back to top
Homeગુજરાતભગવાને જ્યાં શિક્ષાપત્રી લખી તે હરિ મંડપ કેવો?:વડતાલધામ માટે જમીન આપી તે...

ભગવાને જ્યાં શિક્ષાપત્રી લખી તે હરિ મંડપ કેવો?:વડતાલધામ માટે જમીન આપી તે પરિવાર ક્યાં છે?, અહીં છે ભગવાને વાપરેલી વસ્તુઓ; સ્વામિ.સંપ્રદાયની રાજધાનીની કથા

સ્વામિનારાયણ સંપ્રદાયની રાજધાની એટલે વડતાલ ધામ. આ મંદિરને 200 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન દ્વિશતાબ્દી મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. ભગવાન સ્વામિનારાયણના ભક્તો માટે ત્રણ ઘટના ખૂબ મહત્ત્વપૂર્ણ છે. સૌથી પહેલા ભગવાન સ્વામિનારાયણ ઈસ 1799માં નીલકંઠવર્ણી તરીકે ભારતભ્રમણ કરી રહ્યા હતા ત્યારે વર્ણી વેશે 20 માર્ચ, 1799 (વિક્રમ સંવત 1855ના ફાગણ સુદ બારસ)ના રોજ આવ્યા અને ભવ્ય ધામનો સંકલ્પ થયો. ત્યાર બાદ આ સંકલ્પ પૂર્ણ કરવા 1822 (ચૈત્ર સુદ તેરસ, 1878)માં ઘનશ્યામ મહારાજે વેદોક્ત વિધિથી વડતાલ મંદિરના નિર્માણ માટે પૂજન કર્યું. આ સાથે જ શરૂ થઈ શિખરબદ્ધ મંદિરોના નિર્માણની ગાથા. વડતાલ ધામનો પાયો નંખાયા બાદ ઈ.સ.1824 (કારતક સુદ બારસ)ના રોજ ખુદ ભગવાન સ્વામિનારાયણે વડતાલમાં લક્ષ્મીનારાયણની મૂર્તિની સ્થાપના કરી. આમ મંદિરના શિલાન્યાસથી લઈને પ્રતિષ્ઠા સ્વામિનારાયણ ભગવાને ખુદે જ કરી હતી. આ દ્વિશતાબ્દી મહોત્સવને લઈ દિવ્ય ભાસ્કરે ગ્રાઉન્ડ રિપોર્ટ કર્યો છે. જેના પહેલા ભાગમાં મહોત્સવમાં પ્રસાદ, પાર્કિંગથી લઈ પ્રદર્શનની વ્યવસ્થા સહિતની માહિતી રજૂ કરી હતી. જ્યારે આજે બીજા ભાગમાં વડતાલ ધામની જમીન અને ભગવાન સ્વામિનારાયણ દ્વારા ઉપયોગમાં લેવામાં આવેલી વસ્તુઓ , જ્યાં શિક્ષાપત્રી લખી તે જગ્યા તથા નવા બની રહેલા અક્ષર ભુવન અંગે જણાવી રહ્યા છીએ. વાંચો: વડતાલધામના દ્વિશતાબ્દી મહોત્સવનો ગ્રાઉન્ડ રિપોર્ટ પાર્ટ-1 જોરાભાઈએ મંદિર અને ગોમતી તળાવ માટે જમીન આપી
અમે વડતાલ પહોંચ્યા ત્યારે એક જ વિચાર આવતો હતો કે, જે જગ્યા પર પહેલું મંદિર બંધાયું છે એ જગ્યા કેવી રીતે મંદિરને મળી? આ સવાલનો જવાબ શોધવા અમે મંદિરની ભૂમિના દાતાને શોધ્યા. આ મંદિર અને ગોમતી તળાવ માટે પોતાની જમીન દાનમાં આપનાર જોરાભાઈ થોભણજીભાઈ પટેલના કેટલાક વંશજો વડતાલમાં તો કેટલાક ઓસ્ટ્રેલિયામાં રહે છે. હાલ ચોથી પેઢીના વારસદાર એવા કમળાબેન પટેલને એક દીકરો અને બે દીકરી છે. દીકરો હાલ ઓસ્ટ્રેલિયામાં નોકરી કરે છે. હાલ જોરાભાઈની ચોથી પેઢી વડતાલમાં જ રહે છે
