જમ્મુ-કાશ્મીર વિધાનસભાએ રાજ્યના સ્પેશિયલ સ્ટેટસ (આર્ટિકલ 370)ને ફરીથી લાગુ કરવાનો પ્રસ્તાવ પસાર કર્યો છે, જોકે, ભાજપના ધારાસભ્યોએ એનો વિરોધ કર્યો હતો અને પ્રસ્તાવની નકલો ફાડી નાખી હતી. ધારાસભ્યોએ વેલ નજીક જઈને નારેબાજી પણ કરી હતી. ભાજપે આરોપ લગાવ્યો કે સ્પીકરે મંત્રીઓની બેઠક બોલાવી અને ઠરાવનો ડ્રાફ્ટ જાતે તૈયાર કર્યો. આ પછી ધારાસભ્યો બેન્ચ પર ચઢી ગયા અને હોબાળો કર્યો. હોબાળાના કારણે ગૃહની કાર્યવાહી ગુરુવાર સુધી સ્થગિત કરી દેવામાં આવી હતી. ભાજપ-અધ્યક્ષ સત શર્માના નેતૃત્વમાં પાર્ટી કાર્યકર્તાઓએ પાર્ટી કાર્યાલયમાં એકઠા થઈને જમ્મુ-કાશ્મીર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા. દેખાવકારોએ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લા અને ડેપ્યુટી સીએમ સૂરીન્દર ચૌધરીનાં પૂતળાં પણ બાળ્યાં હતાં. ભાજપે આરોપ લગાવ્યો કે નેશનલ કોન્ફરન્સ જમ્મુ-કાશ્મીરના લોકોને ગેરમાર્ગે દોરી રહી છે અને કહ્યું હતું કે કોઈપણ વિધાનસભા કલમ 370 અને 35A પાછી લાવી શકે નહીં. પ્રસ્તાવમાં લખ્યું- સરકારે જમ્મુ-કાશ્મીરના સ્પેશિયલ સ્ટેટસની વાત કરવી જોઈએ ગૃહની કાર્યવાહી શરૂ થતાં જ જમ્મુ-કાશ્મીરના ડેપ્યુટી સીએમ સૂરીન્દર ચૌધરીએ સ્પેશિયલ સ્ટેટસ પુનઃસ્થાપિત કરવા માટે એક પ્રસ્તાવ રજૂ કર્યો, જેને કેન્દ્ર દ્વારા 5 ઓગસ્ટ, 2019ના રોજ રદ કરવામાં આવ્યો હતો. એમાં કહેવામાં આવ્યું છે કે ‘રાજ્યનો વિશેષ દરજ્જો અને બંધારણીય ગેરંટી મહત્ત્વપૂર્ણ છે. એ જમ્મુ-કાશ્મીરના લોકોની ઓળખ, સંસ્કૃતિ અને અધિકારોનું રક્ષણ કરે છે. વિધાનસભા તેના એકપક્ષીય હટાવવા પર ચિંતા વ્યક્ત કરે છે. ભારત સરકારે રાજ્યના સ્પેશિયલ સ્ટેટસને લઈને અહીંના પ્રતિનિધિઓ સાથે વાત કરવી જોઈએ. તેના બંધારણીય પુનઃસ્થાપન પર કામ કરવું જોઈએ. એસેમ્બ્લી એ વાત પર ભાર મૂકે છે કે આ પુનઃસ્થાપન રાષ્ટ્રીય એકતા અને જમ્મુ-કાશ્મીરના લોકોની ઈચ્છાઓ બંનેને ધ્યાનમાં રાખીને થવું જોઈએ. અપક્ષ ધારાસભ્યો શેખ ખુર્શીદ અને શબ્બીર કુલે, પીસી ચીફ સજ્જાદ લોન અને પીડીપી ધારાસભ્યોએ એને ટેકો આપ્યો હતો. ભાજપનો આરોપ- સ્પીકરે પોતે જ ડ્રાફ્ટ બનાવ્યો હતો જમ્મુ વિધાનસભામાં વિપક્ષના નેતા સુનીલ શર્મા સહિત ભાજપના તમામ ધારાસભ્યોએ પ્રસ્તાવનો વિરોધ કર્યો હતો. શર્માએ કહ્યું હતું કે તેમની પાસે માહિતી છે કે સ્પીકરે મંગળવારે (5 નવેમ્બર)ના રોજ મંત્રીઓની બેઠક બોલાવી હતી અને પોતે ડ્રાફ્ટ તૈયાર કર્યો હતો. તેઓ આ દરમિયાન સ્પીકર હાય-હાય અને પાકિસ્તાની એજન્ડા નહીં ચાલે જેવા નારા લગાવતા રહ્યા. શર્માએ એ પણ પૂછ્યું કે જ્યારે LGના અભિભાષણ પર ચર્ચા થવાની હતી તો પ્રસ્તાવ કેમ લાવવામાં આવ્યો? તેમણે કહ્યું હતું કે આ પ્રસ્તાવ તેમને મંજૂર નથી. એ પછી તેમણે એની કોપી ફાડીને વેલમાં ફેંકી દીધી. હંગામાની વચ્ચે વિધાનસભા સ્પીકર અબ્દુલ રહીમ રાથરે પ્રસ્તાવ પર વોટિંગ કરાવ્યું. ત્યાર બાદ પ્રસ્તાવ બહુમતથી પાસ કરી દેવામાં આવ્યો. ભાજપના ધારાસભ્યોના આરોપો અંગે પ્રમુખ અબ્દુલ રહીમ રાથેરે કહ્યું હતું કે જો તમને મારા પર વિશ્વાસ ન હોય તો અવિશ્વાસની દરખાસ્ત લાવો. નેશનલ કોન્ફરન્સે મેનિફેસ્ટોમાં વચન આપ્યું હતું કેન્દ્ર સરકારે 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો નાબૂદ કર્યો હતો. આ સમય દરમિયાન એને બે કેન્દ્રશાસિત પ્રદેશો, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાં વહેંચવામાં આવ્યું હતું. તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં નેશનલ કોન્ફરન્સે તેના મેનિફેસ્ટોમાં તેની પુનઃસ્થાપના માટે પ્રયત્નો કરવાનું વચન આપ્યું હતું. ઠરાવ પસાર કર્યા પછી સીએમ ઓમર અબ્દુલ્લાએ કહ્યું હતું કે વિધાનસભાએ પોતાનું કામ કર્યું છે. જમ્મુ-કાશ્મીર સાથે જોડાયેલા આ સમાચાર પણ વાંચો… 370 લાગુ કરો….370 લાગુ કરો…:જમ્મુ-કાશ્મીર વિધાનસભાના પહેલા જ દિવસે PDPએ પ્રસ્તાવ મૂક્યો, રોષે ભરાયેલા ધારાસભ્યો વચ્ચે જબરદસ્ત હંગામો થયો જમ્મુ-કાશ્મીરમાં 10 વર્ષ બાદ યોજાયેલી પ્રથમ વિધાનસભા ચૂંટણી બાદ સોમવારથી વિધાનસભાનું પ્રથમ સત્ર શરૂ થયું છે. સત્રના પહેલા જ દિવસે ભાજપ-PDP અને નેશનલ કોન્ફરન્સના ધારાસભ્યો વચ્ચે વિધાનસભામાં હંગામો થયો હતો. સંપૂર્ણ સમાચાર અહીં ક્લિક કરીને વાંચો