રાજકોટ માર્કેટિંગ યાર્ડ દિવાળીની રજાઓ બાદ આજે ફરી ધમધમતું થયું હતું. જેમાં મગફળી, કપાસ સહિતની વિવિધ જણસી ભરેલા 750 વાહનોની અંદાજે 8 કિમી લાંબી લાઈન લાગી હતી. આજે લાભ પાંચમના દિવસે બેડી માર્કેટિંગ યાર્ડ ખાતે મુહૂર્તનાં સોદા કરવામાં આવ્યા હતા. જેમાં મગફળીની 1 લાખ ગુણીની આવક થઈ છે અને રૂ. 1250 સુધીના ભાવ બોલાયા હતા. જો કે, ટેકાનાં ભાવ કરતા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં થોડી નિરાશા જોવા મળી હતી. આજે પ્રથમ દિવસે મગફળી ઉપરાંત કપાસ અને સોયાબીન જેવી અન્ય જણસીની પણ ખૂબ સારી આવક થઈ હતી. કપાસની 20,000 ભારીની આવક
રાજકોટ માર્કેટિંગ યાર્ડ દિવાળીની રજાઓ બાદ આજે ફરી ખુલ્યું હતું. જેને લઈને સવારથી યાર્ડ બહાર જુદી જુદી જણસી ભરેલા વાહનોની લાઈન લાગી હતી. જેમાં મગફળી તથા કપાસ અને સોયાબીન સહિત અન્ય જણસીઓ ભરેલા વાહનોની 8 કિમી લાંબી લાઈન લાગી હતી. અંદાજે 750 કરતા વધુ વાહનોમાં મગફળીની 1,00,000 ગુણી, કપાસની 20,000 ભારી અને સોયાબીનની 50,000 ભારીની આવક દસેક વાગ્યા સુધીમાં નોંધાઈ હતી. આ તકે ખેડૂતોને મુશ્કેલી ન પડે તે માટે રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશ બોઘરા સહિતનાં ખાસ હાજર રહ્યા હતા. ખેડૂતોને એક મણ મગફળીનો 1250 ભાવ મળ્યો
જયેશ બોઘરાએ જણાવ્યું હતું કે, આજે લાભ પાંચમનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ખાસ મગફળીની સૌથી વધુ 1 લાખ ગુણીની આવક નોંધાઈ હતી. જેમાં હાલ ખેડૂતોને એક મણના રૂ.1250 સુધીનો ભાવ મળ્યો હતો. જો કે, આ ભાવ ટેકાનાં ભાવ કરતા ઓછો છે. પરંતુ હાલ મગફળી પલળી ગયેલી હોવાથી ઓછા ભાવ મળી રહ્યા છે. આગામી સમયમાં ટેકાનાં ભાવની ખરીદી શરૂ થશે. ત્યાં સુધીમાં ખુલ્લી બજારમાં પણ મગફળીનાં ભાવ ટેકાનાં ભાવ કરતા વધી જવાની શક્યતા નકારી શકાય તેમ નથી. ખેડૂતોને કોઈપણ મુશ્કેલી ન પડે અને વધુમાં વધુ સારા ભાવ મળે તે માટે યાર્ડ દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે. પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતોને હાલાકી
રાજકોટ માર્કેટિંગ યાર્ડનાં ડિરેક્ટર અતુલ કમાણીનાં જણાવ્યા મુજબ, આજે લાભ પાંચમનાં મુહૂર્તમાં ખૂબ સારી આવક થઈ છે. હાલ ખેડૂતોને ટેકાના ભાવ કરતા ઓછા ભાવ મળતા નિરાશા જોવા મળી રહી છે. એક તરફ કમોસમી વરસાદનાં કારણે ખેડૂતોને નુકસાન થયું છે. બીજી તરફ પૂરતા ભાવ નહીં મળતા ખેડૂતો હાલાકી ભોગવી રહ્યા છે. રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા પેકેજથી કેટલાક ખેડૂતો સંતુષ્ટ છે. જ્યારે ઘણા ખેડૂતોને આ પેકેજ અપૂરતું લાગી રહ્યું છે. અનેક સ્થળે એવું પણ બન્યું છે કે, ભોગ બનનાર ખેડૂતોને તેનો લાભ મળ્યો નથી. ત્યારે આ બાબતે તાત્કાલિક યોગ્ય કરવામાં આવે તે જરૂરી છે. વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા
ઉલ્લેખનીય છે કે, આજે સવારથી માર્કેટિંગ યાર્ડ ખાતે વાહનોની લાંબી લાઈન લાગી હતી. જેને લઈને યાર્ડના ડિરેક્ટરો તેમજ સ્ટાફ દ્વારા તેની ઉતરાઈની વ્યવસ્થા કરવામાં આવી હતી. સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડમાં મોટા પ્રમાણમાં મગફળીની આવક થતી હોય છે. જેને લઈને આજે યાર્ડનાં મગફળી વિભાગમાં મૂહુર્તના સોદાઓ પણ કરવામાં આવ્યા હતા. આ તકે યાર્ડના ચેરમેન સહિત વેપારીઓ અને ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને યાર્ડ જણસીઓથી ઉભરાઈ ગયું હતું.