સાબરકાંઠા જિલ્લામાં દિવાળીના તહેવારો આજે પૂર્ણ થયા છે. લાભ પાંચમે વેપારીઓએ શુભ મુહૂર્તમાં પૂજન કરીને વેપાર ધંધાની શરૂઆત કરી હતી. હિંમતનગરમાં બુધવારે લાભ પાંચમ હોવાને લઈને વેપારીઓ શુભ મુહૂર્તમાં આસોપાલવ અને ફુલના હાર લગાવીને પૂજન અર્ચન કરી પોતાના ધંધા-રોજગાર શરૂ કરીને કામના શ્રી ગણેશ કર્યા હતા. બેસતા વર્ષે બજાર બંધ થયા બાદ સુમસામ બજારો પાંચ દિવસે ખુલ્યા હતા. જેને લઈને બજારમાં અવર જવર જોવા મળી હતી.આસોપાલવ અને ફૂલોના હારના વેપારીઓએ પણ સવારથી બજારમાં લારીઓ લગાવી દીધી હતી. જ્યારે બજારમાં પણ એક પછી એક વેપારીઓએ પોતાની દુકાન શુભ મુહૂર્તમાં ખોલીને આસોપાલવના તોરણ લગાવ્યા હતા. તો વર્ષ દરમિયાન લખવામાં આવતા હિસાબ બુકને પણ કંકુ તિલક કરી પૂજન અર્ચન કરી વેપાર ધંધા શરૂ કર્યા હતા.