અમે વડતાલમાં રહેતાં 96 વર્ષનાં કમળાબહેન ચંદુભાઈ પટેલને મળવા પહોંચ્યા. કમળાબહેન અને તેમનો પરિવાર જોરાભાઈ થોભણજીભાઈના ચોથી પેઢીના વારસદારો છે. આ એ જ જોરાભાઈ છે જેઓ સ્વામિનારાયણ ભગવાન પહેલીવાર વડતાલ પધાર્યા ત્યારે તેમના સ્વાગત માટે ગયા હતા. આ ઉપરાંત ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવન ચરિત્રના ચોથા ભાગમાં જોરાભાઈએ તેમને વડતાલ મંદિર માટે અને ગોમતી તળાવ માટે જમીન આપી હોવાનો ઉલ્લેખ કરેલો છે. ‘અમારા વડવા પહેલેથી સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા’
અમે આ અંગે વધુ માહિતી મેળવવા કમળાબા સાથે વાતચીત કરી. કમળાબા તો ઉંમરને કારણે ખાસ વાત ન કરી શક્યા. જો કે, તેમના દીકરી પુષ્પાબહેને આ અંગે જણાવ્યું કે, બા અમને કાયમ સ્વામિનારાયણ ભગવાનની વાતો કરતાં. તેઓ કહેતાં કે વડવાઓ ભગવાન સ્વામિનારાયણને તાડણ (વડતાલથી જોળ ગામ તરફ જતા આવતું તળાવ)માં તેડવા ગયા હતા. અમારા વડવાઓ પહેલેથી જ સ્વામિનારાયણ ભગવાનની સેવા કરતા હતાં. સ્વામિનારાયણ ભગવાને માથે ઈંટો ઊંચકી મંદિરનું નિર્માણ કર્યું
ગુજરાત સહિત દેશ-વિદેશમાં આવેલા સ્વામિનારાયણ મંદિરમાં સ્વામિનારાયણની પોતાની જ મૂર્તિ હોય છે. પરંતુ વડતાલ મંદિરમાં લક્ષ્મીનારાયણ ઉપરાંત નરનારાયણની અને ભગવાન સ્વામિનારાયણની પોતાની મૂર્તિઓ આવેલી છે. સ્વામિનારાયણ ભગવાને પોતાના માથે ઈંટો ઊંચકી આ મંદિરનું નિર્માણ કર્યું હતું. જેથી આ મંદિર બીજા અન્ય મંદિરથી અલગ તરી આવે છે. આજે પણ મંદિરમાં હસ્ત લિખિત શિક્ષાપત્રી
આ વડતાલ મંદિરના પ્રાંગણમાં જ શિક્ષાપત્રી લખવામાં આવી હતી. તેમજ આજે પણ મંદિર પાસે હસ્ત લિખિત શિક્ષાપત્રી, સ્વામિનારાયણ ભગવાને વાપરેલી વસ્તુઓ સહિત અનેક વસ્તુઓ સાચવેલી છે. સ્વામિનારાયણે પોતાના નિજાશ્રિતોને એકચક્ષુની પ્રખ્યાત મૂર્તિ આપી હતી. આ મૂર્તિ જે બ્લોકથી છપાતી તે બ્લોક પણ અહીં સચવાયેલો છે. શુકદેવ સ્વામી કહે છે કે, લક્ષ્મીજીની તપશ્ચર્યા ભૂમિ પર આ મંદિરનું નિર્માણ કરાયું છે. મંદિરમાં ભગવાનના અનેક સ્વરૂપની વાત કરવામાં આવી છે. જેથી સનાતન ધર્મની એકતાનો અનોખો સંદેશ અહીંથી મળે છે. આ ઉપરાંત મહોત્સવમાં પણ સનાતન ધર્મની એકતાનો સંદેશ અપાશે. જો કે, હરિ મંડપની