back to top
Homeગુજરાતવડતાલ ધામમાં NRIના ધામા:દ્વિશતાબ્દી મહોત્સવમાં નાનામાં નાની સેવામાં NRI જોતરાયા, કહ્યું- '6...

વડતાલ ધામમાં NRIના ધામા:દ્વિશતાબ્દી મહોત્સવમાં નાનામાં નાની સેવામાં NRI જોતરાયા, કહ્યું- ‘6 મહિના પહેલાં જ ટિકિટ ​​​​​​​બુક કરાવી હતી’

વિક્રમ સંવત 1881 કારતક સુદ બારસના દિને વડતાલમાં શ્રીહરીના સ્વહસ્તે ગર્ભગૃહમાં શ્રી લક્ષ્મીનારાયણદેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ વિગેરે ભગવાન સ્વરૂપની પ્રતિષ્ઠા થઈ હતી. જેને આજે સંવત 2081માં કારતક માસમાં 200 વર્ષ પૂર્ણ થયા છે. જે નિમિત્તે સ્વામિનારાયણ સંપ્રદાયના વર્તમાન આચાર્ય રાકેશપ્રસાદ મહારાજની નિશ્રામાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. આવતીકાલ 7 નવેમ્બરથી 15 નવેમ્બર દરમિયાન આ મહોત્સવ ઉજવવામાં આવનાર છે. આ મહોત્સવ દરમિયાન દેશ-વિદેશથી અંદાજે 25 લાખથી વધુ હરિભક્તો ઉમટવાના છે. તો પરદેશથી આવવાના હરિભક્તો પૈકી કેટલાક હરિભક્તો વડતાલ ધામમાં આવી પહોંચ્યા છે સાથે સાથે ગુજરાતના ખુણે ખુણેથી સંત્સગીઓ અને અન્ય પ્રદેશોમાંથી હરિભક્તો વડતાલ ધામમાં આવી પહોંચ્યા છે અને જે કોઈ પ્રકારની સેવાઓ મળે તેમાં જોતરાયા છે. 800 વીઘામાં ઐતિહાસિક ઉત્સવ
વડતાલવાસીઓ જેની આતુરતાથી રાહ જોતા હતા તે દ્વિશતાબ્દી મહોત્સવ આવતીકાલથી રંગારંગ પ્રારંભ થનાર છે. 800 વીઘા (19,500,000 ચો.મી.) જેટલી વિશાળ જગ્યામાં આ ઐતિહાસિક ઉત્સવ ઉજવવા જઈ રહ્યો છે. જે મહોત્સવનું વડાપ્રધાનથી માંડીને મંત્રી, ધારાસભ્ય, ફિલ્મ અભિનેતાઓ અને નાનામાં નાના વ્યક્તિઓને હેતથી આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. આ ઉપરાંત આ મહોત્સવમાં વિદેશમાં વસતા સ્વામિનારાયણ સંપ્રદાયના હજારો હરિભક્તો ઉમટવાના છે. જેમાં યુરોપ, ઈસ્ટ આફ્રિકા, કેનેડા, સિંગાપોર, હોગકોંગ, ઓસ્ટ્રેલીયા, લંડન, ન્યુઝીલેન્ડ, દુબઈ વગેરેનો સમાવેશ થાય છે. એક અંદાજ મુજબ આ 9 દિવસના મહોત્સવ દરમિયાન 25 લાખથી વધુ હરિભક્તો ઉમટશે. જે માટેની તમામ તૈયારીઓનો આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. આ મહોત્સવ પહેલા જ હજારોની સંખ્યામાં પરદેશમા વસતા સંપ્રદાયના NRI વર્ગ વડતાલ ધામમાં આવી પહોંચ્યા છે. જે કોઈ પ્રકારની સેવાઓ મળે તે સેવામાં હરખભેર જોતરાયા છે. નોકરીમાં રજા મુકી આ ઉત્સવને ઉજવવા આવ્યો છું: NRI
યુએસ ન્યુજર્સીમાંથી આવેલા કિશન સોજીત્રા નામના હરિભક્તે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું પરદેશમાં સ્થાઈ થયો છું. 3 તારીખે હું વડતાલમાં આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યો છું. નોકરીમાં રજા મુકી આઠ દિવસના પ્લાનથી ખાસ આ ઉત્સવને ઉજવવા આવ્યો છું. મારા દોસ્તાર મિત્રો પણ આવવાના છે ખાસ અહીંયા NRI માટે વિશેષ સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. રહેવા માટે ટેન્ટ, જમવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે. 6 મહિના પહેલા જ ટિકિટ બુક કરાવી દીધી હતી: NRI
જ્યારે UKથી આવેલા તુષાર પટેલ નામના હરિભક્તે દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, હું પરદેશમાં CA તરીકે કામગીરી કરુ છું, વડતાલ દ્વિશતાબ્દી મહોત્સવની ઉજવણીની અમે સૌ એક વર્ષથી રાહ જોઈ રહ્યા હતા. મહોત્સવને લઈને 6 મહિના પહેલા જ ટિકીટ બુક પણ કરાવી દીધી હતી. મારી સાથે ઘણા હરિભક્તો આવ્યા છે આ ઉપરાંત બીજા સંત્સગીઓ પણ દેશ, વિદેશીથી વડતાલ ધામમાં આવી પહોંચ્યા છે. ખાસ NRI માટે વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે અને આ ઉત્સવને ઘરની પ્રસંગની માફક માણી શકે તેવું સુંદર આયોજન મંદિર દ્વારા કરાયું છે. પાર્કિંગથી માંડીને રોડ, રસ્તાઓ સ્વચ્છ કરવાની સેવા: સ્વયંમસેવક
જ્યારે સ્વંયમસેવક ધ્રુવીન સોજીત્રાએ દિવ્યભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું કે, 200 વર્ષના આ મહોત્સવને યાદગાર બનાવવા માટે અને 25 હજારથી વધુ હરિભક્તો આવવની શક્યતાને લઈને મંદિરના તમામ સંતોએ માઈક્રોપ્લાનથી આયોજન કર્યું છે. અમારા જેવા 15 હજારથી વધુ સ્વયંમસેવકો દિવસ, રાત આ મહોત્સવમાં ખડેપગે સેવા આપી રહ્યા છે. NRI વર્ગ હોય કે‌ અન્ય કોઈ નાનામા નાનો હરિભક્ત તમામને ક્યાં પણ અગવડતા ન પડે તેનું વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. પાર્કિંગથી માંડીને રોડ, રસ્તાઓ સ્વચ્છ કરવા વિગેરે બાબતે સ્વયંમસેવકો વિવિધ સેવાઓમાં જોડાયા છે. ભાવિકો કિડીયારાની માફક વડતાલ ધામમાં આવી પહોંચ્યા
જ્યારે ભરૂચથી આવેલા હરિભક્ત ચંન્દ્રકાંતભાઈ મહેતાએ જણાવ્યું કે, હું અહીંયા સ્વયંમસેવક તરીકે સેવા આપીશ, માહોલ ધાર્મિક અને આધ્યાત્મિકના રંગમાં રંગાયો છે. ભાવિકો કિડીયારાની માફક વડતાલ ધામમાં આવી પહોંચી છે. જે માટે વ્યવસ્થા પણ વિશેષ રાખવામાં આવી છે. જમવા માટે રસોડું પણ 24 કલાક ધમધમે છે. નભૂતો ન ભવિષ્ય જેવું સુંદર આયોજન કરાયું છે. 200 વર્ષનો આ ઉત્સવ, અમારા જીવનમાં ફરી ક્યારેય આવવાનો નથી: હરિભક્ત
