અમેરિકામાં વાજતે-ગાજતે ટ્રમ્પ સત્તા પર પાછા ફર્યા છે. કમલા હેરિસે છેલ્લી ઘડી સુધી સારી લડત આપી પણ આખરે અમેરિકનોએ ‘ફીર એકબાર ટ્રમ્પ સરકાર’નો નારા પર મ્હોર મારી છે. ‘હું જીતવા માટે જ જીવું છું’ એવું કહેનાર ડોનાલ્ડ ટ્રમ્પ ખરેખર જીતી ગયા છે. કમલા હેરિસ રાષ્ટ્રપતિ પદની ખુરશીથી થોડાં જ દૂર રહી ગયાં છે, એનો અર્થ એ કે મોટાભાગના અમેરિકનો રાષ્ટ્રપતિ પદની ખુરશી પર મહિલાને જોવા માગતા નથી. ટ્રમ્પ સત્તા પર આવ્યા એટલે ભારતે બેલેન્સ કરવું પડશે. કારણ કે, ટ્રમ્પના આવવાથી ચીન સામેની લડાઈમાં અને ડિફેન્સ સેક્ટરમાં ભારતને ફાયદો ચોક્કસ છે પણ ઈમિગ્રન્ટ્સ અને બિઝનેસ મામલે ભારતે સંભાળવું પડે એવું છે. નમસ્કાર, ડોનાલ્ડ ટ્રમ્પની સરકાર આવશે તો ભારતે રાજી થવું જોઈએ, એવું નથી અને નિરાશ થવું જોઈએ એવું પણ નથી. મોદી અને ટ્રમ્પ સારા મિત્રો છે એની ના નહીં પણ ટ્રમ્પનો ભરોસો કરવા જેવો પણ નથી. બિઝનેસમાં ડ્યુટીની વાત હોય કે ઈમિગ્રન્ટ્સને નોકરી આપવાની વાત હોય, ટ્રમ્પ હંમેશાં ભારત વિરોધી રહ્યા છે. હા, ખાસ કરીને નરેન્દ્ર મોદીને તે સારા મિત્ર માને છે એટલાથી અટકતું નથી. ટ્રમ્પ ગમે ત્યારે ગુગલી ફેંકીને નિર્ણયો બદલી શકે છે અને તેનાથી ભારતનું હિત જોખમાઈ શકે છે. એટલે એ કહેવું મુશ્કેલ છે કે ટ્રમ્પની જીતથી ભારતને ‘લાભ પાંચમ’ ફળશે કે કેમ? જીત્યા પછી ટ્રમ્પે કહ્યું- મને ભગવાને એ દિવસે એટલે જ બચાવી લીધો હતો જીત મળ્યા પછી અમેરિકન લોકોને સંબોધતાં ટ્રમ્પે કહ્યું કે, હું અમેરિકાને ફરી એકવાર મહાન બનાવીશ. આ દિવસ માટે જ ભગવાને એ દિવસે મારો જીવ બચાવ્યો હતો. ટ્રમ્પ પર 13 જુલાઈના રોજ પેન્સિલવેનિયામાં હુમલો થયો હતો. એક ગોળી તેના કાનને અડીને બહાર નીકળી ગઈ. હુમલામાં તેમનો જીવ બચી ગયો હતો. ટ્રમ્પે કહ્યું, અમે તે કર્યું જે લોકોને અશક્ય લાગતું હતું. અમેરિકાના ઈતિહાસમાં આ સૌથી મોટી જીત છે. હું દેશની તમામ સમસ્યાઓ હલ કરીશ, અમેરિકન લોકોના પરિવાર અને તેમના ભવિષ્ય માટે લડીશ. આગામી 4 વર્ષ અમેરિકા માટે મહત્વપૂર્ણ છે. પહેલાં ટ્રમ્પની આ પાંચ રસપ્રદ વાતો જાણી લો… ટ્રમ્પના આવવાથી ભારતને થનારા ફાયદા વિશે પહેલાં જાણો… ટ્રમ્પ મોદીના મિત્ર ભલે રહ્યા પણ આટલું ધ્યાન તો રાખવું જ પડશે… ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી ભારતને બિઝનેસમાં શું નુકસાન થશે? ભારત માટે અમેરિકા એ બિઝનેસ એક્સપોર્ટ માટે સૌથી મોટું બજાર છે. ભારત અમેરિકાને ફૂડ આઈટમ્સ, મસાલા, ચા, કપડાં, ચામડાની વસ્તુઓ, હીરા, રત્ન, દવાઓ આપે છે. ભારતને અમેરિકા સાથેના વેપારથી સારો એવો નફો થાય છે. પણ ડોનાલ્ડ ટ્રમ્પના આગમનથી ભારતને નુકસાન થાય તેવી પૂરી સંભાવના છે. એના કારણો છે. ફાયનાન્શિયલ 2023-24માં ભારતે અમેરિકા પાસેથી કુલ આશરે 3 લાખ 55 હજાર કરોડ રૂપિયાનો સામાન ખરીદ્યો હતો. જ્યારે ભારતે આ સમયગાળા દરમિયાન અમેરિકાને 6 લાખ 52 હજાર કરોડ રૂપિયાનો સામાન વેચ્યો હતો. 2017થી 2021 દરમિયાન ટ્રમ્પના પ્રેસિડેન્ટકાળ દરમિયાન ભારત-અમેરિકા સંબંધોમાં ઘણી પ્રગતિ જોવા મળી હતી. ડોનાલ્ડ ટ્રમ્પના શાસનકાળમાં ભારત સાથે બધું બરાબર ચાલ્યું હતું, એવું કહેવું પણ બરાબર નથી. એટલે આ વખતની જીતથી ભારતને ફાયદો જ ફાયદો થશે એવું પણ ન કહી શકાય. એ એટલા માટે કે તેમના પ્રથમ કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને “ટેરિફ કિંગ” કહ્યું હતું. આ વર્ષે ઓગસ્ટ-2024માં એક ઈન્ટરવ્યુમાં ટ્રમ્પે ભારતના ઊંચા ટેક્સની ટીકા કરી હતી. હકીકતમાં 2019માં જ્યારે ટ્રમ્પ સત્તામાં હતા ત્યારે મોદી સરકારે ઘણા અમેરિકન સામાન પર ભારે ટેક્સ લગાવ્યો હતો. કારણ કે ટ્રમ્પ સરકારે ભારતને સ્ટીલ અને એલ્યુમિનિયમની આયાત પરના વધારાના ટેક્સમાંથી મુક્તિ આપવાનો ઈન્કાર કરી દીધો હતો. ત્યારબાદ ટ્રમ્પે ભારતને ટ્રેડની જનરલ સિસ્ટમમાંથી બાકાત રાખી દીધું હતું. આ નિર્ણયને કારણે અમેરિકામાં ઘણી ભારતીય વસ્તુઓ મોંઘી થઈ ગઈ જેના કારણે ભારતીય કંપનીઓને નુકસાન સહન કરવું પડ્યું. પ્રેફરન્શિયલ ટ્રેડ એગ્રીમેન્ટમાં એક દેશ વેપારને સરળ બનાવવા માટે બીજા દેશ સાથે અમુક માલ પર ઓછી ડ્યુટી રાખે છે. પોતાના કાર્યકાળ દરમિયાન ટ્રમ્પે ભારતને ઈરાન પાસેથી તેલ ખરીદવા અને રશિયા પાસેથી S-400 એન્ટી એરક્રાફ્ટ મિસાઈલ ખરીદવાની ભારતની યોજનાને લઈને વિવિધ પ્રતિબંધોની ધમકી પણ આપી હતી. આ સિવાય ટ્રમ્પ ભારતમાં હાર્લી-ડેવિડસન મોટરસાઈકલ પર લાદવામાં આવેલા ભારે ટેક્સને લઈને પણ સમયાંતરે ભારતની ટીકા કરતા રહ્યા છે. ટ્રમ્પ ચીનને ભીંસમાં લેશે, એનો ફાયદો ભારતને મળી શકે છે માર્કેટ રિસર્ચ ફર્મ નોમુરાએ એક રિપોર્ટ રજૂ કર્યો હતો. આ રિપોર્ટમાં ટ્રમ્પના પ્રેસિડેન્ટ બનવાની એશિયા પર શું અસર પડી છે તેના પર પ્રકાશ પાડવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં એવું સૂચન કરવામાં આવ્યું છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું રાષ્ટ્રપતિ બનવું ભારત માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. તેનું સૌથી મોટું કારણ એ છે કે અમેરિકા હંમેશાં