ગુજરાત હાઇકોર્ટ દ્વારા હેલ્મેટના કાયદાનો કડક અમલ કરાવવાની ટકોર બાદ રાજ્ય સરકાર દ્વારા 19 ઓક્ટોબરના રોજ પરિપત્ર બહાર પાડીને સરકારી કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેને લઇને રાજ્યભરની સરકારી કચેરીમાં પોલીસ દ્વારા હેલ્મેટ ડ્રાઈવ કરવામાં રહી છે. આજથી વડોદરા શહેરના નર્મદા ભવન સહિતની સરકારી કચેરીઓમાં વડોદરા ટ્રાફિક પોલીસે હેલ્મેટની ડ્રાઇવ શરૂ કરી છે. જેમાં હેલ્મેટ પહેર્યા વગર આવતા કર્મચારીઓને 500 રૂપિયાનો દંડ આપવામાં આવ્યો હતો. આ સમયે વાહનચાલકો વિવિધ પ્રકારની બહાનાબાજી કરતાં પણ જોવા મળ્યા હતા. નર્મદા ભવનની બહાર હેલ્મેટ વગરના લોકોના ટુ-વ્હીલરનો જમાવડો
વડોદરા શહેરના નર્મદા ભવનના ગેટની બહાર વડોદરા ટ્રાફિક પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઓફિસ અવર્સ દરમિયાન પોલીસ દ્વારા સચિવાલયના ગેટની બહાર કાર્યવાહી કરવામાં આવતા મોટા ભાગના કર્મચારીઓ હેલ્મેટ પહેર્યા વગરના મળ્યા હતાં, જેમની સામે નિયમ પ્રમાણે પોલીસ દ્વારા દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેને લઈને નર્મદા ભવનની બહાર ટુ-વ્હીલરનો જમાવડો થઈ ગયો હતો. પોલીસે સરકારી કર્મચારીઓની સાથે-સાથે સરકારી કચેરીમાં આવતા લોકોને પણ દંડ ફટકાર્યો હતો. ડોક્ટરે ના પાડી હોવાથી મેં હેલ્મેટ નથી પહેર્યું
પોલીસે હેલ્મેટ વિના સ્કૂટર ચલાવતી એક મહિલાને રોકી હતી અને દંડ ભરવા માટે કહ્યું હતું. તો મહિલાએ સામે પૂછ્યું હતું કે શેનો દંડ..જેથી પોલીસ કર્મીઓ કહ્યું હતું કે, તમે હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવો છો તેનો દંડ.. જેથી આ મહિલા બહાનાબાજી કરવા માંડી હતી અને ડોક્ટરે ના પાડી હોવાથી મેં હેલ્મેટ નથી પહેર્યું તેમ કહ્યું હતું. જેથી પોલીસકર્મીઓ મેડિકલ સર્ટિફિકેટ માંગ્યું હતું. જોકે મહિલા પાસે મેડિકલ સર્ટિફિકેટ નહોતો જેથી દંડ ભરવો પડ્યો હતો. તમારે અમને જાણ તો કરવી જોઈએ ને…
તો એક મહિલાએ તો પોલીસને કહી દીધું કે, તમારે અમને જાણ તો કરવી જોઈએ ને. તો પોલીસકર્મીએ કહ્યું હતું કે, રોજ પેપરમાં તો આવે છે. પોલીસકર્મીઓને દંડ વસૂલવાને લઈને સરકારી કર્મચારીઓ સાથે ચકમક પણ ઝરી હતી. 18 દિવસ અગાઉ જ ફરજિયાત હેલ્મેટનો પરિપત્ર જાહેર કર્યો હતો
અત્રે ઉલ્લેખનીય છે કે, 19 ઓક્ટોબરના રોજ રાજ્ય સરકાર દ્વારા એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો હતો. જેમાં રાજ્યના દરેક સરકારી કર્મચારીએ હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. સરકારી કચેરીમાં ટુ-વ્હીલર લઈને આવતા કર્મચારીએ હેલ્મેટ નહિ પહેરેલ હોય તો પ્રવેશ નહિ આપવામાં આવશે નહી. આ ઉપરાંત બાઈકની પાછળ બેઠેલા વ્યક્તિએ પણ ફરજિયાત હેલ્મેટ પહેરવું પડશે.