારે બે સ્ટાફની મહિલાઓ અંદરની તરફ ભાગીને બાથરૂમનો દરવાજો લોક કરી દીધો હતો. જેથી, કરીને સ્મોક ન આવે પરંતુ, વધુ પડતા હિટને કારણે સ્મોક ફેલાયો હતો. ગૂંગામણના કારણે બંને સ્પા મહિલા કર્મચારીઓનું મોત થઈ ગયું છે. શરીર ઉપર દાઝ્યાના કોઈ નિશાન નથી માત્ર ગુંગળામળને કારણે મોત થયું છે. આખા મોલનો આગળનો ભાગ બંધ છે. મોલનું બાંધકામ જ એ પ્રકારનું છે કે, કોઈપણ પ્રકારે હવાની અવરજવર થઈ શકે તેમ નથી અને આ કારણોસર જ આગ લાગ્યા બાદ ધુમાડો અંદર જ રહ્યો હતો. જીમ અને સ્પા ગેરકાયદેસર ચાલતા હતા?
જે રીતે કોમ્પ્લેક્સ નું સ્ટ્રક્ચર છે અને જ્યાં ઘટના બની છે તે જોતા ઘણી બધી ક્ષતિઓ સામે આવી રહી છે. મહત્વની બાબત એ છે કે, જીમમાં આગ લાગ્યા બાદ સ્પા સુધી તેનો સ્મોક ગયો હતો. જીમ 11માં પાર્ટીશન કરીને ઉપરના ભાગે અમૃતયા સ્પા એન્ડ સલૂન ચલાવવામાં આવી રહ્યું હતું. તેને કાયદેસરની પરવાનગી લેવામાં આવી હતી કે કેમ તે મહત્વની બાબત છે. જીમ ઓનરનું નામ શાહ નવાજ અને સ્પા ચલાવનરનું નામ વસીમ સામે આવી રહ્યું છે. હવે તેમણે પરવાનગી લીધી હતી કે, કેમ તે તપાસનો વિષય છે. ઝોનલના અધિકારીઓ આ બાબતે હજી કોઈ સ્પષ્ટતા કરી રહ્યા નથી. મોડી રાતે સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓની ટીમ ઘટના સ્થળ ઉપર પહોંચી હતી. અધિકારીઓને જીમ અને સ્પા બંને એકસાથે ચાલતું હતું તે અંગેની માહિતી છે કે કેમ? અને ઓન રેકોર્ડ કેવી રીતે તેમને પરમિશન લીધી છે તે પણ એક મોટો તપાસનો વિષય છે. રાજકોટની ઘટના બાદ પણ કોઈ બોધપાઠ લીધો હોય એવું જણાતું નથી
રાજકોટના ગેમઝોનમાં લાગેલી આગમાં માસુમ લોકોના જીવ ગયા હતા. ત્યારબાદ ફાયર વિભાગ દ્વારા ફાયર સેફ્ટીને લઈને તત્કાલ સીલ મારવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પરંતુ, જે સ્ટ્રક્ચર હોય છે તે સ્ટ્રક્ચર કેવી રીતે બન્યા હોય છે? તે અંગેની ઊંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી નથી. જીમ અને સ્પા એકસાથે ચાલી રહ્યું હતું તો અધિકારી દ્વારા તેની સ્થળ તપાસ કરીને તેની ગંભીરતા લેવામાં આવી હતી કે કેમ? જો જીમમાં પાર્ટીશન કરીને ઉપરની તરફ સ્પા ચલાવવામાં આવી રહ્યું હતું તો તેને યોગ્ય રીતે એક્ઝિટ મળી શકે તે પ્રકારનું હતું કે કેમ અને જો નહોતું તો અધિકારીઓએ તાત્કાલિક અસરથી જે-તે સમયે પગલાં કેમ લીધા નથી. મેયરે જવાબદાર અધિકારી સામે પગલાં લેવાની વાતો કરી છે પરંતુ, આખરે આના માટે જવાબદાર કોને ઠેરવવામાં આવશે તે યક્ષ પ્રશ્ન બન્યો છે. સ્મોકના કારણે બંને યુવતીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો
સીટી લાઈટ વિસ્તારની અંદર જ્યાં ઘટના બની છે, તેની ડિઝાઇન બહારની તરફથી જોતા જોખમી લાગી રહી છે. આખી બિલ્ડિંગમાં ત્રીજો અને ચોથો માળ બ્લુ કલરના કાચથી ઢંકાયેલો છે, જેના કારણે કોઈપણ પ્રકારની હવાની અવર-જવર થઈ શકે તેમ નથી. કાચની વોલ હોવાને કારણે અંદરથી ધુમાડો બહાર જઈ શકે તેમ ન હતો અને પરિણામે આગ ખૂબ જ નાની હોવા છતાં પણ માત્ર સ્મોકના કારણે બંને યુવતીઓએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. ફાયર વિભાગે હાથ ખંખેરી લીધા