ચીન વિરોધી રહ્યું છે. ભારતની જાણીતી બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્સિયલ ઇન્સ્ટિટ્યૂશનલ સિક્યોરિટીઝના રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ટ્રમ્પ ચૂંટણી જીતે તો અમેરિકા ચીનના સામાન પર ભારે ટેક્સ લગાવશે. વિશ્વભરની કંપનીઓની ચાઈના પ્લસ વન વ્યૂહરચનાથી ભારતને ફાયદો થશે. ભારતીય ઓટો કંપનીઓ માટે નિકાસના નવા રસ્તા ખુલશે. ચાઈના પ્લસ વન હેઠળ દુનિયાભરની કંપનીઓ ચીન, વિયેતનામ અને ભારત જેવા દેશોમાં પોતાનું રોકાણ વધારી રહી છે. ખાસ કરીને કોવિડ પછી કંપનીઓએ ચીન સિવાય રોકાણના ઓપ્શન શોધવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પની જીતથી પ્રભાવિત થનારી વસ્તુઓમાં ઘણી એવી ચીજવસ્તુઓ છે જેના ભાવ વધી શકે છે. ગયા વખતે જ્યારે ટ્રમ્પ સત્તામાં હતા ત્યારે તેમણે ઘણી વસ્તુઓ પર ટેક્સ વધાર્યો હતો, જેના કારણે ઘણી વસ્તુઓના ભાવ વધી ગયા હતા. ટ્રમ્પ આયાત પર ટેરિફ વધારી શકે છે એટલે અમેરિકામાં વિદેશની વસ્તુઓ મોંઘી થશે. બ્રોકરેજ ફર્મ જેએમ ફાઇનાન્શિયલના રિપોર્ટ મુજબ, ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ વિસ્તરણવાદી છે. ટ્રમ્પે ચીનમાંથી થતી આયાત પર અંદાજે 60 ટકા કે તેથી વધુ ટેરિફ અને બાકીના દેશોમાંથી આયાત પર 10 થી 20 ટકા ટેરિફ વધારવાનો તેમનો ઈરાદો વ્યક્ત કર્યો છે. ભારતના મેટલ નિકાસકારોને ચાઇનીઝ મેટલ્સ પર ટેક્સ વધારવાથી ફાયદો થઈ શકે છે. આ રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ચીન પર ડોનાલ્ડ ટ્રમ્પના વલણથી ભારતીય કેમિકલ નિકાસ માટે અમેરિકન બજાર વધુ ખુલશે તેવી અપેક્ષા છે. કાપડ અને ટાઇલ્સ, ખાસ કરીને મોરબી સિરામિક ઉદ્યોગની માંગ વધી શકે છે કારણ કે ટ્રમ્પ સરકાર ચાઇનીઝ માલ પર ભારે ટેરિફ લાદી શકે છે. જેના કારણે અમેરિકન લોકોને ભારતમાંથી આ વસ્તુઓ ખરીદવાની ફરજ પડશે, એ હિસાબે ભારતના ઉદ્યોગોને ફાયદો થશે એ નક્કી. હવે એ જાણી લો, ટ્રમ્પની વાપસીથી ક્યા દેશને શું અસર થશે? છેલ્લે, ટ્રમ્પની જીત પછી દુનિયાભરના નેતાઓ તેમને શુભેચ્છા આપી રહ્યા છે પણ રશિયાના રાષ્ટ્રપતિ વાલ્દીમીર પુતિને કહ્યું કે, તે હમણાં ટ્રમ્પને શુભેચ્છા નહીં આપે. રશિયાના પ્રવક્તાએ કહ્યું છે કે, ટ્રમ્પ સરકારની નીતિઓ જાણ્યા પછી અમે અમેરિકા સાથે કેવા સંબંધ રાખવા તે નક્કી કરીશું. આમ પણ અમારા માટે અમેરિકા એ ‘અમિત્ર દેશ’ રહ્યો છે. સોમવારથી શુક્રવાર સુધી રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… (રિસર્ચ : યશપાલ બક્ષી)