રચના થઈ તે પહેલાં સ્વામિનારાયણ મંદિરના મુખ્ય દ્વારની ડાબી બાજુએ આવેલા બંગલામાં રોકાણ કરતા હતા. આ બંગલાને સ્વામિનારાયણ ભગવાનના ભાઈ રામપ્રતાપભાઈના નામથી ઓળખવામાં આવે છે. અમે શુકદેવ સ્વામી સાથે સ્વામિનારાયણ ભગવાન દ્વારા ઉપયોગમાં લેવાયેલી કેટલીક વસ્તુઓ પણ જોઈ. આ વસ્તુઓ હાલના અક્ષર ભુવનમાં સાચવીને રાખવામાં આવી છે. હાથીદાંતથી બનેલી વિશેષ ચાખડી સહિતની ખાસ વસ્તુઓનું પ્રદર્શન નિહાળ્યું હતું. હવે મંદિર પરિસરની વાત કરીએ તો અહીં અક્ષર ભુવન છે, આ અક્ષર ભુવનમાં સ્વામિનારાયણ ભગવાન દ્વારા ઉપયોગમાં લેવાયેલા ગાદલાં, કપડાં, રજાઈઓ, વાસણો, કંઠીઓ, માળાઓ, પુસ્તકો, સિક્કા, લાકડીઓ સહિત અનેક વસ્તુનો સંગ્રહ કરવામાં આવ્યો છે. અહીં નંદ સંતોની ધર્મશાળા આવેલી છે. આ ધર્મશાળામાં શ્રીગોપાળાનંદ સ્વામી, મંજુકેશાનંદ સ્વામી અને નિત્યાનંદ સ્વામીનાં આસનો છે. તેમની સાથે જોડાયેલી વસ્તુઓ પણ સુરક્ષિત રાખી છે. આ ધર્મશાળામાં સ્વામિનારાયણ ભગવાને 400થી વધુ વખત સંતોને ભોજન પીરસ્યું હતું. હાલ 110 ફૂટ ઊચું બની રહ્યું છે નવું અક્ષર ભુવન
જો કે, હવે આ અક્ષર ભુવનને નવી બિલ્ડિંગમાં શિફ્ટ કરવામાં આવી રહ્યું છે. નવા બની રહેલા અક્ષર ભુવન 550 ફૂટ પહોળું, 300 ફૂટ લાંબું તથા 110 ફૂટ ઊંચું હશે. અક્ષર ભુવનના નિર્માણ બાદ સ્વામિનારાયણ ભગવાનની સચવાયેલી તમામ વસ્તુઓ અહીં શિફ્ટ કરવામાં આવશે. અક્ષર ભુવનમાં 23 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરાશે
આ અક્ષર ભુવનના નિર્માણની જવાબદારી સંભાળી રહેલા તીર્થ સ્વામી જણાવે છે કે, આ અક્ષર ભુવનની દરેક વસ્તુઓ તેના ઈતિહાસ અને મહત્ત્વના વર્ણન સહિત ડિસ્પલે કરવામાં આવશે. આ ભુવનના નિર્માણમાં 23 લાખ ઘનફૂટ પથ્થરનો ઉપયોગ કરવામાં આવશે. તેના પાયામાં સિમેન્ટ કે કપચીનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. જૂની પદ્ધતિ પ્રમાણે ચૂના અને પથ્થર દ્વારા નિર્માણ કરવામાં આવી રહ્યું છે. અહીં હરડે, મેથી, ગુંદર સહિતની વસ્તુઓનું મિશ્રણ વપરાયું છે. ભગવાન સ્વામિનારાયણની 55 ફૂટની કમળાકાર મૂર્તિ પણ સ્થાપવામાં આવશે. આ ભુવનમાં ગ્રાઉન્ડ ફ્લોર પર વ્યવસ્થાપન ઓફિસ, ઉતારા, મિટિંગ રૂમ હશે. જ્યારે ફર્સ્ટ ફ્લોર પર મ્યુઝિયમ રખાશે. આ મ્યુઝિયમને કુલ 9 ખંડમાં વહેંચવામાં આવ્યું છે. આ ભુવન બનાવવાની શરૂઆત 2022માં