સુરતના કતાર ગામેથી આવેલા રાજુભાઈ નામના હરિભક્તે જણાવ્યું કે, અમે દિવાળી પહેલા જ આયોજન અહીંયા આવવાનું આયોજન કરી દીધું હતું. હાલ અમે 25-27 વ્યક્તિઓનું ગ્રુપ વડતાલ ધામમાં આ દ્વિશતાબ્દી મહોત્સવને ઉજવવા આવ્યા છીએ, 200 વર્ષનો આ ઉત્સવ અમારા જીવનમાં ફરી ક્યારેય આવવાનો નથી. વડતાલ ધામમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમને જે સેવા મળે એ કરવાના છીએ. આ ઉત્સવ પૂર્ણ થયા બાદ અમે પરત જઈશુ. ડે ટુ ડે ઉત્સવની રૂપરેખા
7 નવેમ્બર
પ્રથમ દિવસે સવારે 8 કલાકે વલેટવા ચોકડીથી મહોત્સવ પરિસર સુધી પોથીયાત્રા યોજાશે. એ બાદ 10:30 કલાકે સભામંડપ ખાતે 200 શંખનાદ, 11 કલાકે મહોત્સવનો ઉદ્ઘાટન થશે. સ્વાગત વધામણા નૃત્ય તથા દિપ પ્રાગટય થશે. આ બાદ ઠાકોરજી, પોથીજી, આચાર્ય તેમજ વક્તાઓનુ પૂજન, બપોરે 3 કલાકે મહાપૂજાનો પ્રારંભ થશે. 8 નવેમ્બર
સવારે 8 કલાકે મહોત્સવ પરિસરમાં જનમંગલ અનુષ્ઠાન પ્રારંભ થશે, સાંજે 5:30 કલાકે ઘનશ્યામ પ્રાગટ્યોત્સવ મહોત્સવ પરિસરમાં ઉજવાશે. 9 નવેમ્બર
સવારે 5:30 કલાકે નંદ સંતોની ધર્મશાળામાં સર્વ શાખા વેદ પારાયણનો પ્રારંભ થશે, બપોરે 12થી 3 કલાક સુધી મહિલા મંચ યોજાશે, સાંજે 5 કલાકે મંદિર પરિસરમાં શ્રી સુક્તમ (જપાત્મક) અનુષ્ઠાન પૂર્ણાહુતિ થશે. 10 નવેમ્બર
સવારે 8 કલાકે મંદિર પરિસરમાં શ્રી સુક્તમ અનુષ્ઠાન હોમાત્મક પ્રારંભ થશે, સવારે 10 કલાકે અલૌકિક અક્ષરભુવન 108 કુમ્ભી શીલા પૂજન થશે એ બાદ સાંજે 5:30 કલાકે પુસ્તક પ્રકાશન થશે. 11 નવેમ્બર
સાંજે 4 કલાકે મહોત્સવ પરિસરમાં વડતાલ આગમન ઉત્સવ ઉજવાશે, એ બાદ અહીંયા જેતપુર શ્રીહરી ગાદી પટ્ટાભિષેક યોજાશે 12 નવેમ્બર
સવારે 7 થી 10 કલાકે નંદ સંતોની ધર્મશાળા સંત દીક્ષા યોજાશે, એ બાદ સૂકામેવાનો અન્નકૂટ મંદિર પરિસરમાં ભરાશે, હાટડી પણ ભરાશે. તેમજ સાંજે 4:00 કલાકે ગોમતીજીથી મંદિર ફક્ત યજમાનો માટે જળયાત્રા નીકળશે. આ દિવસે બપોરે 12 કલાકે મંદિર પરિસરમાં શ્રી ધર્મદેવ જન્મોત્સવ ઉજવાશે. 13 નવેમ્બર
સવારે 6:00 કલાકે મંદિર પરિસરમાં પાટોત્સવ અભિષેક તેમજ એ બાદ 10:30 કલાકે નૂતન સંત નિવાસ ઉદઘાટન, અન્નકૂટ દર્શન અને સાંજે વડતાલ પુષ્પદોલત્સવ અને સર્વ શાખા વેદ પારાયણ પૂર્ણાહુતિ કાર્યક્રમ યોજાશે. 14 નવેમ્બર
વડતાલ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાંજે 5:30 કલાકે મહોત્સવ પરિસરમાં ઉજવાશે. 15 નવેમ્બર
અંતિમ દિવસે ભક્તિમાતાનો જન્મોત્સવ મંદિર પરિસરમાં સાંજે 6:00 કલાકે અને ચાતુર્માસ પૂનમ ઉધાપન પણ બપોરે 11:30 કલાકે મંદિર પરિસરમાં ઉજવાશે. જ્યારે માણસોની પૂર્ણાહુતિ મહોત્સવ પરિસરમાં આ દિવસે બપોરે 12 કલાકે ઉજવાશે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments