વિક્રાંત મેસી ધીરજ સરનાની ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’ સાથે મોટા પડદા પર પાછો ફરી રહ્યો છે. આ ફિલ્મ 2002માં થયેલી ગોધરા કાંડના સત્ય પર આધારિત છે. હવે એ કડવું સત્ય દર્શાવતી ફિલ્મનું દમદાર ટ્રેલર રિલીઝ કરવામાં આવ્યું છે. ‘ધ સાબરમતી રિપોર્ટ’નું દમદાર ટ્રેલર રિલીઝ
27 ફેબ્રુઆરી 2002 ની સવારે સાબરમતી એક્સપ્રેસમાં જે બન્યું હતું તે સત્યને ઉજાગર કરતું ‘ધ સાબરમતી રિપોર્ટ’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. આ ટ્રેલર આપણને એવી ઘટનાની સફર પર લઈ જાય છે જેણે ભારતનો સામાજિક અને સાંસ્કૃતિક ચહેરો બદલી નાખ્યો. ટ્રેલર જોઈને તમારા હોશ ઉડી જશે. કેવું છે ફિલ્મનું ટ્રેલર?
વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા પત્રકારોની ભૂમિકામાં શાનદાર એક્ટિંગ કરી રહ્યાં છે. ટ્રેલર પરથી સ્પષ્ટ થાય છે કે આ ફિલ્મ એક ઊંડી છાપ છોડશે, જે આ હૃદયદ્રાવક ઘટનાની સત્યતાને ઉજાગર કરશે અને દર્શકોને વાકેફ કરશે. આ ટ્રેલરમાં, હિન્દી ભાષી અને અંગ્રેજી પત્રકારો વચ્ચેના વૈચારિક તફાવતને સામે લાવવામાં આવ્યો છે, જેઓ વેસ્ટર્ન પ્રભાવથી પ્રેરિત હોવા છતાં, રાજકારણ અને દુ:ખદ ઘટનાઓના કવરેજને પ્રભાવિત કરે છે. શું આ ફિલ્મ પ્રોપોગેન્ડા આધારિત છે?
બુધવારે તેનું ટ્રેલર લોન્ચિંગ ઈવેન્ટ યોજાઈ હતી. આ દરમિયાન એકતાએ મીડિયાના ઘણા સવાલોના જવાબ આપ્યા. તેમને પૂછવામાં આવ્યું કે, શું તેમણે બનાવેલી ફિલ્મ પ્રોપોગેન્ડા ફિલ્મ છે. તેના જવાબમાં એકતાએ કહ્યું કે-આ ફિલ્મ માત્ર ષડયંત્રની થિયરીઓને નિશાન બનાવીને નથી બનાવી પરંતુ તેને ઊંડા સંશોધનના આધારે તૈયાર કરી છે. જ્યારે તમે આ ફિલ્મ જોશો, ત્યારે તમે પોતે આ વાત સાથે સહમત થશો. ફિલ્મના નિર્માણ દરમિયાન એક સમયે, મને ખબર નહતી કે સંશોધનની જરૂર પડી શકે છે. એટલું સંશોધન થયું કે હું પોતે પણ ચોંકી ગઈ. એકતા કપૂર PM મોદી-અમિત શાહને ફિલ્મ બતાવવા માગે છે!
બીજો એક એવો સવાલ કરવામાં આવ્યો કે, શું તમે દેશના પાવરફૂલ લીડર જેમ કે પીએમ મોદી અને અમિત શાહને આ ફિલ્મ દેખાડશો અથવા તો તમારું પ્લાનિંગ છે? તેના જવાબમાં એકતા કપૂરે કહ્યું કે- મારી તો દિલથી ઈચ્છા છે કે તે આ ફિલ્મ જોવે. પણ દેખાડવું એટલું સરળ નથી હોતું. આ ફિલ્મ 15 નવેમ્બરે રિલીઝ થશે
ફિલ્મ ‘ધ સાબરમતી રિપોર્ટ’માં વિક્રાંત મેસી, રાશિ ખન્ના અને રિદ્ધિ ડોગરા મુખ્ય ભૂમિકામાં છે. આ ફિલ્મનું નિર્દેશન ધીરજ સરનાએ કર્યું છે અને શોભા કપૂર, એકતા કપૂર, અમૂલ વી. મોહન અને અંશુલ મોહન દ્વારા પ્રોડ્યુસ છે. આ ફિલ્મ 15 નવેમ્બર 2024ના રોજ રિલીઝ થશે.