ફાયર અધિકારી હરેશ ગઢવી સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, ફાયર વિભાગ દ્વારા ઓગસ્ટ 2024માં નોટિસ ફટકારવામાં આવી હતી ત્યારબાદ તેમણે રિન્યુઅલ કર્યું છે કે કેમ તે અંગે અમને કોઈ માહિતી નથી કારણ કે, રિન્યુઅલની કામગીરી ખાનગી એજન્સી દ્વારા કરવામાં આવે છે. તેથી, અમને આ અંગે કોઈ માહિતી મળી નથી. નીચે ઉતરવા માટે એક જ એક્ઝિટ રસ્તો છે. જીમ-11માં પાર્ટીશન કરીને ઉપરની તરફ સ્પામાં જવા માટેનો રસ્તો છે. બિલ્ડીંગ 17 વર્ષ જૂનું છે ત્યારે તેની સર્ટિફિકેટ લીધું છે કે નહીં ત્યારે નિયમ કયા પ્રકારના હતા? તે અંગે હજી અમારે તપાસ કરવી પડશે. ફાયર સેફટીના સાધનો હતા જે અમે પોતે નિરીક્ષણ કરીને આવ્યા છીએ. મોલના ત્રીજા માળે આગના ધૂમાડા નીકળી રહ્યા હતા
આ ઘટનાને નજરે જોનાર પ્રત્યક્ષદર્શી શૈલેષ કાનાણીએ જણાવ્યું હતું કે, હું સીટીલાઈટ રોડ પરથી પસાર થઈ રહ્યો હતો ત્યારે મોલના ત્રીજા માળે આગના ધૂમાડા નીકળી રહ્યા હતા. આ સમયે મે તુરંત જ કોલ કરીને જાણ કરી એટલે તુરંત જ ફાયર સેફ્ટીના કર્મીઓ આવી ગયા હતા. અહીં ઉપર જે સ્પા અને જીમ આવેલું છે ત્યાં બે મહિલાઓ ટોયલેટમાં ફસાઈ ગઈ હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવી છે. મિત્રની રાહ જોઈ રહ્યો હતો ત્યારે કંઈક સળગ્યું હોય એવું લાગ્યું
ઘટનાસ્થળે હાજર જયસ્વાલ આકાશે જણાવ્યું હતું કે, હું અહીં સામે બેસીને મારા મિત્રની રાહ જોઈ રહ્યો હતો ત્યારે કંઈક સળગ્યું હોય એવી સ્મેલ આવી રહી હતી. ઉપર નજર ફેરવી તો મોલમાંથી આગના ધુમાડા નીકળી રહ્યા હતા. દોડીને ત્યાં પહોંચ્યો તો ઊભેલા લોકોએ જણાવ્યું કે, ત્યાં આગ લાગી છે. બે લોકો ફસાયેલા હતા અને તે ત્યાં જ કામ કરતા હતા. મે તુરંત જ ફાયર વિભાગ અને 108ને ફોન કરીને ઘટના અંગે જાણ કરી. મેયર પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા
મેયર દક્ષેશ માવાણીએ ઘટના અંગે વાત કરતાં જણાવ્યું હતું કે, શોર્ટ સર્કિટના કારણે અહિંયા આગ લાગી હતી. મને જાણ થતાં હું ઘટનાસ્થળ પર આવ્યો છું. આગ અત્યારે સંપૂર્ણપણે કાબૂમાં છે પણ દુ:ખદ વાત એ છે કે, બે મહિલાના મોત થયા છે. બંને મહિલાઓના મૃતદેહને પીએમ માટે સિવિલ ખસેડવામાં આવ્યા છે. ઘટના સમયે 4-5 લોકો અંદર હતા એવી પ્રાથમિક તપાસમાં માહિતી મળી છે. બે મહિલાઓ અંદર ફસાઈ ગઈ અને ત્રણ જણા બહાર નીકળી ગયા હતા. અધિકારીઓને સૂચના આપી છે કે, આમાં પૂરેપૂરી તપાસ કરે અને જો કોઈ બેદરકારી જણાય તો અમે કાયદેસરના પગલાં ભરીશું. પોલીસે સ્પા અને જીમના માલિકની પૂછપરછ હાથ ધરી
અમરોલી પોલીસ મથકના ઇન્સ્પેક્ટર જે. જી. પટેલે જણાવ્યું હતું કે, હાલ આ ઘટના બાદ સ્પા અને જીમના માલિકની પૂછપરછ કરવામાં આવી રહી છે. તમામ ડોક્યુમેન્ટ્સ વેરીફાઇ કરવામાં આવશે. કેટલા લોકો નોકરી પર હતા અને આ ઘટના કઈ રીતે બની તે અંગેની પણ તપાસ કરવામાં આવશે. હાલ બંને માલિકો સાથે પૂછપરછ કરવામાં આવી રહી છે. આગ જીમમાં લાગી હતી
પીઆઇએ વધુમાં જણાવ્યું હતું કે, તપાસમાં હાલ જાણવા મળ્યું છે કે લાભ પાંચમ હોવાના કારણે સ્ટાફના લોકો આજે સાફ સફાઈ કરવા માટે આવ્યા હતા. બીનું અને મનીષા ત્યાં ફસાઈ ગઈ હતી. પ્રાથમિક રીતે જાણવા મળ્યું છે કે, આગ જીમમાં લાગી હતી. તમામ કર્મચારીઓનું રજીસ્ટ્રેશન છે કે નહીં તે અંગેની માહિતી એકત્ર કરવામાં આવશે.