શક્તિપીઠ પાવાગઢ મહાકાળી માતાજીના દર્શને આવતા યાત્રાળુઓ માટે શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે, આવતીકાલે 8 નવેમ્બર 2024ના શુક્રવારના દિવસે દર્શનાર્થીઓ માટે નિજ મંદિરના દ્વાર સાંજે 4:00 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવામાં આવનાર હોવાથી માઇભક્તોને એ મુજબ આયોજન કરી આવવા જણાવવામાં આવ્યું છે. પાવાગઢ મહાકાળી માતાજીના મંદિર મા મહાકાળી માતાજીના શૃંગારના અલંકારોની ચોરી ઝડપાઇ ગઈ છે, ત્યારે મંદિરના ગર્ભગૃહ અને તેમાં રહેલી માતાજીની પાદુકા, ત્રિશૂળ સહિત પૂજાની સામગ્રીનું શાસ્ત્રોક્ત વિધિ વિધાન મુજબ શુદ્ધિકરણ કરવાની કામગીરી મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે. આ માટે શુક્રવાર 8 નવેમ્બરના દિવસે નિજ મંદિરના દ્વાર સાંજે 4 વાગ્યા પછી દર્શનાર્થીઓ માટે બંધ કરવામાં આવશે અને જે પુનઃ બીજા દિવસે એટલે કે શનિવાર 9 નાબેમ્બરના સવારે 6 વાગ્યા પછી ખોલવામાં આવનાર હોવાની જાહેરાત શ્રી કાલિકા મંદિર ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે. મંદિરના ગર્ભગૃહમાં ચોર દ્વારા પ્રવેશ કરવામાં આવ્યો હોવાથી ગર્ભગૃહને શુદ્ધ કરવામાં આવશે અને સાથે માતાજીની પ્રતિમાઓ અને ગર્ભગૃહમાં રાખવામાં આવતી તમામ સામગ્રીઓને પણ વૈદિક મંત્રોચ્ચાર સાથે શાસ્ત્રોક્ત વિધિ મુજબ શુદ્ધ કરવામાં આવનાર હોવાની જાણકારી મળી છે.