કરવામાં આવી હતી. આ ભુવનનું નિર્માણ 2027 સુધીમાં થાય તેવી શક્યતા છે. અમેરિકામાં જન્મેલા અને વડોદરા ખાતે પોતાનું ગૃહસ્થ જીવન જીવી રહેલાં નમ્રતાબહેન છેલ્લાં બે અઠવાડિયાથી વડતાલ ખાતે ખાસ પ્રકારની સેવા કરી રહ્યાં છે. તેઓ હાલ 20 લોકોની ટીમ તૈયાર કરી રહ્યાં છે. આ ટીમ મહોત્સવમાં આવનાર NRI મહેમાનોને વડતાલની કેટલીક જગ્યાઓની સ્પેશિયલ ટૂર કરાવશે. આ ટૂરમાં 13 પ્રસાદીનાં સ્થળોનો સમાવેશ કરાયો છે. આ સ્થળો સાથે સ્વામિનારાયણ ભગવાનના જીવનના ખાસ પ્રસંગો જોડાયેલા છે. આ ટૂરમાં ગંગાજળિયો કૂવો, વડેઉ માતાજી મંદિર, નારાયણ ગીરી બાવાનો મઠ, જોબનપગીની મેડી, ઘેલા હનુમાનજી, કેદારેશ્વર મહાદેવ મંદિર, ઘના તળાવ, તાડન તળાવ, ખોડિયાર માતાજી, સોનાર કુઈ, ગોપી તળાવ, ગોમતી તળાવ અને બામરોલીનો સમાવેશ કરવામાં આવ્યો છે. અર્પિતાબહેન કહે છે અહીં સમર્પિત થઈને સેવા કરવાથી અલગ આનંદની અનુભૂતિ થાય છે. હાલ NRI ભક્તોની આ ખાસ ટૂરનું રજિસ્ટ્રેશન કરવામાં આવી રહ્યું છે. આ ટૂર સવારથી લઈને સાંજ સુધી સતત ચાલુ રહેશે. ટૂરની એક ટ્રિપ પૂરી થતાં અંદાજે 2 કલાકથી વધુનો સમય લાગશે. 1. ગંગાજળિયો કૂવો
સ્વામિનારાયણ ભગવાને આ કૂવાનું જળ પીધું હતું અને અનેક વખત આ કૂવાના પાણીથી સ્નાન પણ કર્યું છે. સ્વયં સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પથી આ કૂવામાં ગંગાજી પ્રગટ થયાં હતાં. તેથી આ કૂવાનું નામ ગંગાજળિયો કૂવો નામ પાડવામાં આવ્યું છે. 2. વડેઉ માતાજી મંદિર
આ મંદિરની મૂર્તિ 550 વર્ષ જૂની છે. મહારાજ નીલકંઠવર્ણી વેશે અહીં આવ્યા ત્યારે માતાજીને રંગથી નવડાવી પૂજા કરી હતી. જ્યારે મુખ્ય મંદિર બન્યું ન હતું ત્યારે મહારાજ સંતો સાથે અહીં ઉતારો કરતાં હતા. 3. નારાયણગીરી બાવાનો મઠ
આ વડેઉ માતાજીની પૂજા સેવા ગોસાઇ ભક્ત નારાયણગીરી બાવા કરતાં હતા. જ્યારે વડતાલ મંદિર બંધાતું હતું ત્યારે નારાયણગીરી બાવાએ સૌથી વધારે આર્થિક યોગદાન આપ્યું હતું. નારાયણગીરી બાવા સ્વામિનારાયણ ભગવાનને પોતાના ઇષ્ટદેવ માનતા હતા. નારાયણગીરી બાવાના મઠમાં મહારાજે દૂધપાક અને માલપૂડા પણ જમ્યા છે. જોબનપગીના ગુરુ નારાયણગીરી બાવા હતા. 4. જોબનપગીની મેડી
જોબનપગીની મેડી 200થી વધારે વર્ષ જૂની છે. ઈ.સ.1866માં જ્યારે ડભાણમાં યજ્ઞ થતો હતો. ત્યારે જોબનપગીએ સંકલ્પ કર્યો એ સ્વામિનારાયણ ભગવાનની માણકી ઘોડીની ચોરી કરવી છે. પરંતુ જોબનપગી જ્યારે ઘોડી પાસે જાય ત્યારે ભગવાન ઊભેલા દેખાય, પીઠ થાબડતા દેખાય, હાથ ફેરવતા દેખાય, માલિશ કરતાં દેખાય ત્યારે જોબનપગીને થયું કે આ તો ભગવાન છે. 5. ઘેલા હનુમાનજી
જ્યારે નીલકંઠવર્ણી વેશે સ્વામિનારાયણ ભગવાન વડતાલમાં સૌપ્રથમ વાર પધાર્યા ત્યારે આ ઘેલા હનુમાનજીના મંદિરે આવ્યા હતા અને આ હનુમાનજીની મૂર્તિ ઉપર પોતાના બંને હાથ મૂકી મૂર્તિ પ્રસાદીની કરી હતી. આમ તો આ મૂર્તિ 800 વર્ષ જૂની છે. 1855ના ફાગણ સુદ 12ને સોમવારે સૌ પ્રથમવાર વડતાલમાં આ મંદિરે નીલકંઠવર્ણી વેશે ભગવાન પધાર્યા હતા. આ મંદિરમાં શનિદેવની મૂર્તિ ઊભી છે પણ બીજા બધાં મંદિરમાં શનિદેવની મૂર્તિ સૂતેલી હોય છે. 6. કેદારેશ્વર મહાદેવ મંદિર
આ કેદારેશ્વર મહાદેવ અતિ પ્રસાદીના છે. કેમ કે નીલકંઠવર્ણી વેશે ભગવાન જ્યારે વડતાલમાં પધાર્યા હતા ત્યારે આ શિવલિંગ ની પૂજા કરી હતી. તે સમયે ભગવાન એમ બોલ્યા હતા કે આ શિવલિંગનાં દર્શન કરવાથી તમને કેદારનાથની યાત્રાનું ફળ મળશે. તેથી આ મહાદેવ કેદારેશ્વર મહાદેવના નામથી ઓળખાય છે. 7. ઘના તળાવ
આ તળાવમાં મહારાજે અનેક વખત સ્નાન કર્યુ છે. આ તળાવમાં મહારાજે પોતાની જનોઈ પણ બદલી હતી.આ તળાવ ચંદન તલાવડી નામે ઓળખાય છે. જોબનપગીએ આ તળાવ આગળ પોતાની સૌ પ્રથમ રસોઈ આપી હતી. તેમાં સંતોએ થાળ બનાવ્યા પછી સંતો સાથે મહારાજ જમ્યા હતા. જ્યારે સ્વામિનારાયણ ભગવાને સૌ પ્રથમ હોળી ઉત્સવ કર્યો હતો ત્યારે જોબનપગી મહારાજને ખભા પર બેસાડી આ તળાવે સ્નાન કરવા લાવ્યા હતા. 8. તાડન તળાવ
આ છત્રી પ્રસાદીની છે. કેમ કે આ જગ્યા ઉપર ધર્મકુળનું સૌ પ્રથમ મિલન થયું હતું. એટલે કે છપૈયા, આયોધ્યાથી ધર્મકુળનો પરિવાર પ્રથમ વખત આવેલા વડતાલ ત્યારે શ્રી હરિજીએ તેમનું સ્વાગત કર્યુ હતું. આ તળાવમાં મહારાજે અનેક વખત સ્નાન પણ કર્યુ છે. 7. ખોડિયાર માતાજી
આ માતાજી જોબનપગીનાં કુળદેવી છે. જોબનપગી જ્યારે લૂંટ કરવા જતાં ત્યારે પહેલાં અહીં માનતા કરતાં કે મારું આ કામ થઈ જશે તો હું અહીં બલિ ચડાવીશ. આ મંદિરમાં પશુની બલિ થતી હતી. પરંતુ જોબનપગી સત્સંગી થયા બાદ તેમણે આ મંદિરે સ્વામિનારાયણ ભગવાનને લઈ જઈ માતાજીને પણ સત્સંગી કર્યા બાદ અહીં બલિ ચડાવવાની બંધ થઈ. 10. સોનાર ફૂઈ
સ્વામિનારાયણ જ્યારે ઉમરેઠ તરફથી વડતાલ પધારતા હતા ત્યારે આ કૂવાનું પાણી પીતા હતા. આ સ્થળ પાસે ઝમકુબાને સ્વામિનારાયણ ભગવાને બ્રાહ્મણના વેશમાં વડતાલનો રસ્તો બતાવ્યો હોવાનું મનાય છે. 11. ગોપી તળાવ
આ તળાવમાં સ્વામિનારાયણ ભગવાને અનેક વખત સ્નાન કર્યું છે. એક વખત સ્વામિનારાયણ ભગવાન શરદપૂનમનો ઉત્સવ કરવા વડતાલ પધાર્યાં એ સમયે ભગવાન બધા સંતોને લઈને ગોપી તળાવે પધાર્યા પછી ગોપીતળાવે માંડવી બાંધી ઠાકોરજીની 6 આરતી ઉતારી અને 500 પરમહંસ સંતોને રાસ રમવાની આજ્ઞા આપી. એ સમયે બધા સંતો શરદપૂનમનાં કીર્તનો ગાઇ મહારાજ સાથે રાસ રમવા લાગ્યા. કૃષ્ણ ભગવાન 5100 વર્ષ પહેલાં વૃંદાવનમાં ગોપીઓ સાથે રાસ રમ્યા હતા અને સ્વામિનારાયણ ભગવાન 500 પરમહંસો સાથે રાસ રમ્યા હતા એટલા માટે ગોપીતળાવને વૃંદાવનનું સ્થાન આપ્યું અને બધા સંતોને ગોપીઓનું સ્થાન આપવામાં આવ્યું. 12. ગોમતી તળાવ
જ્યારે રણછોડરાયની મૂર્તિની પ્રતિષ્ઠા કરવામાં આવી ત્યારે રણછોડરાય જોડે ગોમતીજી અવશ્ય અહીં આવે એટલા માટે વડતાલમાં મોટામાં મોટું આ તળાવ હતું ત્યારે સ્વયં ગોમતી માતા આ તળાવમાં પ્રગટ થયા હતા. આ તળાવ ઉપરથી પશુ-પક્ષી પસાર થશે તો એના જીવનું કલ્યાણ થશે. એવું મહારાજનું વરદાન છે. 13. બામરોલી
બામરોલીની કોઠી પ્રસાદીની છે. જ્યારે મહારાજ બામરોલી આવ્યા ત્યારે મહારાજે તખાપગીને પૂછ્યું તમારી પાસે કેટલું અનાજ છે ત્યારે તખાપગીની દીકરીએ કહ્યું, મહારાજ 10 કિલો બાજરી છે, ત્યારે કોઠી ઉપર મહારાજે પોતાના બે હાથ મૂકી પ્રસાદીની કરી વરદાન આપ્યું હતું કે આ કોઠીમાં કદી અનાજ ખૂટશે નહીં એમ કહી ઉપર માટલું ઢાંકી દીધું અને નીચે હોલ પાડી દીધો એટલે ગામના લોકોને જેટલું અનાજ જોઈએ એટલું અનાજ આપજો. બામરોલી (રાયણનું વૃક્ષ) આ રાયણના વૃક્ષ નીચે મહારાજ અનેક વખત હિંચકે ઝૂલ્યા છે. આ રાયણનું વૃક્ષ મહારાજને અતિ વહાલું હતું. તખાપગીના ભાવના કારણે મહારાજ બામરોલી પધાર્યા ત્યારે તખાપગીના ખેતરમાં મહારાજ માણકી ઘોડી ખેલવતા હતા. આ વૃક્ષ નીચે મહારાજ રસ-પૂરી અને દૂધ સાકર જમ્યા છે. તખાપગીનો આ કૂવો અતિ પ્રસાદીનો છે. શ્રીજી મહારાજે આ કૂવામાંથી અનેકવાર પાણી પીધું છે અને જ્યારે તેઓ માણકી ઘોડી પર બામરોલી આવતાં, ત્યારે મહારાજ અને માણકી ઘોડીને તરસ લાગે ત્યારે આ કૂવાનું જળ પીતા હતા અને માણકીને પિવડાવતા હતા.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments